– 92 વર્ષની ઉંમરે લીધી અંતિમ વિદાય
– મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
– ભારતના સ્વર કોકિલા ગણાય છે લતા મંગેશકર
સ્વર કોકિલા લતા મંગેશકરની વિદાય
આખરે ભારતે પોતાનું અમુલ્ય રતન, સ્વર કોકિલા, દંતકથારૂપ, ભારત રત્ન લતા મંગેશકરનો જીવન દીપ આજે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સવારે બુઝાઈ ગયો હતો. સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. કરોડો ચાહકો તેમના સાજા થઈ જવાની પ્રાર્થનાઓ કરતા હતા, પરંતુ આજે કરોડો સંગીત પ્રેમીઓના હ્રદય પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે 8 મી જાન્યુઆરીથી લતા મંગેશકર ન્યુમોનિયા તથા કોરોનાની સારવાર હેઠળ હતા. 8 જાન્યુઆરીએ લતા મંગેશકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજી હોસ્પિટલમાં દાખલ છે, તે સમાચાર પણ બે દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરીએ આવ્યા હતા. લતાજીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો સાથે સાથે ન્યૂમોનિયા પણ હતો. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સઘન સારવાર કરી રહી હતી.
સ્વર સામ્રાજ્ઞીની સૂચના વિશ્વનો પ્રવાસ
અંદાજે 80 દાયકા સંગીતની દુનિયામાં સક્રિય લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. 13 વર્ષની નાની વયથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા તથા મરાઠી થિયેટરનું અત્યંત જાણીતું નામ હતું. તેમણે જ લતાજીને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. પાંચ ભાઈ-બહેનમાં લતાજી સૌથી મોટાં હતાં. ત્રણ બહેનો આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકર છે. 92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધારે ગીતો ગાયા છે. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાના કોકિલ કંઠથી સજાવ્યા છે. 1960થી 2000 સુધીનો ભારતીય ફિલ્મ દુનિયાનો સમય એવો હતો કે લતા મંગેશકરના ગીત વગર ફિલ્મ અધૂરી ગણવામાં આવતી હતી. લતા મંગેશકરનો અવાજ ગીત હિટ જશે તેવી ગેરંટી હતી. જોકે વર્ષ 2000 પછી લતાજીએ ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.
2001 માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા
લગભગ આઠ દાયકાથી સંગીત વિશ્વને પોતાના સૂરીલા સ્વરથી મોહિત કરનારા લતા મંગેશકર અનેક સન્માનથી સન્માનિત થયા છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી અંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લતાજી સાથેની પોતાની તસવીર સાથે સતત ત્રણ ટ્વિટ કરીને અંજલિ આપી છે.