– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે પાટણ જિલ્લાની ચાણસ્મા સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે ચાણસ્મા સીટનું વિશ્લેષણ વાંચો.
ચાણસ્મા વિધાનસભા મતવિસ્તાર (Chanasma Assembly Constituency)
ઉત્તર ગુજરાતની પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ સત્તરમાં નંબરની બેઠક છે. ચાણસ્મા બેઠક સામાન્ય બેઠક છે. ચાણસ્મા બેઠકનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. ચાણસ્મા બેઠકમાં ચાણસ્મા શહેર અને સમસ્ત ચાણસ્મા તાલુકો, સમસ્ત હારીજ તાલુકો, સમસ્ત શંખેશ્વર તાલુકો અને સમી તાલુકાના પૂર્વ વિભાગના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. ચાણસ્મા બેઠકમાં કુલ 2,79,696 મતદારો છે.
ચાણસ્મા બેઠકની ઉત્તરે પાટણ જિલ્લાની રાધનપુર બેઠકમાં સમાવિષ્ટ સમી તાલુકો, બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ અને પાટણ જિલ્લાની પાટણ બેઠક, પૂર્વમાં મહેસાણા જિલ્લાની મહેસાણા બેઠક, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક અને સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા બેઠક જ્યારે પશ્ચિમમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠકમાં સમાવિષ્ટ સમી તાલુકો આવેલા છે.
ચાણસ્મા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મામાંથી ભાજપના દિલીપકુમાર ઠાકોર કોંગ્રેસના રઘુભાઈ દેસાઈને 8234 મતથી હરાવી વિજેતા થયા હતાં.
ચાણસ્મા બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 પ્રહલાદજી પટેલ કોંગ્રેસ. 4121
1967 ભોગીલાલ પટેલ સ્વતંત્ર પક્ષ. 7649
1972 ભગવાનદાસ અમીન જનસંઘ 483
1975 વિક્રમભાઈ પટેલ કિમલોપ 3690
1980 અરવિંદભાઈ પટેલ ભાજપ 3142
1985 ઉદેસિંહ દરબાર કોંગ્રેસ 10101
1990 ગાંડાજી ઠાકોર અપક્ષ 4184
1995 રમેશભાઈ પટેલ ભાજપ 10277
1998 અરવિંદભાઈ પટેલ ભાજપ 6302
2002 માલજીભાઈ દેસાઈ કોંગ્રેસ 17868
2007 રજનીકાંત પટેલ ભાજપ 16331
2012 દિલીપકુમાર ઠાકોર ભાજપ 16824
2017 દિલીપકુમાર ઠાકોર ભાજપ 8234
ચાણસ્મા કોંગ્રેસ માટે સૌથી અઘરી બેઠકોમાંથી એક છે. ચાણસ્મામાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ અત્યાર સુધી ફક્ત ત્રણજ વખત 1962, 1985 અને 2002માં વિજયી થઈ હતી. જયારે ભાજપ અગાઉ જનસંઘ વખતે એક વાર અને પોતાના સ્થાપના વર્ષ 1980માં પહેલીવાર અને ત્યારબાદ 5 વાર એમ કુલ 7 વાર વિજયી થઈ ચૂક્યો છે. તે સિવાય સ્વતંત્ર પક્ષ, કિમલોપ અને અપક્ષ એક-એક વાર વિજયી થઈ ચૂક્યા છે. હાલના ધારાસભ્ય દિલીપ ઠાકોર વિજય રૂપાણીની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી હતા.
ફેબ્રુઆરીમાં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમી તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 14, કોંગ્રેસને 1, આપને 1 અને અપક્ષને 2 બેઠકો મળી હતી. હારીજ તાલૂકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 8, કોંગ્રેસને 7 અને અન્યને 1 બેઠક મળી હતી. જ્યારે ચાણસ્મા તાલુકા પંચાયતમાં ભાજપને 18માંથી તમામ 18 બેઠકો મળી હતી તેમજ શંખેશ્વર તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકોમાંથી ભાજપને 10 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. આ બધાં પરિબળો જોતાં અને આ બેઠકના મતદારોનું પહેલેથી જ કોંગ્રેસવિરોધી માનસ જોતાં ચાણસ્મા બેઠક ઉપર ભાજપને હરાવવો અશક્ય છે.
શુક્રવારે પાટણ બેઠકનું વિશ્લેષણ કરીશું