Spread the love

એક તરફ કાળઝાળ ગરમી અને હીટવેવથી હેરાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીનું સંકટ ઝડપથી ભયાનક સ્વરુપ લઈ રહ્યું છે. દિલ્હીના ઘણા ભાગો પાણીની સમસ્યાથી પરેશાન છે અને દીલ્હી સરકાર આ સમસ્યાને ઉકેલવામાં સંપુર્ણપણે ઉણી ઉતરી રહી છે, ત્યારે હવે જળ સંકટ લુટિયન ઝોનને ઝપેટમાં લઈ રહ્યું છે. લુટિયન ઝોનમાં પાણીની કટોકટી અંગે એનડીએમસીના વાઈસ ચેરપર્સન સતીશ ઉપાધ્યાયે કહ્યું કે આ વિસ્તારમાં વડાપ્રધાનનું નિવાસસ્થાન, રાષ્ટ્રપતિ ભવન, સંસદ, આરએમએલ હોસ્પિટલ વગેરે આવે છે.

સતીશ ઉપાધ્યાયે કહ્યું કે આ એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે દિલ્હી જલ બોર્ડે અમારા પાણીમાં કાપ મુક્યો છે અને એનડીએમસીને 125 એમએલડી પાણીની જરૂરિયાત છે તેને બદલે માત્ર 70 થી 80 એમએલડી પાણી આપી રહ્યું છે. જોકે તેમણે વૈકલ્પિક વ્યવસ્થાપન કર્યું હોવાનું પણ જણાવ્યુ છે.

દિલ્હી જળ સંકટને દૂર કરવાના અસરકારક પગલા ભરવાને બદલે રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર ક્યારેક હરીયાણા સરકાર, ક્યારેક હિમાચલ સરકાર પર આરોપ લગાવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ શાસિત રાજ્ય હરિયાણા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું નથી. AAPનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ હરિયાણા તેને સંપૂર્ણપણે દિલ્હી તરફ છોડતું નથી.

આ અંગે દિલ્હીના મંત્રી આતિશીએ બુધવારે (19 જૂન) કહ્યું કે તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવર્તી રહેલા જળ સંકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આતિશીએ કહ્યું કે જો સંકટનો જલ્દી ઉકેલ નહીં આવે તો તે 21 જૂનથી અનિશ્ચિત સમયના ઉપવાસ પર ઉતરશે. બીજી રીતે જોતા આ દીલ્હી સરકારે આડકતરી રીતે એવું માની લીધું કહી શકાય કે તે દીલ્હીના જળ સંકટને ઉકેલી શકવા સક્ષમ નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર જ ઉકેલી શકે તેમ છે.

ભાજપના દિલ્હીના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આતિશી પર પાણીની ચોરી અને કાળાબજારથી ધ્યાન હટાવવા માટે નાટક રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે AAP સરકાર કંઈ કરી રહી નથી અને તેથી તેને બરતરફ કરવી જોઈએ.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.