– પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ
– 4 રાજ્યોમાં ભાજપની સરકાર નક્કી
– પંજાબમાં ‘આપ’ની સરકાર
પાંચ રાજ્યોની મતગણતરી ચાલું.. પરિણામ સમિક્ષા
– હિમાદ્રી આચાર્ય દવે
પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા અને મણિપુરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. યુપી-ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર બનાવની એ નક્કી થઈ ગયું છે ત્યારે પાંચેય રાજ્યોની ચુંટણી સમીક્ષા…

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાં મત ગણતરી દરમિયાન જે જનાદેશ આવી રહ્યો છે એમાં પ્રારંભિક વલણોમાં, પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર રચાશે તેવું લાગે છે.ઉત્તર પ્રદેશની કુલ 403 બેઠકોમાંથી અત્યાર સુધી ભાજપ 258થી વધુ સીટો પર આગળ છે, જ્યારે સપા 138 બસપા 2 સીટોથી આગળ વધી શકી નથી. કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે, માત્ર એક સીટ..! પ્રિયંકા ગાંધીનો કરિશ્મા અહીં ચાલ્યો નથી. યુપીમાં સરકાર બનાવવા માટે 202 સીટોના જાદુઈ આંકડાથી ઘણા પાછળ પડ્યા બાદ સપામાં ખળભળાટ મચી ગયો છે. જોકે ગત વખતની સરખામણીએ તેને 83 બેઠકોનો ફાયદો થતો જણાય છે.

ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં બીજેપી ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે. અહીંથી સૌથી મોટો ઝટકો કોંગ્રેસના હરીશ રાવતને લાગ્યો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત લગ્નની વર્ષગાંઠના દિવસે ચૂંટણી હારી ગયા છે. લાલકુઆંની સીટ પર ભાજપના મોહન બિષ્ટે તેમને 14 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ઉત્તરાખંડમાં કુલ 70 બેઠકોમાંથી ભાજપ 48 પર આગળ છે જ્યારે કોંગ્રેસ માત્ર 18 પર આગળ છે. ‘આપ’ને એકેય સીટ નથી મળી જ્યારે અન્ય દળોને 4 સીટ મળી છે. ભાજપને 12 બેઠકોનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. તેમ છતાં ભાજપ દ્વારા સરકાર રચવામાં આવશે એ નિશ્ચિત છે.

પંજાબ
પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. પંજાબમાં કુલ 117 બેઠકોમાંથી, આમ આદમી પાર્ટી 91 સીટો પર આગળ છે. કોંગ્રેસ માત્ર 19 સીટો પર આગળ છે. બીજેપી માત્ર અને માત્ર 2 સીટ અને અકાલી દલ 4 સીટ પર આગળ છે. આ દરમિયાન AAPના સીએમ ઉમેદવાર ભગવંત માન રેકોર્ડ 45 હજાર મતોથી જીત્યા છે. તો પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની 13 હજાર મતોથી હાર થઈ છે અને સુખબીર સિંહ બાદલ 12 હજાર મતોથી હારી ગયા છે. ચૂંટણી પંચ અનુસાર, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ભદૌર વિધાનસભામાં 22,843 મતોથી અને ચમકૌર સાહિબ વિધાનસભામાં 2671 મતોથી પાછળ છે. કોંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુ હારી રહ્યા છે.

ગોવા
ગોવામાં કુલ 40 બેઠકોમાંથી હાલમાં ભાજપ 19 સીટો પર કોંગ્રેસ 12 સીટો પર, MGP+3 અને AAP 2 સીટો પર આગળ છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સતત ત્રીજી વખત અહીં સાંકેલિમ બેઠક પરથી જીત્યા છે. સાવંતે દાવો કર્યો છે કે ભાજપ 20થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ની મદદથી સરકાર બનાવી શકે છે. આ મામલે પાર્ટી આજે જ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળે તેવી શક્યતા છે. પણજી બેઠક પરથી ભાજપના અતાનાસિયો મોન્સેરેટ 710 મતોના માર્જિનથી જીત્યા છે. તેમણે પૂર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર અને અપક્ષ ઉમેદવાર ઉત્પલને હરાવ્યા હતા.

મણિપુર
મણિપુરમાં બીજેપીને મોટો ફાયદો થયો છે. સાત બેઠકોના ફાયદા સાથે તે અહીં 60 માંથી 28 સીટો પર આગળ ચાલી રહી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે હેનિગાંગ બેઠક પર 17 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. મણિપુરની કુલ 60 બેઠકોમાંથી માં ભાજપ 31, કોંગ્રેસ અને તેની સહાયક પાર્ટી 6 બેઠકો પર આગળ છે. અને અન્ય પાર્ટી 23 બેઠક પર આગળ છે.
ભાજપની પ્રચંડ જીત પર પ્રતિભાવ
ચાર ચાર રાજ્યોમાં પ્રચંડ જીતની સંભાવના તરફ આગળ વધતી મત ગણતરીને લઈને ભાજપના કાર્યકરો, નેતા અને ચાહકોમાં ઉત્સાહ ખુશીની લહેર ફરી વળી છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ વિજય અંગે કહ્યું કે, આ પ્રચંડ વિજય પી.એમ.ની રાષ્ટ્રીય અખંડિત વિચારસરણીનું પરિણામ છે. કોંગ્રેસે જ્યાં જાતિવાદને મહત્વ આપ્યું ત્યાં PMએ રાષ્ટ્રવાદ-વિકાસને મહત્વ આપ્યું. પી.એમ. આજની તારીખમાં ભારતના અવતારી માણસ છે, જે ભારતને વિશ્વનેતા બનાવવા જઇ રહ્યા છે. અશક્યને શક્ય બનાવવા માટે! ફક્ત એક અવતારી માણસ જ આ કરી શકે છે. તો બીજેપી નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે, ભારતની રાજનીતિમાં એવું માનવામાં આવતું હતું કે એકવાર એક પાર્ટી અને બીજી વાર બીજી પાર્ટી આવશે. વિપક્ષી દળોએ ચૂંટણીમાં તુષ્ટિકરણ કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ ગયા. લોકોએ પી.એમ. પર વિશ્વાસ કર્યો છે