Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા સીટ વિશે

2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર રોજ શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ખેડબ્રહ્મા સીટનું વિશ્લેષણ વાંચો.

ઉત્તર ગુજરાતની સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૯માં નંબરની બેઠક છે. ખેડબ્રહ્મા બેઠક ST અનામત બેઠક છે. ખેડબ્રહ્મા બેઠકનો સમાવેશ સાબરકાંઠા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા બેઠકમાં ખેડબ્રહ્મા શહેર સહિત સમસ્ત ખેડબ્રહ્મા તાલુકો, પોશીના તાલુકો અને વિજયનગર તાલુકાનો સમાવેશ થાય છે. ખેડબ્રહ્મા બેઠકમાં કુલ 2,65,204 મતદારો છે.

ખેડબ્રહ્મા બેઠકની ઉત્તર અને પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, દક્ષિણમાં અરવલ્લી જિલ્લાની ભિલોડા અને સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠકમાં સમાવિષ્ટ ઈડર અને વડાલી તાલુકાઓ જ્યારે પશ્ચિમમાં બનાસકાંઠા જિલ્લાની દાંતા બેઠક આવેલી છે.

ખેડબ્રહ્મા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અશ્વિન કોટવાલ ભાજપના રમીલાબેન બારા સામે 11,131 મતની સરસાઈથી જીત્યા હતાં.

ખેડબ્રહ્મા બેઠકના હારજીતના લેખાજોખા

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 માલજીભાઈ ડાભી કોંગ્રેસ 6106
1967 ઝેડ.બી. રાઠોડ સ્વતંત્ર પક્ષ 9392
1972 માલજીભાઈ ડાભી કોંગ્રેસ 3698
1975 ખાટુભાઈ કટારા સંસ્થા કોંગ્રેસ 2854
1978 ડી.જે. દોલજીભાઈ કોંગ્રેસ 2021
1980 જગદીશચંદ્રજી ડામોર કોંગ્રેસ 6970
1985 કલજીભાઈ કટારા કોંગ્રેસ 7062
1990 બેચરભાઈ બારા ભાજપ 8426
1995 અમરસિંહ ચૌધરી કોંગ્રેસ 26512
1998 અમરસિંહ ચૌધરી કોંગ્રેસ 25659
2002 અમરસિંહ ચૌધરી કોંગ્રેસ 10923
2004 રમીલાબેન બારા ભાજપ 594
2007 અશ્વિન કોટવાલ કોંગ્રેસ 25890
2012 અશ્વિન કોટવાલ કોંગ્રેસ 50137
2017 અશ્વિન કોટવાલ કોંગ્રેસ 11131

આમ, ખેડબ્રહ્મામાં 1978 અને 2004માં થયેલી બે પેટાચૂંટણીઓ સહિત કુલ 15 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ સૌથી વધુ 11 વાર, ભાજપ ફક્ત 2 વાર અને સ્વતંત્ર પક્ષ તેમજ સંસ્થા કોંગ્રેસ 1-1 વાર વિજયી થઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતના વ્યારામાં 1990માં હાર્યા બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્માને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું અને 3 વાર અહીંથી ચૂંટાઈ વિપક્ષના નેતા પણ બન્યા હતા.

ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની કુલ 20માંથી ભાજપને 15 અને કોંગ્રેસને 05 બેઠક ઉપર વિજય મળ્યો હતો, પોશીના તાલુકા પંચાયતની કુલ 20માંથી ભાજપને 16 અને કોંગ્રેસને 04 બેઠક ઉપર વિજય મળ્યો હતો જ્યારે વિજયનગર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપને 12, કોંગ્રેસને 04, બીટીપી 01 અને આપને 01 બેઠક ઉપર વિજય મળ્યો હતો.

છેલ્લાં 26 વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપ ખેડબ્રહ્મા બેઠક ફક્ત બેજ વાર જીતી શક્યો છે. ખેડબ્રહ્મા કોંગ્રેસનો સૌથી સલામત અને મજબૂત ગઢ છે પણ ગત ચૂંટણીમાં ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્રને પંચાયતની ચૂંટણીમાં હરાવી તેમજ વિધાનસભા વિસ્તારમાં આવતી ત્રણેય તાલુકા પંચાયતો જીતી ભાજપે કોંગ્રેસના આ અડીખમ ગઢના કાંગરા ખેરવવા માંડ્યા છે.

આવતીકાલે ભિલોડા બેઠકના લેખાજોખા


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *