Spread the love

– અનાથ બાળકોના વાત્સલ્યમયી માતા

– પદ્મશ્રી સિંધુતાઈનું 73 વર્ષની ઉંમરે પરલોક પ્રયાણ

– લગભગ પાંચ દાયકા અનાથ બાળકોની સેવામાં વિતાવ્યા

હિમાદ્રી આચાર્ય

સિંધુતાઈ સપકાળ, આ નામ આપણા માટે અજાણ નથી. અનેક અનાથાશ્રમનાં સ્થાપક, અનાથ બાળકોની સવાઈ માતા સિંધુતાઈ જીવનના લગભગ પાંચ દાયકા અનાથ બાળકોની સેવામા વિતાવીને ચાર જાન્યુઆરીના રોજ ચુમ્મોતેર વર્ષની ઉંમરે પરલોક સીધાવી ગયા.

14 નવેમ્બર 1947નાં રોજ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના નાનકડા ગામડામાં ભરવાડ (ચરવાહા) કુટુંબમાં જન્મેલા સિંધુતાઈને ઘરમાં સૌ ચીંદી (ચીંથરુ) કહીને બોલાવતા. કારણ કુટુંબમા અપેક્ષા હતી દીકરાની અને જન્મ થયો દીકરીનો એટલે દીકરી સિંધુ ઘરમાં લગભગ સૌને અપ્રિય હતી. માતાની અણમાનીતી સિંધુ, પોતાને ભણવાની ખુબ જ ઈચ્છા હોવા છતાં,માતાએ મનાઈ કરતાં, સિંધુનું શિક્ષણ ચાર ધોરણ સુધી જ સીમિત રહી ગયું. દસ વર્ષની ઉંમરે ત્રીસ વર્ષના શ્રી હરિ સરકાર સાથે સિંધુના લગ્ન કરી દેવાયા. અને ત્યારબાદનું તેમનું જીવન સતત અન્યાય, શોષણ, ત્રાસદી, સામે સંઘર્ષ કરી કરીને પછી અનેકોને અન્યાય અને શોષણમાંથી ઊગારનાર માનવતાથી ભરી ખમીરવંતી નાયિકાની નવલકથા જેવું રહ્યું

આપણા દેશમાં કે દુનિયામાં અનેક અનાથાશ્રમ છે પણ સિંધુતાઈના આશ્રમની અને આશ્રમની પરિકલ્પનાથી લઈને
એની શરુઆત અને ત્યારબાદ આજસુધીની તેની યાત્રા ખૂબ જ વિશેષ છે

તાઇને આ સેવાપ્રવૃત્તિ તરફ દોરી જનાર પાયાના પરીબળની વાત કરીએ તો, અનાથ-નિઃસહાય બાળકો માટેની સતત, અવિરત કરુણા અને એમને આશ્રય આપવાની ધગશ, આ બે બાબત; એ એમની એકમાત્ર મૂડી. આ મૂડીને સહારે, સમાજ સામે લડત આપતાં આપતાં સિંધુતાઈ બન્યા બારસો-ચૌદસો અનાથ બાળકોના નવજીવન દાતા, એમના તારણહાર…. એમના આશરે ઉછરેલા અનેક બાળકો ડોકટર, સીએ, પ્રોફેસર, એન્જિનિયર બન્યા છે અનેક ઉચ્ચશિક્ષણ અને તાઈ પાસે સંસ્કાર ઘડતર પામી આજે સમાજમાં સન્માનપાત્ર સ્થાન ધરાવે છે અને એમાનાં અનેકોએ તાઈની જેમ જ અનાથ બાળકોનો સહારો બની અનાથાશ્રમ સ્થાપ્યા છે.

હર ફિક્ર કો ધુએઁ મેં ઉડાતા ચલાતા ગયા…આ ગીતને જાણે મંત્ર બનાવ્યો હોય એમ, તાઇએ એમના જીવનમાં આવેલી દરેક સમસ્યાને આગળ વધવાનું પગથિયું બનાવી લીધું. દસ વર્ષની ઉંમરે આધેડ વયના દારૂડિયા જુગારી માણસ સાથે લગ્ન. સાસરામાં ત્રાસ, સતત શોષણ અને પારાવાર દુઃખ હોવા છતાં સિંધુતાઈ જીવન પ્રત્યે ઉત્સાહી અને બીજાને ઉપયોગી થવાની તત્પરતા હંમેશા રહેતા. પહેલેથી જ ન્યાયપ્રિય અને માનવતાવાદી વલણ ધરાવતા સિંધુતાઈએ ગામમાં જમીનદાર તેમ જ વનઅધિકારો દ્વારા થતાં મહિલામજુરોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો એ સમયે તેમને ક્યાં ખબર હતી કે સમાજ માટે લડવાની સાથે સાથે જ પોતાની જિંદગીમાં એક મોટા ઝંઝાવાતનો સામનો કરવાનો હજુ બાકી છે! સ્થાપિતહિતો સામેની લડાઈની તાઈએ બહુ મોટી કિંમત ચૂકવવી પડી. તાઈ જેમની સામે જંગે ચઢયા હતા એ સત્તાધીશોએ પુરા વિસ્તારમાં સિંધુતાઈ ચરિત્રહિન હોવાની અફવાઓ ફેલાવી, જેના પરિણામસ્વરૂપે સગર્ભાવસ્થામાં પતિગૃહથી કાઢી મુકવામાં આવેલ સિંધુતાઈ કે જેને આવી વિકટ પરસ્થિતિમાં માતાએ પણ જાકારો આપતાં પિયરમાં આશરો ન મળ્યો. અને એ જ રાતે ગાયના તબેલામાં સિંધુતાઈએ દીકરીને જન્મ આપ્યો! નવજાત દીકરીને ઉકરડામાંથી એંઠવાડ વીણી-ખાઈ પોષણ આપ્યું. રેલ્વેસ્ટેશન પર ભીખ માંગી, ગાઈને ગુજરાન ચલાવતાં તાઈ, અહી લોકો દ્વારા થતી હેરાનગતીથી હારીને, જીવતાં મનુષ્યથી, સમાજથી બચવા સિંધુતાઈએ અરસા સુધી, મડદાના સહારે એટલે કે સ્મશાનમાં આશરો લીધો! સ્મશાનની ચિતા પાસે ધરાવવામાં આવેલ ભોગ ખાઈને મા-દીકરી પેટ ભરતા. પોતાના જીવન વિશેની આવી દર્દનાક વાતો પણ ખૂબ જ સહજતાથી, સસ્મિત વદને જણાવતા તાઈ કહે છે કે, આ મુશ્કેલીઓ, માથે પડેલા આ દુઃખ જો આવ્યા જ ન હોતે તો હું, આવડા મોટા વિશ્વમાં, મનુષ્યની ભીડ વચ્ચે ય તદ્દન નિઃસહાય રઝળતા અનાથ બાળકોની પીડા ક્યાં સમજી હોત? હું સુખી હોતે તો બીજાના દુઃખ અનુભવી શકવાની બારી જ ન ખુલી હોતે! ફૂટપાથ પર, સ્મશાનમાં, રસ્તે રઝળતા રઝળતા દીકરીને ઉછેરી રહેલા, જિંદગી પસાર કરતાં કરતાં સિંધુતાઈ, આ દરમ્યાન અન્નના ટુકડા માટે, શરીર ઢાંકવાં કપડાં માટે તરસતા દુઃખી, નિરાધાર, અસહાય લોકો જોઈને એમનું કરુણામય હૃદય દ્રવી ઉઠ્યું અને પાયો નખાયો એક ભગીરથ વાત્સલ્યયજ્ઞનો, હું સેવાયજ્ઞ કે માનવસેવા કહેવા કરતાં સીંધુતાઈના કાર્યને વાત્સલ્યયજ્ઞ કહેવું પસંદ કરીશ કારણ, હૃદયમાં નિર્મળ મમતામય વાત્સલ્યની ધારા વગર આવડું ભગીરથ કાર્ય શક્ય જ નથી. મહારાષ્ટ્રનું અમરાવતી જિલ્લાના આદિવાસીની વસ્તી ધરાવતા ચિખલદારા ગામ, જ્યાં વસીને તાઈએ અનેક અનાથ બાળકોની માતા બનીને તેમના ઉછેરની જવાબદારી સાથે સાથે આદિવાસીઓની સમસ્યા માટે અનેક લડતો આપી. આ દરમિયાન તાઈને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાગાંધીને મળવાનું થયું ત્યારે બાળકોના ઉછેર માટે છતની અછત વેઠી રહેલા સિંધુતાઈએ અનાથ બાળકો માટે થોડી જગ્યા ફાળવવાનો વિનંતી કરી. ઇન્દિરાગાંધીએ આ ગામમાં થોડી જમીન સિંધુતાઈને ફાળવી. અને પછી પુણેમાં, સાસવડમાં વગેરે.. વગેરે… અનાથઆશ્રમો બનતા ગયા..

મોટો સ્વાર્થ સિદ્ધ કરવા માટે એમણે નાના સ્વાર્થ જતો કર્યો, એમ કહીને મંદ મંદ હસી લેતા સિંધુતાઈ કહેતા કે, અનેકો અનાથની મા બનવાના પડકાર સમી એમની ઇચ્છાને હકીકતનું રુપ આપવા તાઈએ પોતાની સગી દીકરીને પુણેના દગડું શેઠ મંદિરમાં દત્તક આપી દેવી પડી! પોતાનું ઘર બાળીને તીર્થ કરવું, આ કંઈ નાનીસુની વાત નથી. પોતાના સંતાનની પાયાની સગવડો તો શું પરંતુ લક્ઝરી પણ લેશમાત્ર ન ઘટવી જોઈએ એમ માનનારા, સંતાનની થાળીમાંથી એક કોળિયોય ઓછો કરીને નિઃસહાય લોકોને મુઠીમાત્ર ન આપી શકતા લોકોને સિંધુતાઈની ઉદારતા અને વિશાળતા ક્યારેય નહીં સમજાય! જીવમાત્રને પોતાના માનીને, જેના માટે જે કરી શકીએ એમ હોઈએ એના કરતાં ય વધારે, ગજા બહારનું કરી છુટવાની લગન, પોતાના આશરે આવેલ દરેક અનાથ બાળકને માત્ર જવાબદારીથી નહિ પણ પુરા વાત્સલ્યથી ઉછેરવાની કરુણા એ અનેરી વાત છે.

એક વખત જેણે ઘરમાંથી કાઢી મૂકીને સગર્ભા તાઈને રસ્તે રઝળવા, મૂકી દીધા હતા, જે વ્યક્તિ પતિ નહિ પણ હેવાન સાબિત થઇ હતી ,એ જ વ્યક્તિને એટલે કે તાઈના પતિ જીવનના અંતિમ તબક્કામાં તદ્દન નિરાધાર, બીમાર, ઘરબાર વગરના થઈને ભટકતા થઈ ગયા ત્યારે તાઈ એમને આશરો આપે છે અને કહે છે કે, પતિ બનીને નહિ મારા બાળક બનીને આવવું હોય તો હું તમને સાચવી લઈશ! અને પોતે જીવ્યા ત્યાં સુધી, જીવનપર્યંત પતિને સાચવી લેનાર તાઈ કહેતાં કે એ મારો સૌથી મોટો દીકરો છે! જેણે જિંદગીમાં ત્રાસ અને જુલમ સિવાય કશું આપ્યું નથી એ વ્યક્તિને આટલી નિસ્પૃહતાથી, નિર્લેપભાવે આશરો આપવાની તાઈની ઉદારતા તાઈને ઉચ્ચકોટીના સંત આત્માની કક્ષાએ મૂકી દે છે.

એક સ્ત્રી અને એ પણ પોતાની કે જેણે પતિગૃહેથી ત્યજાયેલી વીસ વરસની સગર્ભા દીકરીને આશરો આપવાની ના પાડી દીધી, એ પોતાની માતા પ્રત્યે પણ સિંધુતાઈને લેશમાત્ર કડવાશ નહોતી સિંધુતાઈ કહેતાં કે, એ રાતે જો મને માતાએ આશરો આપ્યો હોત તો, કદાચ ચૌદસો બાળકોની માતા બનીને એમનાં જીવન સંવારવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત ન થયું હોતે. એટલે જ મારી માતાએ મારી સાથે જે કંઇપણ કર્યું એના માટે હું એની જીવનભર આભારી છુ!

પદ્મશ્રી સિંધુતાઈ, કે જેને મહારાષ્ટ્ર રાજ્યના અહલ્યાબાઈ હોલકર એવોર્ડ ઉપરાંત અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા અત્રે એ કહેવું જરૂરી નથી કે એવોર્ડ પુરસ્કાર કે એમાંથી મળતી રકમ તેઓએ હંમેશા અનાથ બાળકોના કલ્યાણ માટે જ વાપરી.

પુણે સ્થિત એમનો આશ્રમ અમારા ઘરની બહુ નજીક, એમના આશ્રમે ગઈ હોઉં ત્યારે બે-ચાર વાર એમને જોવાનો,વાત કરવાનો અવસર મળ્યો. બાળકો સાથેનું એમનું હુંફભર્યું વર્તન, એમનો ઉત્સાહ, સતત સતત વાત્સલ્યથી ઝળહળતો એ પરિસર જોઈને એમ લાગતું કે સાક્ષાત ઈશ્વર સિંધુતાઈના રુપમાં મનુષ્યબાળ પર જાણે પ્રેમ વરસાવવા ઉતરી આવ્યા હોય!.

સિંધુતાઈના અવસાન સમયે એમના વિશે હવે સારું સારું લખીને મારા જેવા કેટલાય લોકો એમને અંજલિ આપશે પણ આજે અફસોસ અને પસ્તાવા સાથે એ વાત કરું છું કે ખરે સમયે મારા-તમારા જેવા લોકો નાનીમોટી મદદ કરવાનું ચુકી જાય છે. તાઈએ અવારનવાર કહ્યું છે કે, એવોર્ડ તો ઘણા મળ્યા અને આર્થિક સહાય પણ મળી તેમ છતાં તેઓ જે કાર્ય કરી રહ્યા છે એના માટે એમને હંમેશા આર્થિક મુશ્કેલીઓ રહે છે, કારણ આંગણે આવેલ એકપણ બાળકનો અસ્વીકાર નહી, કોઈને આશરાની ના નહી પાડવી એ એમનો સિદ્ધાંત છે. ઘણીવાર તો એવો સમય પણ આવ્યો છે કે બાળકોને બે સમયના ભોજન માટેના રાશનની ચિંતામાં સિંધુતાઈની રાતોની ઊંઘ ઉડી ગઇ હોય. તાઈ કહે છે જાણે કોઇ અદ્રશ્ય શક્તિ નિયમન કરતી એમ એટલી મદદ તો મળી જાય છે કે મારા બાળકોએ ભૂખ્યા સૂવું નથી પડતું. સતત-સતત અનાથ બાળકોના ઉછેર, તેમના સારા ઘડતર, સંસ્કાર અને શિક્ષણ પ્રત્યે સજાગ પ્રયત્નશીલ તાઈને આપણે બહારથી, ફક્ત આર્થિક ચિંતાથી પણ મુક્ત ન રાખી શક્યા અને નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરતા તાઈને આર્થિક ચિંતા પણ કરવી પડે એ આ સમાજ માટે શરમજનક છે. અને એ વાતનો પુરાવો પણ છે કે આપણે સારી બાબતોથી માત્ર અભિભૂત જ થઈએ છીએ પણ આચરણમાં અપનાવતા નથી.

સિંધુતાઈ… તમારી ચેતનાના થોડા અંશ પણ સૌ ગ્રહી શકે તો આ વિશ્વ ધન્ય થઈ જાય…

હિમાદ્રી આચાર્ય


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *