Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે સરહદી જિલ્લા કચ્છની રાપર સીટ વિશે

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે રાપર સીટનું વિશ્લેષણ વાંચો

રાપર વિધાનસભા મતવિસ્તાર (Rapar Assembly Constituency)

રાપર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નંબર છ બેઠક છે. રાપર બેઠક કચ્છ લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. રાપર બેઠકમાં સમસ્ત રાપર તાલુકો તેમજ ભચાઉ તાલુકાના પૂર્વ વિસ્તારના 41 ગામોનો સમાવેશ થાય છે. રાપર બેઠકમાં કુલ 2,35,213 મતદારો છે.

રાપર બેઠકની ઉત્તરે કચ્છનું મોટું રણ, પૂર્વમાં કચ્છનું નાનું રણ, દક્ષિણમાં કચ્છનું નાનું રણ અને કચ્છનો અખાત તેમજ પશ્ચિમમાં ગાંધીધામ બેઠક અને કચ્છનું મોટું રણ આવ્યું છે. ભારતની પ્રાચીન શહેર રચના જ્યાં અસ્તિત્વમાં હતી તે ધોળાવીરા સાઈટ્સ આ રાપર મત વિસ્તારમાં જ આવી છે.

રાપર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાપરમાંથી કોંગ્રેસના સંતોકબેન અરેથિયા ભાજપના પંકજભાઈ મહેતા સામે 15,209 મતની સરસાઈથી વિજેતા થયા હતાં. જ્યારે 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાપર તાલુકા પંચાયતમાં 24માંથી ભાજપને 21 અને કોંગ્રેસને 03 બેઠકો જ્યારે ભચાઉ તાલુકા પંચાયતમાં 20માંથી ભાજપને 16 અને કોંગ્રેસને 04 બેઠકો મળી હતી.

રાપર બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ… વિજેતા… પક્ષ… સરસાઈ…

1962 રાઘવજી જાદવજી. સ્વતંત્ર પક્ષ 12695
1967 બી. ગજસિંહજી સ્વતંત્ર પક્ષ. 1855
1972 પ્રેમચંદ ઉત્તમચંદ. કોંગ્રેસ. 1553
1975 હરીલાલ નાનજી પટેલ કોંગ્રેસ 383
1980 બાબુભાઈ મેઘજી શાહ ભાજપ 8668
1985 હરીલાલ નાનજી પટેલ કોંગ્રેસ 8724
1990 હરીલાલ નાનજી પટેલ કોંગ્રેસ 8253
1995 બાબુભાઈ મેઘજી શાહ ભાજપ 2597
1998 ધીરુભાઈ શાહ ભાજપ 7814
2002 બાબુભાઈ મેઘજી શાહ કોંગ્રેસ 4287
2007 બાબુભાઈ મેઘજી શાહ કોંગ્રેસ 5639
2012 વાઘજીભાઈ પટેલ ભાજપ 9216
2017 સંતોકબેન અરેથિયા કોંગ્રેસ. 15209

રાપર બેઠકનો ઈતિહાસ જોઈએ તો આ બેઠક ઉપરથી છેક 1980માં ભાજપના સ્થાપના કાળમાં બાબુભાઈ મેઘજી શાહ ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયા હતાં. તેઓ બાદમાં 1995માં ફરીથી ચૂંટાયા હતાં, પણ ખજુરાહો કાંડ બાદ તેઓ શંકરસિંહ વાઘેલા સાથે રહ્યા હતાં અને 1998માં રાજપની ટિકિટ ઉપર લડી હાર્યા હતાં. બાદમાં, બાપુ સાથે કોંગ્રેસમાં જોડાઈ તેઓ 2002 અને 2007માં કોંગ્રેસની ટિકિટ ઉપર જીત્યા હતાં. આ બેઠક ઉપર 1998માં જીતેલા ભાજપના ધીરુભાઈ શાહ વિધાનસભાના અધ્યક્ષ બન્યા હતાં.

આમ રાપરમાં કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 7 વાર, ભાજપ 4 વાર અને સ્વતંત્ર પક્ષ 2 વાર વિજયી થયો છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસ માટે સલામત લાગતી રાપર બેઠક ખતરામાં આવી ગઈ છે.

સોમવારે વાવ બેઠકનું વિશ્લેષણ


Spread the love