Spread the love

– સુરતના પાસોદરામાં ગ્રિષ્માની જાહેરમાં કરી હતી હત્યા

– કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો

– કોર્ટે હત્યારા ફેનિલને ફાંસીની સજા ફરમાવી

સુરતમાં ફેબ્રુઆરી મહિનામાં ગ્રિષ્માની જાહેરમાં હત્યા કરનારા ફેનિલને ફાંસી

સુરતના ચકચારી ગ્રિષ્મા વેકરીયાની જાહેરમાં અરેરાટીપૂર્ણ હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીની વિરૂદ્ધ ઝડપભેર ટ્રાયલના અંતે ગઈકાલે દોષી ઠેરવ્યા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળીને  મુખ્ય જીલ્લા સેશન્સ ન્યાયાધિશ વિમલ કે. વ્યાસે આરોપી વિરુદ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોવાની સરકાર પક્ષની દલીલ સાથે સંમત થઈને ગ્રિષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને મૃત્યુ દંડની સજા, 5 હજાર રૂપિયા દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરી છે.

હત્યારા ફેનિલને કયા ગુનામાં કેટલી સજા થઈ

ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને ઈપીકો કલમ 302 અંતર્ગત ફાંસીની સજા, 5 હજાર રૂપિયા દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સખત કેદની સજા સુણાવાઈ. ઈપીકો -307 અંતર્ગત 10 વર્ષની સખત કેદ, 5 હજાર રૂપિયાનો દંડ, દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદ. ઈપીકો – 354 (એ) માં 1 વર્ષની કેદ, 1 હજાર રૂપિયા દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ, ઈપીકો – 506(2) હેઠળ 1 વર્ષની કેદ, 1 હજાર રૂપિયા દંડ, દંડ ન ભરે તો વધુ 3 માસની કેદની સજા સુણાવાઈ. કોર્ટના ચુકાદાનું તારણ જોઈએ તો આરોપીનુ કૃત્ય અધમ અને હેવાનિયતભર્યું છે. અપવાદમાં પણ અપવાદરૂપ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. આરોપીને આજીવન કેદની સજા કરવી  ઓછી જણાય છે. જેથી કોર્ટે આરોપીને મૃત્યુ દંડની સજા ફટકારી છે.

ઘટનાની વિગત

સુરતના કામરેજ વિસ્તારના પાસોદરામાં ગઈ 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપીને ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ પોતાના હાથની નસ કાપીને અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તે પહેલાં આરોપી ફેનિલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રિષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનિલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, હોસ્પિટલમાંથી રજા મળતા હત્યારા ફેનિલને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતા હત્યારા ફેનિલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલમાં હત્યારો ફેનિલ લાજપોર જેલમાં કેદ છે. આ કેસમાં 5મીના રોજ સુનાવણી હતી , આજે ગ્રિષ્માના હત્યારા ફેનિલને શું સજા મળશે તેના પર સૌ કોઈની નજર હતી.

સરકાર પક્ષ તરફથી શું દલીલો કરવામાં આવી

સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી 85 સાક્ષીઓ ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ સરકાર પક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કરતા આરોપી ફેનિલને હત્યા, હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. ગત 22મીએ આખો દિવસ સતત દલીલો ચાલી હતી, આ દલીલો દરમિયાન સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હતો અને તેણે ગણતરીપૂર્વક હત્યા કરી છે. સરકાર પક્ષે  સુપ્રીમ કોર્ટે માછીસિગ તથા બચ્ચનસિગના કેસમાં  રેરેસ્ટ ઓફ રેર કેસના રેસીયો દર્શાવતા આરોપીના ઉગ્ર તથા શાંત થતા સંજોગો આરોપીની વિરુદ્ધ હોવાની રજુઆત કરી હતી. સરકાર પક્ષે પોતાની દલીલના સમર્થનમાં રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી ફાંસીની સજા ફરમાવતા ઉચ્ચતમ અદાલતોના કુલ 20 ચુકાદાઓ રજુ કર્યા હતા. સરકાર પક્ષે આરોપી ફેનિલે પ્રોફેશનલ કિલરની જેમ ગુનાને અંજામ આપવા કરેલી પૂર્વ તૈયારી અને તેની ગુનાઈત માનસ અને ગુનાઈત વર્તણુકને પણ ધ્યાનમાં લેવા માંગ કરી હતી. આરોપીએ ચપ્પુ ખરીદવા માટે ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. તે ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો બાદમાં તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા સ્થાનની રેકી પણ કરી હતી. જે દિવસે ગનો કર્યો તે દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

બચાવ પક્ષ તરફથી શું દલીલો કરવામાં આવી

આરોપી ફેનીલના બચાવ પક્ષે ઝમીર શેખ તથા અજય ગોંડલીયાએ મુખ્યત્વે ફાંસીની સજા અંગે વૈશ્વિક સ્તરે અંગે મતમતાંતર હોવાની રજૂઆત કરી હતી.સુપ્રીમ કોર્ટે વર્ષ -2002માં મીઠ્ઠુસિંહ વિ. સ્ટેટ ઓફ પંજાબના કેસમાં ડેથ સેન્ટેન્સને ગેરબંધારણીય ગણાવી હોવાની રજૂઆત કરી હતી. બચાવપક્ષે આ કેસને મીડીયા ટ્રાયલ તથા પોલીસ તપાસમાં ગંભીર ભુલો કરી હોવાનો આક્ષેપ કરી આરોપીની નાની વયને અને ભવિષ્યને ધ્યાને લઈ ઓછી સજા કરવા માંગ કરી હતી. બચાવ પક્ષે જણાવ્યું હતું કે દરેક સંતને તેનો ભૂતકાળ અને દરેક પાપીને પોતાનું ભવિષ્ય હોય છે. આરોપી સામે પણ તેનું ભવિષ્ય છે.આરોપીએ ઉશ્કેરાટમાં આવીને આ કૃત્ય કર્યું હોઈ રેરેસ્ટ ઓફ રેર કેસ ન ગણાય. આમ પણ રેરેસ્ટ ઓફ રેર કોને ગણવો તે અંગે કોઈ ચોક્કસ માપદંડ કે પ્રમાણ નક્કી કરવામાં આવ્યુ નથી. બચાવ પક્ષે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે, લાડુ માગતો એટલે લટકાવી દો, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. આવી લાંબી લાંબી દલીલ કરીને વધુ ગુણ મેળવવાનો પ્રયત્ન કરાયો છે. જેને ચાલવાનું ભાન ન હોય તે લાડું કેવી રીતે માગે ? અને ઇનોવા ચોરીમાં ક્યાં એ આરોપી પુરવાર થયો છે ? એને પસ્તાવો નથી એવું કહેવામાં આવ્યું એ કોની સામે પસ્તાવો વ્યક્ત કરે ? એને પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું ? છરીના ઘામાં સહાનુભૂતિ નથી મેળવી જે ઘા માર્યા તેમાં નસો કપાઈ ગઈ હતી. લિમિટ બહારનું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આને જો સજા નહીં થાય તો સમાજમાં કોઈ સ્ત્રી સુરક્ષિત રહેશે નહી ? આ કેવી રીતે કહેવામાં આવ્યું. કાયદા કડક કરવાનાં સજા વધારવાના આ ફક્ત પોલિટિક્સ કમ્પઝેશન છે, જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી. અને વાલિયો વાલ્મીકિ બનશે તેવું તો એને છૂટો મુકો તો જ ખબર પડશે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી.

ગ્રિષ્માના પિતાની પ્રતિક્રિયા

કોર્ટના ચુકાદા બાદ ગ્રિષ્માના પિતાએ જણાવ્યું હતું કે, ગ્રિષ્માને આજે ન્યાય મળ્યો છે અને અમારી બધી જ માંગો પુરી થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. મૃતક ગ્રિષ્માના પિતાએ પોલીસથી લઈને તમામ મદદ કરનાર નેતાઓનો આભાર માન્યો હતો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *