– હિંમતનગરમાં ફરી વળ્યા બુલડોઝર
– નાગરિકો જાતે જ દબાણ હટાવવા માંડ્યા
– રામનવમીને દિવસે શોભાયાત્રા પર થયો હતો પથ્થરમારો
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયો હતો પથ્થરમારો
રામનવમીના દિવસે હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા માહોલ ગરમાયો હતો. જેના અનુસંધાને નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. વાહનો સળગાવવા તથા પોલીસ પર હુમલાના બનાવો પણ બન્યા હતા. આ ઘટના બાદ છાપરિયામાં તંત્ર અને પોલીસતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. છાપરિયા વિસ્તારમાં બે જેસીબી સહિત નગરપાલિકાના 40થી વધુ કર્મીઓ ડિમોલીશનની કામગીરીમાં જોડાયા હતા. જો કે બુલડોઝરનો એટલો ખૌફ કે લોકો હથોડા અને પાવડા લઇને દબાણ દૂર કરતા જોવા મળતા હતા. ઘટનાને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
TP રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું
આશરે 15 મીટરનો ઉમિયા વિજય ટીપી રોડને મળતા આ રોડ ઉપરથી પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે 2020થી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર ન કરાતા તંત્ર દ્વારા આજે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. 3 મીટરનો જે રોડ ખુલ્લો કરવાનો છે તેના માટે અવારનવાર નોટિસ આપવામાં આવતી હતી તેમ છતાં રોડ ખૂલ્લો ન કરાતા તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાકીના અસ્થાયી દબાણો પણ ખુલ્લા કરાવવા અંગે મનપા દ્વારા કામગીરી કરવામાં આવશે.