Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે સાબરકાંઠા જિલ્લાની ઈડર સીટનું વિશ્લેષણ

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર રોજ શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ઈડર સીટનું વિશ્લેષણ વાંચો.

ઉત્તર ગુજરાતની સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૮માં નંબરની બેઠક છે. ઈડર SC અનામત બેઠક છે. ઈડર બેઠકનો સમાવેશ સાબરકાંઠા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. ઈડર બેઠકમાં ઈડર શહેર સહિત સમસ્ત ઈડર તાલુકા તેમજ વડાલી તાલુકાનો સમાવેશ થાય છે. ઈડર બેઠકમાં કુલ 2,79,139 મતદારો છે.

ઈડર બેઠકની ઉત્તરે બનાસકાંઠા જિલ્લાની દાંતા તેમજ સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક, પૂર્વમાં ખેડબ્રહ્મા બેઠકમાં સમાવિષ્ટ વિજયનગર તાલુકો તેમજ અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક, દક્ષિણમાં સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક જ્યારે પશ્ચિમમાં મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક તેમજ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠકમાં સમાવિષ્ટ વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાઓ આવેલા છે.

ઈડર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હિતુ કનોડિયા કોંગ્રેસના મણિભાઈ વાઘેલા સામે 14,813 મતની સરસાઈથી જીત્યા હતાં.

ઈડર બેઠકના હારજીતના લેખાજોખા

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 ગોવિંદભાઈ ભાંભી કોંગ્રેસ 13212
1967 માનાભાઈ ભાંભી સ્વતંત્ર પક્ષ 5837
1972 માનાભાઈ ભાંભી કોંગ્રેસ 14176
1975 કરસનદાસ સોનેરી સંસ્થા કોંગ્રેસ 11452
1980 લલ્લુભાઈ પરમાર કોંગ્રેસ 1692
1985 કરસનદાસ સોનેરી જનતા પાર્ટી 2747
1990 કરસનદાસ સોનેરી જનતાદળ 37148
1995 રમણભાઈ વોરા ભાજપ 34764
1998 રમણભાઈ વોરા ભાજપ 25450
2002 રમણભાઈ વોરા ભાજપ 26129
2007 રમણભાઈ વોરા ભાજપ 15217
2012 રમણભાઈ વોરા ભાજપ 11380
2017 હિતુ કનોડિયા ભાજપ 14813

આમ, ઈડરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી ભાજપ સૌથી વધુ 6 વાર, કોંગ્રેસ 3 વાર અને સ્વતંત્ર પક્ષ, સંસ્થા કોંગ્રેસ, જનતા પાર્ટી અને જનતાદળ 1-1 વાર વિજયી થઈ ચૂક્યા છે. ઈડરમાંથી ચૂંટાયેલા કરસનદાસ સોનેરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે રમણલાલ વોરા પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ વિવિધ ભાજપ સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે. હાલના ધારાસભ્ય હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર છે.

ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઈડર તાલુકા પંચાયતની કુલ 28માંથી ભાજપને 17 અને કોંગ્રેસને 11 બેઠક ઉપર વિજય મળ્યો હતો, જયારે વડાલી તાલુકા પંચાયતની કુલ 16માંથી ભાજપને 13, કોંગ્રેસને 02 અને અપક્ષને 01 બેઠક ઉપર વિજય મળ્યો હતો તેમજ વડાલી નગરપાલિકામાં કુલ 24માંથી ભાજપને 20 અને કોંગ્રેસને ફક્ત 04 બેઠકો મળી હતી. આમ, 1995 પછી ઈડરમાંથી ભાજપ લગાતાર જીત્યું છે અને 2022માં પણ ભાજપ જીતી જશે એવું આંકડાઓ કહી રહયા છે.

આવતીકાલે ખેડબ્રહ્મા બેઠકના લેખાજોખા


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *