– બેરીકેડ તોડી પોલીસ સ્ટેશનમાં ઘુસ્યા
– અમૃતપાલે પોતાના સમર્થકોને અજનાલા પહોંચવા કહ્યું હતું
– પોલીસે કાર્યવાહી કરતા વાતાવરણ તંગ થયું
તૂફાન સિંહને છોડવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો
પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન સમર્થક લોકો તથા સંગઠનોના ઉધામા વધી રહ્યા છે. આ બાબતનો પરિચય કરાવતા હોય એમ પંજાબના ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહના સાથી તૂફાન સિંહની ધરપકડના વિરોધમાં તેમના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા લોકોએ બંદૂક, તલવાર અને લાકડીઓ લઈને ધસી આવ્યા હતા અને અમૃતસરમાં પોલીસ સ્ટેશનને ઘેરી લીધું છે, જ્યારે પોલીસે તેમને રોકવા માટે બેરિકેડ લગાવ્યા તો અનંત્રિત ભીડે બેરિકેડ તોડી નાંખી અને જાણે હલ્લાબોલ કરતા પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા. ઉલ્લેખનીય છે કે અમૃતપાલે જ પોતાના સમર્થકોને ગુરુવારે સવારે 11 વાગ્યે અજનાલા પહોંચવા કહ્યું હતું. અમૃતપાલની સૂચનાને અનુસરીને ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમૃતપાલ પહોંચે તે પહેલાં જ તેમના સમર્થકોની અટક કરવાનું શરૂ કરી દીધું. જેના પરિણામે વાતાવરણ તંગ થઈ ગયું હતું. અમૃતપાલના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થયો હોવાની સૂચના મળતા જ અમૃતપાલ અજનાલા પહોંચી ગયો હતો અને ત્યાંના SSP સતિંદર સિંહ સાથે મિટિંગ કરી હતી. મીટીંગ બાદ તૂફાન સિંહને છોડવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભો રહ્યો હતો.
પોલીસે અમૃતપાલના સમર્થકોને ચેતવણી આપીને છોડ્યા
પોલીસે ભીડ પર સખત કાર્યવાહી કરી હતી, કાર્યવાહી દરમિયાન એક યુવકને પકડવામાં આવ્યો હતો, પોલીસ તેને પકડીને ગાડીમાં બેસાડવાની હતી ત્યાં જ SSP સતિંદર સિંહ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે યુવકને ચેતવણી આપીને છોડી દીધો હતો. યુવકે તેની સામે થયેલી કાર્યવાહી અંગે જણાવ્યું કે તે અમૃતપાલ સિંહના આહ્વાન પર ત્યાં પહોંચ્યો હતો. તેના તરફથી કોઈ હરકત કરવામાં આવી ન હતી, તેમ છતાં પોલીસે તેની ધરપકડ કરવાના પ્રયત્ન કર્યો હતો.
શા માટે થયો હોબાળો ?
આખો કિસ્સો બનવા પાછળ 15 ફેબ્રુઆરીની રાત્રે ઘટેલી ઘટના જવાબદાર છે. 15 ફેબ્રુઆરીએ અજનલા પહોંચેલા ચમકૌર સાહિબના બરિન્દર સિંહનું કેટલાક લોકોએ અપહરણ કર્યું હતું. બરિન્દર સિંહ પર જંડિયાલા ગુરુ પાસે મોટર પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં અમૃતપાલ સિંહ પણ હાજર હતા. જેની ફરિયાદ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનમાં અમૃતપાલ, તેમના સાથી તૂફાન સિંહ સહિત કુલ 30 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનાથી અમૃતપાલ રોષે ભરાયો અને ગુરુવારે અમૃતસરમાં અજનાલા પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યું હતું.