- પેંગોંગ ત્સો સરોવરની સીરીજપ-1 પોસ્ટથી ત્રણ ત્રણ વખત ચીની સેનાને પીછેહઠ કરાવી
- ચાઈનીઝ લશ્કરના અમાનવીય અત્યાચારો સહન કરીને જીવંત પરત ફરેલા જાંબાઝ
- ચુશુલના યુદ્ધ મેદાનમાં ચીનને ધુળ ચટાડી દેનારા વીર યોદ્ધા
લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપાની વીરગાથા અત્યાર સુધી..
મેજર ધનસિંહ થાપાના શૌર્યગાથાનો ભાગ 1
ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માનથી વિભૂષિત નરબંકા વીરોના શૌર્યની આ લેખમાળામાં લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપાના શૌર્ય અને સાહસની ગાથાનુ વર્ણન કરતા ત્રણ લેખમાં લેફ્ટેનન્ટ કર્નલ ધનસિંહ થાપાના જન્મ, બાળપણ, સેના પ્રતિ લગાવ અને સેનામાં ભરતી તથા પ્રમોશનથી લઈને ભારત ચીન વચ્ચે થયેલા પંચશીલ કરાર, હિંદી ચીની ભાઈ ભાઈ ના સૂત્રોચ્ચારથી ગૂંજી ઉઠેલી ધરા વિશે વિસ્તારથી વર્ણન કર્યું છે. આ ઉપરાંત ચીનની વાતો ઉપર ભરોસો ન કરવો જોઈએ એવા તત્કાલીન નેતાઓની ચેતવણીઓની સતત અવગણના કરીને ચીન સાથે પંચશીલ કરાર તથા હિંદી ચીની ભાઈ ભાઈ ના સૂત્રના આધારે મિત્રતા કરવાનું તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું પગલું કેટલું ટુંકી દ્રષ્ટિનું તથા ચીન જેવા વિસ્તારવાદી દેશ પ્રત્યે અંધ વિશ્વાસ ધરાવતું હતું એ ચીને ભારત ઉપર કરેલા હુમલાથી સાબિત થતું હતું તેને સમજવાનો પ્રયત્ન કર્યો. 21 મી ઑક્ટોબરે ચીની સેના સીરીજપ અને યુલા ઉપર કબજો મેળવવાના ઈરાદે પેંગોંગ સરોવરથી ઉત્તર તરફ આગળ વધી. અહીં જ આવતી હતી સીરીજપ પોસ્ટ, આ પોસ્ટ ભારતની ફોરવર્ડ પોલીસી અંતર્ગત બનાવાઈ હતી. વ્યુહાત્મક દ્રષ્ટિએ જોતાં ચુશુલ એરફિલ્ડના રક્ષણ માટે આ પોસ્ટ મહત્વપૂર્ણ હતી. જ્યારે ચીની સેના પેંગોંગ સરોવરથી ઉત્તર તરફ આગળ વધી ત્યારે એમને ખબર નહોતી કે એમનો મુકાબલો સીરીજપ પોસ્ટ જેમના તાબા હેઠળ હતી એવા 1 લી બટાલિયનના મેજર ધનસિંહ થાપાની ટુકડી સાથે થવાનો હતો.
મેજર ધનસિંહ થાપાની શૌર્યગાથાનો ભાગ 2
ચીની સેનાનો સીરીજપ પોસ્ટ ઉપર પ્રથમ હુમલો કરવાની યોજના
લદ્દાખમાં પેંગોંગ સરોવરની ઉત્તર તરફ આવેલી સીરીજપ પોસ્ટ ચુશુલ હવાઈમથકના રક્ષણ માટે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હતી. ચાઈનીઝ સેના તરફથી ઘુસણખોરી થવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અહીં 1/8 ગોરખા રાયફલ્સની ચોકીઓ ઉભી કરવામાં આવી હતી. આ ચોકીઓમાંની એક સીરીજપ 1 ચોકી હતી જે મેજર ધનસિંહ થાપાના તાબા હેઠળ હતી. ચીની સેનાએ અહીં જ આસપાસમાં જ ત્રણ ચોકીઓ ઉભી કરી દીધી હતી. સીરીજપ પોસ્ટ ઉપર તહેનાત મેજર ધનસિંહ થાપાની પ્લાટૂનને લગભગ 48 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી હતી. આસપાસમાં ઉભી કરવામાં આવેલી ચોકીઓ પર સૈનિકો વહેંચાયેલા હોવાથી મેજર ધનસિંહ થાપાની પ્લાટૂન માત્ર 28 જ સૈનિકો ધરાવતી હતી. સીરીજપ 1 ચોકી જ્યાં માત્ર 28 સૈનિકો જ્યાં તહેનાત હતા તેમને એટલું ચોક્કસ લાગતું હતું કે ચાઈનીઝ સેનાનો આમનો સામનો થશે જ પરંતુ આટલી જલ્દી અને આ પરિસ્થિતિમાં થશે એવી કદાચ કલ્પના નહીં હોય. ચાઈનીઝ સેના પોતાની અદ્યતન શસ્ત્ર સામગ્રી ઉપર મુસ્તાક હતી. ચાઈનીઝ સેનાને ક્યાં કલ્પના હતી કે માત્ર 28 નરબંકાઓ એમને ત્રણ ત્રણ વખત ઊભી પૂંછડીએ ભગાડી મુકશે. આખરે ખરાખરીની એ ઘડી આવી પહોંચી 19 મી ઑક્ટોબર 1962ના દિવસે ચીની સેનાની ઈન્ફન્ટ્રી ટુકડીઓ આવવાની શરૂઆત થઈ ગઈ. ઈન્ફન્ટ્રી ટુકડીઓના આગમનથી સીરીજપ 1 ચોકી ની આસપાસમાં ચાઈનીઝ સૈનિકોની સંખ્યામાં ધરખમ વધારો થયો. મેજર ધનસિંહ થાપાની તિક્ષ્ણ નજરથી ચાઈનીઝ સૈનિકોની સંખ્યામાં માં થઈ રહેલો છુપો નહોતો તેથી મેજર ધનસિંહ થાપાની છઠ્ઠી ઈન્દ્રિય સચેત થવાનું સૂચન કરી રહી હતી. મેજર ધનસિંહ થાપાને અંદેશો આવી ગયો કે હવે ગમે તે ઘડીએ ચાઈનીઝ હુમલો થઈ શકે છે તેથી તેમણે તરત જ પોતાની પ્લાટૂનને ઝડપથી ખોદીને ઉંડા બંકર તૈયાર કરવાની સૂચના આપી દીધી.
મેજર ધનસિંહ થાપાની શૌર્યગાથાનો ભાગ 3
ચીની સેનાએ સીરીજપ 1 ચોકી ઉપર હુમલો કર્યો
ચીની સેનાએ પોતાના સૈનિકોની સંખ્યામાં ઈન્ફન્ટ્રી ટુકડીઓ તૈનાત કરીને ધરખમ વધારો કરી દીધો હતો બીજી તરફ સીરીજપ 1 ચોકી જેમના તાબામાં હતી એ મેજર ધનસિંહ થાપાએ બંકર ઝડપથી તૈયાર કરવાની કામગીરી હાથ ધરી દીધી હતી. બંને તરફ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી જોકે એક ફરક જે સંરક્ષણની દ્રષ્ટિએ જોતાં ખુબ જ મોટો અને ગંભીર પણ હતો અને તે હતો ચીની સેના પાસે રહેલા અદ્યતન શસ્ત્રો અને ભારતીય સેના રહેલા ટાંચા સાધનો તથા જુનવાણી શસ્ત્રો જ્યારે બીજો ફરક વિશ્વના કોઈ દેશની સેના જેની બરોબરી ન કરી શકે એવા શૌર્ય,સાહસ અને વીરતાનો હતો જેમાં ભારતીય સેનાને જન્મગત મળેલા હતા. ભારતીય સેના પોતાના શૌર્ય, સાહસ અને વીરતાનો પરચો ચીની સેનાને બતાવવાની ઘડી આવે એની રાહ જોઈ રહી હતી. 20 મી ઑક્ટોબર 1962 વહેલી સવારે લગભગ 4 : 30 વાગ્યાના સુમારે ચાઈનીઝ સેનાએ આર્ટીલરી અને મોર્ટાર મારો ચલાવી સીરીજપ 1 ચોકી ઉપર પ્રથમ હુમલો કર્યો. આર્ટીલરી અને મોર્ટાર મારો કરીને ચાઈનીઝ સેનાએ પોતાની ઈન્ફન્ટ્રીને છત્ર પુરુ પાડ્યું હતું, ચીની સેનાએ શરુ કરેલો આર્ટીલરી અને મોર્ટાર મારો લગભગ અઢી કલાક સુધી અવિરતપણે ચાલતો રહ્યો જેના છત્ર હેઠળ ચીની ઈન્ફન્ટ્રી ટુકડીના 600 સૈનિકો ભારતીય ચોકીની પાછળના ભાગે 150 વાર નજીક આવી પહોંચ્યા હતા. ખરાખરીનો જંગ હવે શરૂ થવાની અણી પર હતો, ચીની સેનાને ક્યાં ખબર હતી અસલ ભારતીય શૌર્યનો પરચો હવે મળવાનો હતો.
વધુ આવતા રવિવારે