– NIA કોર્ટે યાસીન મલિકને UAPA અંતર્ગત દોષી ઠેરવ્યો હતો
– ટેરર ફંડિંગ કેસમાં 19 મે એ દોષી ઠરાવ્યો હતો
– સજા સંભળાવતી વખતે કોર્ટની સુરક્ષા વધારાઈ હતી
NIA કોર્ટે JKLF ના વડા યાસીન મલિકને આજીવન કારાવાસની સજા ફટકારી
ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા JKLF (જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ) નામના આતંકી સંગઠનનો વડો અને કાશ્મીરના અલગાવવાદી યાસિન મલિકને NIA કોર્ટે આજે આજીવન કારાવાસની સજા ફટકારી છે. બુધવારે NIA કોર્ટમાં યાસિન મલિકની સજા અંગે દલીલબાજી ચાલી હતી. કેસની સુનાવણી દરમિયાન NIAએ વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહની કોર્ટમાં સરકારી વકીલ દ્વારા યાસીન મલિકને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 19મી મેના દિવસે NIA કોર્ટ મલિકને ગુનાહિત ષડયંત્ર રચવાના, દેશ સામે યુદ્ધ છેડવાના તથા ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવ્યો હતો.
ક્યા કેસમાં કેટલી સજા ફટકારવામાં આવી
આતંકી ફંડિંગ કેસમાં દોષિત યાસીન મલિકને બે કેસમાં આજીવન કારાવાસ અને 5 કેસમાં 10-10 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો. સ્પેશ્યલ જજે યાસીન ઉપર IPC કલમ-120 B (ગુનાહિત પ્રવૃત્તિ)હેઠળ 10 વર્ષ કારાવાસ, 10 હજાર દંડ, 121 A અંતર્ગત 10 વર્ષની સજા 10 હજાર દંડ જ્યારે UAPA ની કલમ 17 (આતંકીપ્રવૃત્તિઓ માટે ફંડ એકઠુ કરવું) હેઠળ આજીવન કારાવાસ તથા 10 લાખ દંડની સજા ફટકારવામાં આવી છે. UAPAની કલમ 13 હેઠળ 5 વર્ષની સજા, UAPAની કલમ 15 હેઠળ 10 વર્ષની સજા, UAPAની કલમ 18 હેઠળ 10 વર્ષની સજા અને 10 હજાર દંડ, UAPAની કલમ 20 (આતંકી સમૂહ અથવા સંગઠનનો હિસ્સો હોવું) હેઠળ 10 વર્ષની સજા અને 10 હજાર દંડ, UAPAની કલમ 38 અને 39 હેઠળ 5 વર્ષ 5 હજાર દંડની સજા કરવામાં આવી છે.
યાસીન મલિકના કારસ્તાનો
યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે જોડાયેલો છે. 2019માં કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ લગાવી દીધો હતો. યાસીન મલિક હાલમાં તિહાર જેલમાં બંધ છે. યાસીન મલિક પર 1990 માં એરફોર્સના 4 જવાનની હત્યાનો આરોપ છે, જે તેણે પણ સ્વીકારી લીધો છે. યાસીન મલિક ઉપર મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રુબિયાનું અપહરણ કરવાનો પણ આરોપ છે. મલિક પર 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાના પણ ગંભીર આરોપ છે. યાસીન મલિકે દિલ્હીની કોર્ટમાં મલિકે UAPA અંતર્ગત લગાવવામાં આવેલા આરોપો સહિતના પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો. આ આરોપોમાં UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્ય), 17 (આતંકવાદી કૃત્યો માટે ધન એકત્રિત કરવું), 18 (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર) અને કલમ 20 (આતંકવાદી ટોળકી કે સંગઠનનું સદસ્ય હોવું) તથા ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહીત ષડયંત્ર) અને 124-એ (રાજદ્રોહ)નો સમાવેશ થાય છે.
સુનાવણી દરમિયાન યાસીન મલિકના ઘર પર ડ્રોનથી નજર રાખવામાં આવી
આતંકી ફંડિંગ અંતર્ગત દોષિત ઠરેલા યાસીન મલિકને જ્યારે સજાની સુનાવણીની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે યાસીનના ઘર પર ડ્રોન વડે નજર રાખવામાં આવી રહી હતી. શ્રીનગર ખાતે યાસીન મલિકના ઘરની બહાર સુરક્ષા દળો પર પથ્થરમારાની ઘટના પણ બની હતી. કોર્ટની બહાર સુરક્ષા મામલે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન મીડિયા કર્મીઓને પણ કોર્ટમાં પ્રવેશની મંજૂરી અપાઈ નહોતી.
મહેબુબા મુફ્તિનો વાણી વિલાસ, પાકિસ્તાનના ન્યાયતંત્રને ભારતથી સારુ કહ્યું
PDP ના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ યાસીન મલિક મામલે પાકિસ્તાનના ન્યાયતંત્રને ભારત કરતાં સારૂં ગણાવ્યું હતું. આ ઉપરાંત મહેબુબાએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મહેબુબા મુફ્તીએ જણાવ્યું કે, ભાજપ મુસલમાનોને કચડી રહી છે.
મળી રહેલી ખબરો મુજબ ટેરર ફંડિંગ અંતર્ગત દોષિત ઠરેલા યાસીન મલિકની આજીવન કારાવાસની સજાના સમાચાર ખીણમાં પ્રસરતા શ્રીનગરમાં સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. સત્તાવાળા દ્વારા ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.