Chamoli ઉત્તરાખંડ
Spread the love

ઉત્તરાખંડના ચમોલી (Chamoli) માં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે વિસ્તારમાં ભારે હિમસ્ખલન થતા 57 મજૂરો દબાઈ ગયા હતા. ઉત્તરાખંડમાં આવેલા ચમોલીના માના સ્થિત બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) કેમ્પ પાસે ગ્લેશિયર ફાટવાને કારણે આ મોટો અકસ્માત થયો હતો. 57માંથી 16 મજૂરોને બચાવી લેવાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ મોકલવામાં આવી રહી છે. ભારે હિમવર્ષાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઈજાગ્રસ્ત મજૂરોને માના આર્મી કેમ્પમાં મોકલાયા

પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા આઈજી નિલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર માનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) કેમ્પની નજીક ભારે હિમસ્ખલન થતા 57 મજૂરો ફસાઈ ગયા હતા. જેમાંથી 16 મજૂરોને બચાવી લેવાયા છે.

સ્થિતિ ગંભીર હોવાના કારણે ઈજાગ્રસ્ત મજૂરોને માના પાસેના આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન, બીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન) એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીઆર મીનાએ જણાવ્યું કે ઘટનાસ્થળે 57 મજૂરો હાજર હતા. ત્રણથી ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે, પરંતુ ભારે હિમવર્ષાના કારણે બચાવ ટીમને ત્યાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સતત હિમવર્ષાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી

ચમોલી (Chamoli) ના ડીએમ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે ચમોલી જિલ્લાના માના ગામની આગળ ગ્લેશિયર ફાટવાને કારણે 57 મજૂરો ફસાયેલા છે. ખરાબ હવામાનને કારણે હાલમાં બચાવ કામગીરી શરૂ કરવામાં તકલીફ પડી રહી છે. આ વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી હોવાના કારણે હેલિકોપ્ટર ત્યાં જઈ શકતું નથી. ઉત્તરાખંડમાં જ્યાં ગ્લેશિયર ફાટ્યું તે વિસ્તાર નો નેટવર્ક ઝોન છે. સેટેલાઇટ ફોન પણ ત્યાં કામ કરતા નથી. અકસ્માતમાં સામેલ ટીમનો કોઈ સંપર્ક નથી. અમારો પ્રયાસ દરેકને બચાવવાનો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જ્યારે અમને આ અંગે નવીનતમ અપડેટ મળશે ત્યારે મીડિયાને જાણ કરવામાં આવશે.

ઉત્તરાખંડના સીએમ ધામીએ અકસ્માત પર વ્યક્ત કર્યું દુ:ખ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ‘ચમોલી (Chamoli) જિલ્લાના માના ગામ પાસે BRO દ્વારા હાથ ધરવામાં આવેલા નિર્માણ કાર્ય દરમિયાન હિમસ્ખલનને કારણે ઘણા મજૂરો દટાયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા. ITBP, BRO અને અન્ય બચાવ ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હું તમામ મજૂર ભાઈઓની સુરક્ષા માટે ભગવાન બદ્રી વિશાલને પ્રાર્થના કરું છું.

એનડીઆરએફની આ ટીમને પણ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. બદ્રીનાથ હાઈવેની હનુમાન ચટ્ટીથી આગળ હિમવર્ષાના કારણે માર્ગ બંધ થવાને કારણે NDRFની ટીમ માના કેમ્પ સુધી પહોંચી શકી નહોતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *