– ભારતીય નૌકાદળ માટે તૈયાર બે સ્વદેશી વોરશિપ
– મુંબઈના દરિયામાં 17 મે એ થશે લોંચ
– સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કરશે બંને સ્વદેશી વોરશિપનું લોંચિંગ
ભારતીય નૌકાદળની મારક શક્તિમાં થશે વધારો
ભારતીય નૌકાદળની મારક ક્ષમતામાં વધુ અભેદ્ય બનશે. આવતા અઠવાડિયામાં 17મી મે ના દિવસે મુંબઈના દરિયામાં સ્વદેશમાં નિર્માણ પામેલી બે વોરશિપ જેના નામ “સુરત” અને “ઉદયગિરિ” છે એને કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં લોંચ કરવામાં આવશે અર્થાત આ બંને વોરશિપને પ્રથમ વખત સમુદ્રમાં ઉતારવામાં આવશે. આ બંને વૉરશિપમાં એક ફ્રિગેટ છે અને એક ડિસ્ટ્રોયર છે, બંનેની ખૂબીઓ જુદી જુદી હોય છે.
ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર વચ્ચે શું ફરક છે ?
ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર બંને વોરશિપ છે પરંતુ બંનેમાં વોરશિપની સાઈઝની સાથે સાથે ક્ષમતાનો ફરક હોય છે. ફ્રિગેટની સરખામણીમાં ડિસ્ટ્રોયર લગભગ દોઢ ગણી મોટી હોય છે. ફ્રિગેટ કોઈ એક કાર્ય માટે વધારે અનુકૂળ હોય છે અને અન્ય કાર્યો માટે તેનો ઉપયોગ રક્ષણાત્મક રીતે કરી શકાય છે જ્યારે ડિસ્ટ્રોયર એક કરતાં વધારે કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ક્ષમતા ધરાવતી હોય છે. જેમકે ડિસ્ટ્રોયરનો ઉપયોગ એન્ટી સબમરીન, એન્ટી શિપ કે એન્ટી એરક્રાફ્ટ તરીકે ઉપયોગમાં આવી શકવાની ક્ષમતા ધરાવે છે અને આ દરેક કાર્યને સટિક રીતે પુરા કરી શકે છે.
પ્રોજેક્ટ 15B અને પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યા બંને વોરશિપ
“સૂરત” અને “ઉદયગિરિ” બંને વોરશિપ જુદા જુદા પ્રોજેક્ટ અંતર્ગત સ્વદેશમાં નિર્માણ કરવામાં આવેલા છે. પ્રોજેક્ટ 15B અંતર્ગત ડિસ્ટ્રોયર અને પ્રોજેક્ટ 17A અંતર્ગત ફ્રિગેટ નિર્માણ કરવામાં આવનાર છે. પ્રોજેક્ટ 15B અંતર્ગત નિર્માણ પામેલી “સૂરત” એક ડિસ્ટ્રોયર છે જેનું નામ ગુજરાતના કોમર્શિયલ કેપિટલ ગણાતા સૂરત શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 15B અંતર્ગત કુલ ચાર ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર નિર્માણ કરવામાં આવનાર છે. ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર દુશ્મનના રડારમાં આવ્યા વગર ઓપરેટ કરવા સક્ષમ છે. એમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરી શકે તેવી મિસાઈલ અને સપાટીથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ ફીટ કરવામાં આવી છે. એમાં અત્યાધુનિક સર્વેલન્સ રડાર ફીટ કરવામાં આવ્યા છે જે ટાર્ગેટનો ડેટા સીધો ડિસ્ટ્રોયરની વેપન સિસ્ટમને પહોંચાડશે. આ ડિસ્ટ્રોયર સબમરીનને પણ ટક્કર આપવા સક્ષમ છે. પ્રોજેક્ટ 15B અંતર્ગત નિર્માણ થયેલી પ્રથમ ડિસ્ટ્રોયર “વિશાખાપટ્ટનમ” ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. બીજી ડિસ્ટ્રોયર “મુર્મુગાંવ” ના સમુદ્રી પરીક્ષણ ચાલી રહ્યા છે. ત્રીજી ડિસ્ટ્રોયર “ઇમ્ફાલ” સમુદ્રમાં લોંચ કરવામાં આવી ચુકી છે જ્યારે ચોથી અને અંતિમ ડિસ્ટ્રોયર “સૂરત” ને કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 17 મી મે ના રોજ મુંબઈના દરિયામાં લોંચ કરવામાં આવશે.
પ્રોજેક્ટ 17A અંતર્ગત કુલ સાત ફ્રિગેટનું નિર્માણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલી ફ્રિગેટ “ઉદયગિરિ” ને 17મી મે ના રોજ મુંબઈના સમુદ્રમાં લોંચ કરવામાં આવનાર છે જે વર્ષ 2007 માં નિવૃત (ડીકમિશન્ડ) કરવામાં આવેલા ‘આઈએનએસ ઉદયગિરિ’ નો નવિન અવતાર હશે. પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્માણ થયેલી બે ફ્રિગેટને સમુદ્રમાં લોંચ કરવામાં આવી ચુકી છે અને ટૂંક સમયમાં એના સમુદ્રી પરીક્ષણ શરૂ કરવામાં આવશે. 17મી મે ના રોજ ત્રીજી ફ્રિગેટ “ઉદયગિરિ” ને મુંબઈ ખાતે સમુદ્રમાં લોંચ કરવામાં આવશે. આ ફ્રિગેટનું નામ આંધ્રપ્રદેશની પર્વતમાળાના નામ પરથી “ઉદયગિરિ” રાખવામાં આવ્યું છે.