ખૂબ પ્રતિક્ષા બાદ આખરે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે પોતાના પત્તા ખોલ્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે. પાર્ટીએ આ વખતે યુપીમાં રાહુલ ગાંધીની સીટ બદલી દીધી છે. ગાંધી પરિવારની બીજી પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી રાહુલ ગાંધીની નોમિનેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે એવી સંભાવના દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ તેના પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માનું નામ અમેઠીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બંનેના નામની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી 2019માં અમેઠીથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપાના સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યા હતા. આ વખતે પાર્ટીએ તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં શ્રીમતી સોનિયા ગાંધી જીત્યા હતા તે રાયબરેલી સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે અમેઠીની સીટ માટે જાહેર થયેલા ઉમેદવાર કિશોરી લાલ શર્મા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરશે.
2014 અને 2019માં અમેઠી સીટ પર રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની ચૂંટણી મેદાનમાં જોવા મળ્યો હતા. રાહુલ ગાંધીએ 2014માં જીત મેળવી હતી. જ્યારે 2019માં સ્મૃતિ ઈરાનીએ મોટો અપસેટ સર્જાતા રાહુલ ગાંધીને તેમની પરંપરાગત સીટ પરથી હરાવીને અને પ્રથમ વખત જીત મેળવી હતી. આ વખતે કોંગ્રેસે સલામત રમતા અમેઠીમાં નવી યુક્તિ કરી હોય તેવું જણાય છે અને સોનિયા ગાંધીના નજીકના સહયોગી ગણાતા કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારીને ચોંકાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 2004માં પ્રથમ વખત અમેઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તે પછી, તેઓ ત્યાંથી 2019 સુધી સતત ત્રણ વખત સંસદના સભ્ય રહ્યા. 2019માં રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે કેરલના વાયનાડથી પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જેમાં અમેઠીમાં તેમની હાર થતાં હાલમાં કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ છે અને આ વખતે પણ વાયનાડથી ચૂંટણી લડી છે. વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન થઈ ગયું છે.
અમેઠીથી બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે રાયબરેલીથી બીજેપીએ બીજી વખત દિનેશ પ્રતાપ સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિનેશ 2019ની ચૂંટણી હારી ગયા હતા. 2019માં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા.