- કચ્છ સંગ્રહાલય એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે.
- અગાઉ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું.
- ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ
મ્યુઝિયમ નો પ્રકાર
સ્થાનીય સંગ્રહાલય, ઐતિહાસીક સંગ્રહાલય, કલા સંગ્રહાલય.
ઈતિહાસ
ક્ચ્છ રાજ્યના મહારાવ ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત કલા શાળાના ભાગ રૂપે શરૂઆતમાં કચ્છ સંગ્રહાલયની રચના કરવામાં આવી હતી. તેની સ્થાપના 1 જુલાઈ 1877 ના દિવસે કરવામાં આવી હતી. આ સંગ્રહાલય અગાઉ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું. 19 ફેબ્રુઆરી 1884 ના દિવસે મહારાવ ખેંગારજી ત્રીજાના લગ્ન સમયે ઘણી નવી વસ્તુઓ ભેટ મળી હતી અને તેના પ્રદર્શન માટે નવી ઈમારતની જરૂરિયાત હતી. આ માટે, 14 નવેમ્બર 1884 ના રોજ, બોમ્બે પ્રેસીડેન્સીના રાજ્યપાલ સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા હાલના સંગ્રહાલયના મકાનનો શિલાન્યાસ થયો અને કચ્છના મહારાઓ દ્વારા તેમના નામ પર સંગ્રહાલયનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખ્યું હતું. બે માળવાળી આ ઈમારતની કિંમત તે સમયે. રૂ. 32,000 થઈ હતી. ઈટાલિયન ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલું આ સંગ્રહાલય નઝર બાગ બગીચાની સામે જ હમીરસર તળાવના કાંઠે મનોહર વિસ્તારમાં આવેલું છે. આ ઈમારત રાજ્યના ઇજનેર – મેક લેલેન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને રાજ્યના ગઢેર – જયરામ રૂડા ગજધરની દેખરેખ હેઠળ કચ્છના મિસ્ત્રીઓ તરીકે ઓળખાતા સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી. 1948 સુધી આ સંગ્રહાલય કચ્છના મહારાવના સંરક્ષણમાં રહ્યું, આ સંગ્રહાલય તેઓ ફક્ત પોતાના અંગત મહેમાનોને જ બતાવતાં. તે દિવસોમાં ફક્ત મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગોએ જ લોકો માટે આ સંગ્રહાલય ખોલવામાં આવતું હતું.
વિભાગો
આ સંગ્રહાલયમાં ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ છે, જે પહેલી સદી જેટલો જૂનો છે. ખાવડાના અંધાઉ ગામમાં મળી આવેલા સૌથી જૂના છ ક્ષત્રપ શિલાલેખ-પત્થરો અહીં ખસેડવામાં આવ્યા છે. તેઓ મૂળ સ્વરૂપે લાશ્તી નામની ટેકરી પર મળ્યા હતા. તે રુદ્રદમન પહેલાના સમયમાં બનાવવામાં આવ્યા હતા .ત્રીજી સદીનો એકમાત્ર ગુજરાતી અભિર શિલાલેખ પણ અહીં છે. તેમાં લુપ્ત થયેલ કચ્છી લિપિના ઉદાહરણો પણ છે (હવે કચ્છી ભાષા મોટે ભાગે ગુજરાતી લિપીમાં લખાય છે) અને કચ્છની 1948 સુધીના સ્થાનિક ચલણ કોરી સહિતના સિક્કાઓનો રસિક સંગ્રહ અહીં જોવા મળે છે. આ સંગ્રહાલયમાં લગભગ 11 વિભાગ છે. પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ(સીલ) છે. વિવિધ પ્રકારના પથ્થરની ગોળીઓ પણ ઉપલબ્ધ છે. કચ્છના વિવિધ વ્યવસાયો દર્શાવતા ચિત્રો પણ અહીં દર્શાવાયા છે. શાસ્ત્રીય અને સંગીતનાં સાધનો આવરી લેતો એક એક ઉત્તમ વિભાગ અહીં છે જેમાં નાગફણી, મોરચાંગ અને અન્ય ઘણા વાજિંત્રો છે. સંગ્રહાલયનો એક ભાગ આદિજાતિની સંસ્કૃતિને સમર્પિત છે, જેમાં પ્રાચીન કલાકૃતિઓ, લોક કળાઓ અને હસ્તકલા અને આદિવાસી લોકો વિશેની માહિતીના ઘણા પ્રદર્શનો છે. આ સંગ્રહાલયમાં ભરતકામ, પેઇન્ટિંગ્સ, હથિયારો, સંગીતનાં સાધનો, શિલ્પ અને કિંમતી ધાતુકામનાં પ્રદર્શનો પણ છે. આ સંગ્રહાલયમાં એક ચિત્ર ગેલેરી, માનવશાસ્ત્ર વિભાગ, પુરાતત્વીય વિભાગ, કાપડ, શસ્ત્રો, સંગીતનાં સાધનો, શિપિંગ વિભાગ અને ભરેલા પ્રાણીઓનો વગેરે વિભાગોનો સમાવેશ થાય છે. મ્યુઝિયમના ભોંય તળિયે, મધ્યવર્તી ખંડમાં, ‘ઐરાવત ‘ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. ઐરાવત એક , લાકડાનો કોતરવામાં આવેલો બરફ જેવા સફેદ રંગનો હાથી છે , જે સાત સૂંઢ ધરાવે છે. તેની રચના 18મી સદીમાં માંડવીમાં તીર્થંકરની ઉપાસનામાટે કરવામાં આવી હતી. તેના બાકીના શરીરને ફૂલોથી નક્શીથી શણગારવમાં આવ્યો છે. ભારત સરકારે 1978માં ઐરાવત દર્શાવતી એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ ‘ઐરાવત’નું નિરૂપણ પોસ્ટલ શ્રેણી “ટ્રેઝર્સ ઑફ મ્યુઝિયમ” અંતર્ગત કર્યું છે. ગુજરાતનું આ સૌથી જૂનું મ્યુઝિયમ, એટલે કે કચ્છ મ્યુઝિયમ, ઈ. સ. ૨૦૧૦ માં ભારતનું સૌ પ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું હતું.
લેખન અને સંકલન :- વિકી મહેતા