– તાજેતરમાં કર્ણાટક ચૂંટણીના પરિણામ આવ્યા
– કર્ણાટકમાં કૉંગ્રેસને મળી પ્રચંડ બહુમતી
– સુન્ની વક્ફ બોર્ડે કરી રાજકીય માંગ
મુખ્યમંત્રી પદનું કોકડુ ગુંચવાયુ ત્યાં સુન્ની વક્ફ બોર્ડની માંગ
કર્ણાટકમાં પ્રચંડ બહુમતી મેળવનાર કૉંગ્રેસ પાર્ટીમાં મુખ્યપ્રધાન કોણ બનશે તે બાબત મંથન ચાલી રહ્યું છે. આજે ડી. કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા દિલ્હી પહોંચશે અને શિર્ષસ્થ નેતૃત્વ સાથે ચર્ચા કરશે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં કર્ણાટકના મુખ્યપ્રધાન કોણ બનશે એ બાબતે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. એક તરફ કૉંગ્રેસ આ મોરચો સંભાળવા મહેનત કરી રહી છે ત્યાં જ સુન્ની વક્ફ બોર્ડની નવી માંગણીઓ કરી છે. સુન્ની ઉલેમા બોર્ડના મુસ્લિમ નેતાઓએ કર્ણાટકમાં નાયબ મુખ્યપ્રધાન પદ મુસ્લિમને મળવું જોઈએ એવી માંગ ઉઠાવી છે એટલું જ નહી સાથે સાથે કેટલાંક મહત્વના ખાતાઓ પણ મુસ્લિમને મળવા જોઈએ એવી માંગ કરી છે. સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન શફી સાદીએ માંગણી કરતા કહ્યું કે આજ સુધી કર્ણાટકમાં કોઈ મુસ્લિમ મુખ્યપ્રધાન નથી રહ્યો.
સુન્ની વક્ફ બોર્ડે મહત્વના મંત્રાલયની પણ માંગ કરી
સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન શફી સાદીએ કહ્યું કે અમે ચુંટણી પહેલા જ કહ્યું હતુ કે નાયબ મુખ્યપ્રધાન મુસ્લિમન સમુદાયના હોવા જોઈએ. તેમણે એ પણ માંગ કરી કે પાંચ મુસ્લિમ ધારાસભ્યોને સરકારમાં સામેલ કરવા જોઈએ. એટલું જ નહી તેમણે કયા મંત્રાલય મુસ્લિમ સમુદાયને આપવા જોઈએ એ પણ જણાવ્યા છે. તેમણે માંગણી કરતા કહ્યું કે મુસ્લિમ ધારાસભ્યોને ગૃહ મંત્રાલય, મહેસુલ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય જેવા સારા વિભાગોના મંત્રી બનાવવા જોઈએ. સાદીએ આગળ કહ્યું કે, અમે ચુંટણી પહેલા કૉંગ્રેસ પાસે 30 ઉમેદવાર મુસ્લિમ હોવા જોઈએ એવી માંગણી કરી હતી જ્યારે કૉંગ્રેસે 15 બેઠકો પર મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા જેમાંથી 9 ઉમેદવાર જીત્યા છે. તેમણે કહ્યું કે એમ.એસ.કૃષ્ણાના કાર્યકાળની જેમ અમે પાંચ મુસ્લિમ મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન પદની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આદર્શ રીતે જોતા કર્ણાટકમાં મુસ્લિમ મુખ્યપ્રધાન બનવો જોઈએ કારણ કે આજ સુધી કોઈ મુસ્લિમ વ્યક્તિ કર્ણાટકનો મુખ્યપ્રધાન બન્યો નથી અને કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી 90 લાખ છે.
કૉંગ્રેસે મુસ્લિમોનો આભાર માનવો જોઈએ: સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન
સુન્ની વક્ફ બોર્ડના ચેરમેન શફી સાદીએ માંગણીઓ કરતાં જણાવ્યું કે કૉંગ્રેસ કર્ણાટક ચુંટણીમાં 72 બેઠકો માત્ર મુસ્લિમોને કારણે જીતી શકી છે અને હવે કૉંગ્રેસની જવાબદારી છે કે અમારો આભાર માને. તેમણે કહ્યું કે 9 મુસ્લિમ ઉમેદવાર જીતીને આવ્યા છે એમાંથી કોને મંત્રી બનાવવા એ કૉંગ્રેસે નક્કી કરવાનું છે.