– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠકનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે સિદ્ધપુર સીટનું વિશ્લેષણ વાંચો
સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તાર (Sidhdhpur Assembly Constituency)
ઉત્તર ગુજરાતની પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ઓગણીસમાં નંબરની બેઠક છે. સિધ્ધપુર બેઠક સામાન્ય બેઠક છે. સિધ્ધપુર બેઠકનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. સિધ્ધપુર બેઠકમાં સિધ્ધપુર શહેર, સમસ્ત સિદ્ધપુર તાલુકો અને સરસ્વતી તાલુકાનો સમાવેશ થાય છે. સિધ્ધપુર બેઠકમાં કુલ 2,59,145 મતદારો છે.
સિદ્ધપુર બેઠકની ઉત્તરે બનાસકાંઠા જિલ્લાની ડીસા, પાલનપુર અને વડગામ બેઠક, પૂર્વમાં બનાસકાંઠા જિલ્લાની વડગામ અને મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની ઊંઝા અને પાટણ જિલ્લાની પાટણ બેઠક અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની પાટણ અને બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ અને ડીસા બેઠકો આવેલી છે.
સિદ્ધપુર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધપુરમાંથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર ભાજપના કદાવર નેતા જયનારાયણ વ્યાસ સામે 17,260 મતની સરસાઈથી વિજેતા થયા હતાં.
સિદ્ધપુર બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 બદરુદ્દીન અકબરઅલી કોંગ્રેસ. 8346
1967 પી.એન. લલ્લુભાઈ કોંગ્રેસ 10245
1972 વિઠ્ઠલભાઈ પટેલ સંસ્થા કોંગ્રેસ 3850
1975 વિઠ્ઠલભાઈ પટેલ સંસ્થા કોંગ્રેસ 5082
1980 શરીફભાઈ બાટી કોંગ્રેસ 5207
1985 નરેન્દ્ર રાવલ કોંગ્રેસ 1682
1990 જયનારાયણ વ્યાસ ભાજપ 18389
1995 જયનારાયણ વ્યાસ ભાજપ 31062
1998 જયનારાયણ વ્યાસ ભાજપ 5257
2002 બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ 10278
2007 જયનારાયણ વ્યાસ ભાજપ 2429
2012 બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસ 25824
2017 ચંદનજી ઠાકોર કોંગ્રેસ 17260
આમ, સિદ્ધપુરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 7 વાર, ભાજપ 4 વાર અને સંસ્થા કોંગ્રેસ 2 વાર વિજયી રહ્યા છે. સિદ્ધપુર બેઠક ઉપરથી ભાજપના કદાવર નેતા અને કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ 4 વાર વિધાનસભામાં પહોંચ્યા છે. જોકે, છેલ્લી 2 ચૂંટણીઓ જયનારાયણ વ્યાસ હારી ચૂક્યા છે.
ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સિદ્ધપુર નગરપાલિકામાં કુલ 36માંથી ભાજપને 26, કોંગ્રેસને 4 અને અન્યોને 6 બેઠકો મળી હતી. જ્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસને 12, ભાજપને 9 અને અન્યને 1 બેઠક મળી હતી. જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં કુલ 24માંથી કોંગ્રેસે 14 અને ભાજપે 10 બેઠકો જીતી હતી. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ કરતાં કોંગ્રેસનું પ્રભુત્વ વધારે હોવાથી સિદ્ધપુર બેઠક કોંગ્રેસ માટે સલામત બેઠક કહી શકાય.
બુધવારે ખેરાલુ બેઠકનું વિશ્લેષણ જોઈશું