– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે મહેસાણા જિલ્લાની કડી સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ કઈ બેઠક કોણ જીતશે ? કોને કેટલી બેઠક મળશે ? કઈ પાર્ટીને બહુમતી મિશેલ ? આ પ્રશ્નોના ઉત્તર શોધવા ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે બેચરાજી સીટનું વિશ્લેષણ વાંચો.
કડી વિધાનસભા મતવિસ્તાર (Kadi Assembly Constituency)
ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની કડી બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૪માં નંબરની બેઠક છે. કડી બેઠક SC અનામત બેઠક છે. કડી બેઠકનો સમાવેશ મહેસાણા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. કડી બેઠકમાં કડી શહેર અને સમસ્ત કડી તાલુકાનો સમાવેશ થાય છે. કડી બેઠકમાં કુલ 2,70,959 મતદારો છે.
કડી બેઠકની ઉત્તરે મહેસાણા બેઠક, પૂર્વમાં ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક, દક્ષિણમાં અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠક અને પશ્ચિમમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠકમાં સમાવિષ્ટ વિરમગામ અને દેત્રોજ તાલુકાઓ તેમજ મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠકમાં સામેલ જોટાણા તાલુકો આવેલા છે.
કડી બેઠક 1962ની પહેલી ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કરશનભાઈ સોલંકી કોંગ્રેસના રમેશભાઈ ચાવડા સામે 7746 મતની સરસાઈથી જીત્યા હતાં.
કડી બેઠકનો બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 નટવરલાલ પટેલ કોંગ્રેસ 422
1967 પી.એન. પરમાર સ્વતંત્ર પક્ષ 9801
1972 ગોવિંદભાઈ પરમાર કોંગ્રેસ 679
1975 પ્રહલાદ પટેલ જનસંઘ 7461
1980 કરશનજી ઠાકોર કોંગ્રેસ 9492
1985 કરશનજી ઠાકોર કોંગ્રેસ 6143
1990 નીતિન પટેલ ભાજપ 2738
1995 નીતિન પટેલ ભાજપ 2184
1998 નીતિન પટેલ ભાજપ 10682
2002 બળદેવજી ઠાકોર કોંગ્રેસ 6429
2007 નીતિન પટેલ ભાજપ 1327
2012 રમેશભાઈ ચાવડા કોંગ્રેસ 1217
2017 કરશનભાઈ સોલંકી ભાજપ 7746
આમ, કડીમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ 6 વાર જ્યારે જનસંઘ 1 વાર અને ભાજપ 5 એમ કુલ 6 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ એકવાર વિજયી થયો છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી જ્યારે સામાન્ય બેઠક હતી ત્યારે 4 વાર કડીમાંથી ચૂંટાયા હતાં. પણ 2008માં ડિલિમિટેશનમાં કડી SC માટે અનામત બેઠક જાહેર થતાં નીતિન પટેલે કડી છોડી બાજુના મહેસાણામાં જવું પડ્યું હતું.
ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કડી નગરપાલિકામાં 36માંથી 35 બેઠકો જીતી ભાજપે સપાટો બોલાવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ભાગે ફક્ત 1 બેઠક જ આવી હતી. કડી તાલુકા પંચાયતમાં પણ કુલ 30માંથી ભાજપને 21 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. આમ, જોઈએ તો ભૂતકાળમાં કોંગ્રેસ અને ભાજપ બરાબરીના મુકાબલે રહ્યા છે, અને ફક્ત એકજ વાર વિજેતા ઉમેદવારની સરસાઈ 10 હજાર કરતાં વધુ રહી છે. પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો ભાજપનું પલડું ભારી બતાવી રહ્યા છે.
સોમવારે મહેસાણા બેઠકનું વિશ્લેષણ જોઈશુ