- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકના પ્રવાસે
- ટેસ્લાના સીઈઓ એલન મસ્કને મળ્યા
- ન્યુ યોર્કમાં ઘણા દિગ્ગજ લોકોને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પહોંચ્યા હતા જ્યાં તેઓ અમેરિકાના ઘણા દિગ્ગજ લોકોને મળ્યા હતા જેમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ આમાં સામેલ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એલન મસ્કે શું કહ્યું ?
મસ્કે કહ્યું, ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં અનેક ઘણી વધુ સંભાવનાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. પોતાની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અંગે મસ્કે કહ્યું ‘અમારી મુલાકાત ખૂબ સારી હતી અને મને તે ખૂબ ગમે છે.’ વડાપ્રધાન મોદી સાચા અર્થમાં ભારત માટે વધુ સારી વિચારસરણી ધરાવે છે. તેઓ ભારતને ફાયદો થાય તે માટે ભારતમાં રોકાણ કરવા માટે કંપનીઓને ટેકો આપવા માંગે છે. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.
ન્યુ યોર્ક પેલેસ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ન્યૂયોર્ક પેલેસ પહોંચ્યા હતા જ્યાં અગાઉથી જ પ્રતિક્ષા કરી રહેલા ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ લોકોની વચ્ચે જઈને તેમનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ચાર દિવસ અમેરિકામાં સ્ટેટ વિઝિટ પર છે. અહી તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન પ્રમુખ જૉ બાયડન સાથેની આ મુલાકાત ભારત માટે ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.
અન્ય રોકાણકારોને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર મંગળવારે રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકા પહોંચતા જ એરપોર્ટ પર અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ન્યૂ યોર્ક એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા. આ પછી પીએમ મોદીની અમેરિકાના મહત્વપૂર્ણ ગણાતા મહાનુભાવો સાથે મુલાકાતનો તબક્કો શરૂ થયો છે. ન્યૂયોર્કમાં એલન મસ્ક ઉપરાંત અન્ય ઘણા રોકાણકારો, પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબે કહ્યું કે અમારી મુલાકાત શાનદાર રહી. મેં ભારતની કોરોના માટેની તૈયારીઓ માટે પ્રશંસા કરી હતી. ખાસ કરીને ભારતે જે કાર્યક્ષમતા સાથે કોરોનાનો સામનો કર્યો છે તે પ્રશંસનીય છે.