– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે પાટણ જિલ્લાની રાધનપુર સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે રાધનપુર સીટનું વિશ્લેષણ વાંચો.
રાધનપુર વિધાનસભા મતવિસ્તાર (Radhanpur Assembly Constituency)
ઉત્તર ગુજરાતની પાટણ જિલ્લાની રાધનપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ સોળમાં નંબરની સામાન્ય બેઠક છે. રાધનપુર બેઠકનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. રાધનપુર બેઠકમાં રાધનપુર શહેર અને સમસ્ત રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકાના એકમાત્ર ગામ કેસરગઢને છોડી સમસ્ત સાંતલપુર તાલુકો તેમજ સમી તાલુકાના પશ્ચિમ વિભાગના 47 ગામોનો સમાવેશ થાય છે. રાધનપુર બેઠકમાં કુલ 2,85,844 મતદારો છે.
રાધનપુર બેઠકની ઉત્તરે કચ્છનું રણ તેમજ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકમાં સમાવિષ્ટ વાવ અને ભાભર તાલુકો, પૂર્વમાં બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક અને પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકમાં સમાવિષ્ટ હારીજ તાલુકો, દક્ષિણમાં ચાણસ્મા બેઠકમાં સમાવિષ્ટ સમી તાલુકો અને કચ્છનું રણ જ્યારે પશ્ચિમમાં કચ્છનું રણ આવેલું છે.
રાધનપુર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાધનપુરમાંથી કોંગ્રેસના અલ્પેશ ઠાકોર ભાજપના લવિંગજી સોલંકીને 14,857 મતથી હરાવી વિજેતા થયા હતાં. બાદમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા 2019માં આ બેઠકની પેટાચૂંટણી થઈ હતી. જેમાં ભાજપમાંથી ઉભા રહેલાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ સામે 3807 મતથી હારી જતાં મોટો સેટબેક સર્જાયો હતો. આ અગાઉ ખજુરાહો કાંડ પછી મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાએ વિધાનસભા પહોંચવા અપક્ષ ધારાસભ્ય લવિંગજી સોલંકી પાસે રાજીનામું અપાવતા 1997માં આ બેઠકની પેટાચૂંટણી થઈ હતી, જેમાં શંકરસિંહ વાઘેલા ભાજપના શંકર ચૌધરી સામે 13984 મતથી વિજયી થયા હતાં. શંકર ચૌધરી ભલે હારી ગયા પણ આ પેટાચૂંટણીમાં તેમને બરાબરની ટક્કર આપતા તેમનું રાજકીય ભવિષ્ય ચમકી ઉઠ્યું હતું.
રાધનપુર બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 દેવકરણ પોરણીયા. કોંગ્રેસ. 15324
1967 આર.કે. જાડેજા સ્વતંત્ર પક્ષ. 1833
1972 નિર્મલા ઝવેરી કોંગ્રેસ 9971
1975 ખોડીદાન ઝુલા કોંગ્રેસ 19903
1980 ખોડીદાન ઝુલા કોંગ્રેસ 10305
1985 ખોડીદાન ઝુલા કોંગ્રેસ 43786
1990 હિંમતલાલ મુલાની જનતા દળ 5162
1995 લવિંગજી સોલંકી અપક્ષ 307
1997 શંકરસિંહ વાઘેલા. રાજપ. 13984
1998 શંકર ચૌધરી ભાજપ 17422
2002 શંકર ચૌધરી ભાજપ 10050
2007 શંકર ચૌધરી ભાજપ 27736
2012 નાગરજી ઠાકોર ભાજપ 3834
2017 અલ્પેશ ઠાકોર કોંગ્રેસ 14857
2019 રઘુભાઈ દેસાઈ. કોંગ્રેસ. 3807
આમ, રાધનપુરમાં થયેલી 2 પેટાચૂંટણીઓ સહિત કુલ 15 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 7 વાર, ભાજપ 4 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ, જનતા દળ, રાજપ અને અપક્ષ એક-એક વાર વિજયી થયા છે. આ બેઠક ઉપર સૌથી વધુ સતત 3 વાર કોંગ્રેસમાંથી ખોડીદાન ઝુલા અને ભાજપમાંથી શંકર ચૌધરી જીત્યા હતા.
ફેબ્રુઆરીમાં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાધનપુર તાલૂકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 16 અને કોંગ્રેસને 2 બેઠકો, સાંતલપુર તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 6 જ્યારે સમી તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 14, કોંગ્રેસને 1, આપને 1 ને અપક્ષને 2 બેઠકો મળી હતી. જે જોતાં હાલ તો રાધનપુર બેઠકમાં ભાજપ કોંગ્રેસ ઉપર હાવિ છે એમ કહી શકાય.
બુધવારે ચાણસ્મા બેઠકનું વિશ્લેષણ કરીશું