– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે મહેસાણા જિલ્લાની બેચરાજી સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ કઈ બેઠક કોણ જીતશે ? કોને કેટલી બેઠક મળશે ? કઈ પાર્ટીને બહુમતી મિશેલ ? આ પ્રશ્નોના ઉત્તર શોધવા ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે બેચરાજી સીટનું વિશ્લેષણ વાંચો.
બેચરાજી વિધાનસભા મતવિસ્તાર (Becharaji Assembly Constituency)
ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૩માં નંબરની બેઠક છે. બેચરાજી બેઠક સામાન્ય બેઠક છે. બેચરાજી બેઠકનો સમાવેશ મહેસાણા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. બેચરાજી બેઠકમાં સમસ્ત બેચરાજી અને જોટાણા તાલુકો તેમજ મહેસાણા તાલુકાના ઉત્તર-પશ્ચિમ વિભાગના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. બેચરાજી બેઠકમાં કુલ 2,49,245 મતદારો છે.
બેચરાજી બેઠકની ઉત્તરે પાટણ જિલ્લાની ચાણસ્મા અને મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠક, પૂર્વમાં વિસનગર અને મહેસાણા બેઠક, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની કડી અને અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠકમાં સમાવિષ્ટ દેત્રોજ અને માંડલ તાલુકાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા બેઠક જ્યારે પશ્ચિમમાં પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠકમાં સમાવિષ્ટ હારીજ અને શંખેશ્વર તાલુકાઓ આવેલા છે.
બેચરાજી બેઠક 2012ની ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. ત્યાર પહેલાં તે 1972 થી 2007ની ચૂંટણી સુધી જોટાણા બેઠકથી ઓળખાતી હતી. છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભરતજી ઠાકોર ભાજપના રજનીકાંત પટેલ સામે 15,811 મતની સરસાઈથી જીત્યા હતાં.
જોટાણા/બેચરાજી બેઠકનો ઈતિહાસ જોઈએ
જોટાણા
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1972 ભાવસિંહજી ઝાલા સંસ્થા કોંગ્રેસ 7975
1975 હરિભાઈ પરમાર સંસ્થા કોંગ્રેસ 12067
1980 હરિભાઈ પરમાર કોંગ્રેસ 1135
1985 માનસિંહ જાદવ કોંગ્રેસ 4312
1990 કાંતિલાલ સોલંકી ભાજપ 10555
1995 કાંતિલાલ સોલંકી ભાજપ 12637
1998 ઈશ્વરભાઈ મકવાણા ભાજપ 19895
2002 ઈશ્વરભાઈ મકવાણા ભાજપ 12686
2007 જશોદાબેન પરમાર ભાજપ 14897
બેચરાજી
2012 રજનીકાંત પટેલ ભાજપ 6456
2017 ભરતજી ઠાકોર કોંગ્રેસ 15811
આમ, બેચરાજીમાં થયેલી કુલ 2 ચૂંટણીઓમાં એક વાર ભાજપ અને એક વાર કોંગ્રેસ વિજયી થયું છે. જ્યારે જૂની જોટાણા બેઠકમાં થયેલી કુલ 9 ચૂંટણીઓમાં ભાજપ સૌથી વધુ 5 વાર જ્યારે કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ 2-2 વાર વિજયી થયા હતાં. આ વિસ્તારમાં કોંગ્રેસને છેક 32 વર્ષ બાદ 2017માં વિજય મળ્યો હતો, જ્યારે ભાજપ 1990 થી 2012 સુધીની ચૂંટણી લગાતાર જીત્યું હતું.
ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બેચરાજી તાલુકા પંચાયતમાં કુલ 16માંથી ભાજપને 14 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. જ્યારે જોટાણા તાલુકા પંચાયતમાં કુલ 16માંથી ભાજપને 10 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. આમ, ભૂતકાળની પેટર્ન જોતાં ભાજપ બેચરાજી બેઠક જીતવાની આશા રાખી શકે છે.
શુક્રવારે કડી બેઠકનું વિશ્લેષણ જોઈશું