– ધરપકડ કરાયેલા લોકોને દેશનિકાલ કેન્દ્રોમાં મોકલી દેવાયા
– ફહાહીલ વિસ્તારમાં વિરોધ કરનાર સામે કરાઈ કડક કાર્યવાહી
– વિરોધ કરનારાઓને પ્રતિબંધિત લોકોના લિસ્ટમાં મુકાશે
કુવૈતમાં ભારતનો વિરોધ કરનારા ઉપર કરાઈ કડક કાર્યવાહી
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની કથિત ટિપ્પણી વિરુદ્ધ 10 જૂને કુવૈતના ફહાહીલ વિસ્તારમાં ભારત વિરોધ પ્રદર્શન કરનારા પાકિસ્તાની, બાંગ્લાદેશી, ભારતીયો સહિત તમામ બિન-નિવાસી એશિયનો વિરુદ્ધ કુવૈતના સત્તાવાળા દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતનો વિરોધ કરનારા બધાની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તેમને તેમના દેશમાં પરત ધકેલી દેવામાં આવશે.
ધરપકડ કરાયેલા ભારત વિરોધીઓ માટે કુવૈતમાં પ્રવેશ પ્રતિબંધ થશે
કુવૈતના ફહાહીલ વિસ્તારમાં એકઠા થઈને જ્યારે ભારતનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ ભારે પોલીસ કુમક ત્યાં પહોંચી ગઇ હતી. આ તમામને એક ટ્રકમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. આ ભારત વિરોધ કરનારાઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા તથા કાયદાના ઉલ્લંઘનના આરોપસર દેશનિકાલ કેન્દ્રોમાં મોકલી દેવામાં આવ્યા હતા. હવે પછી આ બધા જ પ્રવાસીઓને પરત તેમના દેશમાં મોકલી દેવામાં આવશે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે, આ બધા લોકોને વિરોધ કરવા કોણે ઉશ્કેર્યા હતા. દેશનિકાલ કેન્દ્રોમાં મોકલવામાં આવેલા પાકિસ્તાની, બાંગ્લાદેશી, ભારતીયો સહિત એશિયનોના નામ હવે કુવૈતમાં પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ થશે. તેઓ ફરી ક્યારેય કુવૈતમાં પ્રવેશી શકશે નહીં.
કુવૈતમાં ધરણા, પ્રદર્શનો પ્રતિબંધિત
કુવૈતમાં પ્રવાસીઓ દ્વારા ધરણાં અને પ્રદર્શનો કરવા પ્રતિબંધિત છે. કોઈપણ પ્રકારના પ્રદર્શન કરવામાં આવે તો તેને નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને તેમાં સામેલ લોકોને તેમના દેશમાં મોકલી દેવામાં આવે છે. કુવૈત સરકારે એક નિવેદનમાં કહ્યું કે, અહીં રહેતા તમામ લોકોએ દેશના કાયદાનું પાલન કરવું પડશે. કોઈપણ પ્રકારના વિરોધથી દૂર રહેવું આવશ્યક છે.