– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલા ગુજરાતની કઈ બેઠક કઈ પાર્ટી જીતી શકે છે ? કોને મળી શકે છે બહુમતી ? આ પ્રશ્નોના ઉત્તર શોધવાની મથામણ એટલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ઊંઝા બેઠકનું વિશ્લેષણ વાંચો.
ઊંઝા વિધાનસભા મતવિસ્તાર (Unjha Assembly Constituency)
ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૧માં નંબરની બેઠક છે. ઊંઝા બેઠક સામાન્ય બેઠક છે. ઊંઝા બેઠકનો સમાવેશ મહેસાણા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. ઊંઝા બેઠકમાં ઊંઝા શહેર અને સમસ્ત ઊંઝા તાલુકો તેમજ વડનગર શહેર સહિત વડનગર તાલુકાના પશ્ચિમ વિભાગના 19 ગામોનો સમાવેશ થાય છે. ઊંઝા બેઠકમાં કુલ 2,25,242 મતદારો છે.
ઊંઝા બેઠકની ઉત્તરે પાટણ જિલ્લાની સિધ્ધપુર અને મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક, પૂર્વમાં ખેરાલુ બેઠકમાં સમાવિષ્ટ વડનગર તાલુકાના પૂર્વ વિભાગના ગામો, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની વિસનગર અને મહેસાણા બેઠક તેમજ પશ્ચિમમાં પાટણ જિલ્લાની પાટણ બેઠક આવેલી છે.
ઊંઝા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ડો. આશાબેન પટેલ ભાજપના કદાવર નેતા અને 5 વારના ધારાસભ્ય નારાયણભાઈ પટેલને 19529 મતની સરસાઈથી હરાવી વિજેતા થયા હતાં. પણ પછી ડો. આશાબેન પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં. જેથી 2019માં થયેલી પેટાચૂંટણીમાં ડો. આશાબેન પટેલ ભાજપમાંથી ઉભા રહ્યા હતાં અને કોંગ્રેસના કાંતિભાઈ પટેલને 23072 મતથી હાર આપી ફરીથી ધારાસભ્ય બન્યા હતા.
ઊંઝા બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 અંબાલાલ પટેલ કોંગ્રેસ. 9007
1967 પી.એસ. મોહનલાલ સ્વતંત્ર પક્ષ 14842
1972 શંકરલાલ ગુરુ કોંગ્રેસ 8991
1975 કાંતિલાલ પટેલ અપક્ષ 15360
1980 કાનજીભાઈ પટેલ જનતા પાર્ટી 16511
1985 ચીમનભાઈ પટેલ જનતા પાર્ટી 26825
1990 ચીમનભાઈ પટેલ જનતા દળ 70475
1995 નારાયણભાઈ પટેલ ભાજપ 18814
1998 નારાયણભાઈ પટેલ ભાજપ 31768
2002 નારાયણભાઈ પટેલ ભાજપ 44589
2007 નારાયણભાઈ પટેલ ભાજપ. 24997
2012 નારાયણભાઈ પટેલ ભાજપ 24201
2017 ડો. આશાબેન પટેલ કોંગ્રેસ 19529
2019 ડો. આશાબેન પટેલ ભાજપ 23072
આમ, ઊંઝામાં થયેલી એક પેટાચૂંટણી સહિત કુલ 14 ચૂંટણીઓમાંથી ભાજપ સૌથી વધુ 6 વાર, કોંગ્રેસ ફક્ત 3 વાર, જનતા પાર્ટી 2 વાર તેમજ જનતા દળ, સ્વતંત્ર પક્ષ અને અપક્ષ 1 વાર વિજયી થયા છે. કોંગ્રેસ છેલ્લે 1972માં ઊંઝામાંથી જીતી હતી. ત્યારબાદ, છેક 45 વર્ષ બાદ 2017માં અનામત આંદોલનના પ્રભાવ હેઠળ ઊંઝા જીત્યું હતું. જોકે, જીતેલા ધારાસભ્યે પક્ષપલ્ટો કરતાં ઊંઝા બેઠક ફરી એકવાર કોંગ્રેસના હાથમાંથી નીકળી ગઈ હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ 1990માં ઊંઝામાંથી જ જીતીને મુખ્યમંત્રી બન્યા હતા.
ભાજપનો ગઢ મનાતા ઊંઝામાં ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઊંઝા તાલુકા પંચાયતમાં કુલ 18માંથી ભાજપને 12, કોંગ્રેસને 4 અને અપક્ષને 2 બેઠક મળી હતી. જ્યારે ઊંઝા નગરપાલિકામાં 36માંથી 19 બેઠકો જીતી ભાજપે ઈતિહાસમાં પહેલીવાર પાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને 17 બેઠકો અન્યોએ જીતી હતી. ઉપરાંત, વડનગર તાલુકા પંચાયતમાં કુલ 18માંથી ભાજપને 13, કોંગ્રેસને 4 અને આપને 1 બેઠક મળી હતી. આમ આ બેઠકનો ભૂતકાળ જોતાં ઊંઝા બેઠક ભાજપ આરામથી જીતી જશે એવું લાગી રહ્યું છે.
સોમવારે વિસનગર બેઠકનું વિશ્લેષણ જોઈશુ