– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે બનાસકાંઠા જિલ્લાની વાવ સીટનું વિશ્લેષણ
2022નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે વાવ સીટનું વિશ્લેષણ વાંચો.
વાવ વિધાનસભા મતવિસ્તાર (Vav Assembly Constituency)
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નંબર સાત બેઠક છે. વાવ બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. વાવ બેઠકમાં સમસ્ત વાવ તાલુકો, ભાભર તાલુકો, સુઈગામ તાલુકો તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના એકમાત્ર ગામ કેસરગઢનો સમાવેશ થાય છે. વાવ બેઠકમાં કુલ 2,82,669 મતદારો છે.
વાવ બેઠકની ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં થરાદ, દિયોદર અને કાંકરેજ બેઠકો, દક્ષિણમાં રાધનપુર બેઠક જ્યારે પશ્ચિમમાં કચ્છનું રણ અને પાકિસ્તાન આવેલા છે.
વાવ બેઠક 1967ની બીજી વિધાનસભા ચૂંટણી વખતે અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાવમાંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને 6655 મતથી હરાવી વિજેતા થયા હતાં. જ્યારે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાવ બેઠકમાં સમાવિષ્ટ ભાભર નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને ફક્ત 2 બેઠકો જ મળી હતી.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ… વિજેતા…. પક્ષ…. સરસાઈ….
1967 જે.પી. પરમાર સ્વતંત્ર પક્ષ. 11262
1972 દૌલતભાઈ પરમાર કોંગ્રેસ. 5226
1975 હેમાભાઈ પરમાર કોંગ્રેસ 1026
1980 હેમાભાઈ પરમાર કોંગ્રેસ 4644
1985 પરબતભાઈ પટેલ કોંગ્રેસ 22841
1990 માવજીભાઈ પટેલ જનતાદળ 4251
1995 પરબતભાઈ પટેલ અપક્ષ 2121
1998 હેમાજી રાજપૂત કોંગ્રેસ 23957
2002 હેમાજી રાજપૂત કોંગ્રેસ 11826
2007 પરબતભાઈ પટેલ ભાજપ 42709
2012 શંકરભાઈ ચૌધરી ભાજપ 11911
2017 ગેનીબેન ઠાકોર કોંગ્રેસ. 6655
વાવ બેઠક ઉપરથી હાલ ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ એક વાર કોંગ્રેસમાંથી, એક વાર અપક્ષ તરીકે અને એકવાર ભાજપમાંથી ચૂંટાયા હતાં. આ બેઠક ઉપરથી 2012માં જીતેલા પણ 2017માં હારેલા ભાજપના કદાવર નેતા શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે, ઉપરાંત તેઓ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં આરોગ્ય, પર્યાવરણ અને શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છે.
આમ વાવમાં કુલ 12 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 7 વાર, ભાજપ 2 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ, જનતાદળ અને અપક્ષ એક એક વાર વિજયી થયો છે. આ ઈતિહાસ જોતાં વાવને કોંગ્રેસની એક સલામત બેઠક કહી શકાય.
બુધવારે થરાદ બેઠકનું વિશ્લેષણ