– સોનાના પહાડની માટીમાં 60% થી 90% સોનુ
– હજારો સ્થાનિક લોકો તુટી પડ્યા સોનુ ખોદવા
– આખરે સરકારે ખોદકામ પર મુક્યો પ્રતિબંધ
મળી આવ્યો સોનાનો પહાડ
સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિને ગમતી ધાતુ ગણી શકાય એવી કોઈ ધાતુ છે તો તે સોનુ જ છે. સોનામાં રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ અને સલામત માનવામાં આવે છે. આ કારણો ઉપરાંત કેટલાક અન્ય કારણોથી સોનાના ભાવ સતત વધતા રહ્યા છે હમણાં ચાલી રહેલી વૈશ્વિક કોરાના મહામારી દરમિયાન વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ ભાવ બોલાયા છે ત્યારે એવું કહેવાય છે કે સોનુ હવે સામાન્ય માણસની પહોંચની બહાર નીકળી ગયું અને છતાં આ પીળી ચળકતી ધાતુનો મોહ મધ્યમ વર્ગમાં પણ એટલો જ છે. આ બધા અવલોકનો વચ્ચે જો એવા સમાચાર આવે કે સોનાનો પહાડ મળી આવ્યો છે તો સમગ્ર વિશ્વમાં કેવી હલચલ મચી જવા પામે ? અરે આ સોનાના પહાડની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ કેવી હોય ? સોનાનો પહાડ મળી આવે તો કેવી પરિસ્થિતિ નિર્માણ પામે ?
મળી આવ્યો ભરપૂર સોનાનો પહાડ
તાજેતરમાં ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં આફ્રિકાના કોંગો દેશમાં દક્ષિણ ભાગમાં આવેલા લુહિહિ ગામમાં એક પહાડની માટીમાં ભરપૂર કાચા સોનાનો ખજાનો મળી આવ્યો હોવાનું જાહેર થયું હતું. આ પહાડની માટીમાં 60% થી 90% જેટલું કાચુ સોનું હોવાનો દાવો કરવામાં આવ્યો. સામાન્ય લોકોમાં આ સમાચાર પહોંચતા જ કોંગોના લુહિહિ ગામમાં સોનુ ખોદવા માટે લોકોના ધાડેધાડા ઉતરી પડ્યા. હજારોની સંખ્યામાં આવેલા લોકો પહાડની માટી ખોદીને થેલીમાં, બેગમાં, ખિસ્સામાં, બોરીઓમાં જે સાધન મળ્યા એમાં સોનાના પહાડની માટી ભરી ભરીને લઈ જવા માંડ્યા. લોકો સોનું ધરાવતી માટી લઈ જઈને માટીને ધોઈને એમાંથી સોનું કાઢવા માંડ્યા. લુહિહિ નાનુ એવુ ગામડું છે એમાં હજારો લોકોના ધાડા ઉતરી પડતાં અંધાધૂંધી ફેલાઈ અને આખરે સરકાર હરકતમાં આવી.
સોનાનો પહાડ ખોદવા ઉપર લગાવાયો પ્રતિબંધ
કોંગોના મંત્રી વેનંત બુરુમે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં લુહિહિ ગામના એક પહાડમાંથી ભરપૂર કાચું સોનું મળી આવ્યું અને તેને ખોદીને સોનું મેળવવા માટે લોકોની ભીડ જામી હતી જેના કારણે ગામમાં સંકટ ઉભું થતા સરકાર દ્વારા પહાડ પરથી સોનું કાઢવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું કે પ્રતિબંધ મૂકવાથી હવે સરકારી અધિકારીઓ, ખાણકામ કરનારાઓ માટે સરળતા થઇ છે.
વિશ્વમાં સોનાનો પહાડ ખોદવા પહોંચી ગયેલા લોકોના વિડિયો પણ પહોંચી ગયા હતા.