– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે મહેસાણા જિલ્લાની વિસનગર સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાતની કઈ બેઠક કઈ પાર્ટી જીતી શકે છે ? કોને મળી શકે છે બહુમતી ? આ પ્રશ્નોના ઉત્તર શોધવાની મથામણ એટલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ. દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે વિસનગર સીટનું વિશ્લેષણ વાંચો.
વિસનગર વિધાનસભા મતવિસ્તાર (Visnagar Assembly Constituency)
ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૨માં નંબરની બેઠક છે. વિસનગર બેઠક સામાન્ય બેઠક છે. વિસનગર બેઠકનો સમાવેશ મહેસાણા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. વિસનગર બેઠકમાં વિસનગર શહેર અને સમસ્ત વિસનગર તાલુકાનો સમાવેશ થાય છે. વિસનગર બેઠકમાં કુલ 2,23,053 મતદારો છે.
વિસનગર બેઠકની ઉત્તરે મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠક, પૂર્વમાં ઊંઝા બેઠકમાં સમાવિષ્ટ વડનગર તાલુકાના કેટલાક ગામો અને વિજાપુર બેઠક, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની વિજાપુર અને મહેસાણા બેઠક તેમજ પશ્ચિમમાં મહેસાણા બેઠક આવેલી છે.
વિસનગર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઋષિકેશ પટેલ કોંગ્રેસના મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશ પટેલને 2869 મતની પાતળી સરસાઈથી હરાવી વિજેતા બન્યા હતાં. ૠષિકેશ પટેલ હાલ ભુપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મેડિકલ શિક્ષણ અને જળસંપતિ વિભાગના કેબિનેટ મંત્રી છે.
વિસનગર બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 રમણિકલાલ મણિયાર કોંગ્રેસ. 1642
1967 શાંતાબેન પટેલ કોંગ્રેસ 8792
1972 જગન્નાથ વ્યાસ સંસ્થા કોંગ્રેસ 3664
1975 સાકરચંદ પટેલ અપક્ષ 11441
1980 ગંગારામ પટેલ ભાજપ 9361
1985 ભોળાભાઈ પટેલ અપક્ષ 3575
1990 ભોળાભાઈ પટેલ જનતા દળ 8547
1995 કિરીટ પટેલ ભાજપ 17518
1998 પ્રહલાદ પટેલ ભાજપ 3536
2002 પ્રહલાદ પટેલ ભાજપ 16866
2007 ૠષિકેશ પટેલ ભાજપ. 29838
2012 ૠષિકેશ પટેલ ભાજપ 29399
2017 ૠષિકેશ પટેલ ભાજપ 2869
ભાજપનો અડીખમ ગઢ મનાતા વિસનગરમાં ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિસનગર તાલુકા પંચાયતમાં કુલ 24માંથી ભાજપને 17, કોંગ્રેસને 6 અને આપને 1 બેઠક મળી હતી. જ્યારે વિસનગર નગરપાલિકામાં 36માંથી ભાજપને 31 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. આમ, વિસનગર બેઠકના મતદારોનું કોંગ્રેસ વિરોધી અને ભાજપ તરફી માનસ જોતાં વિસનગર બેઠક ભાજપ માટે સલામત બેઠક છે એમ આંખો બંધ રાખીને પણ કહી શકાય.
બુધવારે બેચરાજી બેઠકનું વિશ્લેષણ જોઈશું