– 96 વર્ષ પહેલા મહાડમાં થયો હતો સત્યાગ્રહ
– ડૉ.બાબાસાહેબ આંબેડકર હતા નેતા
– માનવાધિકાર પ્રસ્થાપિત કરવાની નેમ
પાણી ધરતી ઉપર ઈશ્વર સર્જિત અમી છે એનો અનુભવ કરવા માટે એ પળ માંથી પસાર થવું પડે જ્યારે ધોમધખતો તાપ માથે અગન ગોળા વરસાવી રહ્યો હોય અને જો હવે પાણી નું એક બુંદ પણ નહીં મળે તો જીવન નાં સો વર્ષ પુરા થયા જ સમજો એવી તરસ લાગી હોય, સામે નજર સમક્ષ ચોખ્ખા પાણીથી તરબતર, ભરપૂર તળાવ હોય પરંતુ એ તળાવ માંથી પાણી પીવાની આપને અનુમતિ નાં હોય. શા માટે અનુમતિ નાં હોય ? કારણ કે આપનો જન્મ મહાન, શ્રેષ્ઠ હીંદુ, સનાતન પરંપરા નાં તેજસ્વી લલાટે કલંકરૂપ કાળક્રમે ઘુસી ગયેલા અમાનવીય અનિષ્ટ એવી જાતિગત અસ્પૃશ્યતા નાં શિરસ્તા માં અસ્પૃશ્ય, નીચ ગણાતી જાતિ માં થયો છે.
અંગ્રેજો નાં શાસનકાળમાં 1924 માં મુંબઈ વિધાન મંડળ માં એ વખત નાં સમાજ સુધારક શ્રી એસ. કે. બોલે એ એક વિધેયક રજૂ કર્યું હતું જેને મુંબઈ વિધાન મંડળ દ્વારા પસાર પણ કરવામાં આવ્યું હતું. શ્રી એસ.કે. બોલે નું વિધેયક પસાર થવાથી સરકાર દ્વારા સંચાલિત દરેક સંસ્થાઓ જેવી કે શાળા, કોલેજ, હોસ્પિટલ, સરકારી ઓફિસો, ન્યાયાલય, પાણી ની પરબો, તળાવો, સરોવરો વગેરે નો ઉપયોગ કરતાં કે એમાં પ્રવેશતાં કોઈ પણ ને રોકી શકાય નહીં એવો આદેશ આપવામાં આવ્યો. આ વિધેયક ને કારણે અસ્પૃશ્ય ગણાતાં સમુદાયો ને વર્ષો બાદ માનવીય અધિકાર મળ્યાં એવું કહેવું ખોટું નહી જ ગણાય. જોકે પરિસ્થિતિ માં કોઈ ઝાઝો ફરક પડ્યો હોય એવું લાગતું નહોતું. કોલાબા જિલ્લા નાં મહાડ માં આવેલાં ચવદાર તળાવ નાં પાણી નો ઉપયોગ ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ જેવા વિધર્મીઓ બેરોકટોક કરતાં હતાં, પશુ ઓ પણ એ તળાવ નાં પાણી નો ઉપયોગ કરતાં હતાં પરંતુ સરકારે આદેશ કર્યો હોવા છતાં અસ્પૃશ્ય ગણાતાં સમુદાયો ને ચવદાર તળાવ માં પ્રવેશ નો કે એનાં પાણી નો ઉપયોગ કરવા દેવામાં આવતો નહોતો.
સરકારી આદેશ હોવા છતાં અસ્પૃશ્ય ગણાતાં સમુદાયો ને ચવદાર તળાવ માં પ્રવેશ તથા તેનાં ઉપયોગ કરવા નહોતો દેવાતો એ ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં ધ્યાન માં આવ્યું. હિંદુ પરંપરામાં ઘુસી ગયેલી કલંકરૂપ અસ્પૃશ્યતા નાં અનુભવો ડૉ. બાબાસાહેબ આંબેડકર ને પોતાના જીવન નાં પ્રત્યેક પડાવ ઉપર થયેલાં હતાં જેનાથી પ્રખર બુદ્ધિશાળી એવાં બાબાસાહેબ ને ખુબ જ ચીડ હતી અને પોતે આ અસ્પૃશ્યતા અને એનાં જેવાં બીજાં અમાનવીય રિવાજ ને કેવી રીતે દૂર કરવા પ્રયત્ન કરી શકે એ વિચાર કરતાં જ હતાં અને ચવદાર તળાવ ની ઘટના એમનાં ધ્યાને આવી. ડૉ. બાબા સાહેબ આંબેડકરે ચવદાર તળાવ નાં અન્યાય ને દૂર કરવા કોલાબા બહિષ્કૃત પરિષદ ની મીટીંગ બોલાવી, આ મીટીંગ માં અનેક લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સ્પૃશ્ય ગણાતાં સમુદાયો નાં સુધારાવાદી લોકો એ પણ હાજરી આપી. આ મીટીંગ માં એવું નક્કી કરવામાં આવ્યું કે તારીખ 19 અને 20 માર્ચ 1927 નાં દિવસે સત્યાગ્રહ કરવો. મીટીંગ માં ઉપસ્થિત કાયસ્થ બ્રાહ્મણ અનંતરાવ વિનાયક ચિત્રે એ એવો પ્રસ્તાવ મૂક્યો કે સત્યાગ્રહ નાં અંતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ની આગેવાની માં હાજર રહેલાં સૌએ સરઘસાકારે નીકળી ને ચવદાર તળાવ માં પ્રવેશ કરવો અને પાણી પીવું. અનંતરાવ વિનાયક ચિત્રે નાં પ્રસ્તાવ નો સૌએ સ્વીકાર કર્યો. અનંતરાવ વિનાયક ચિત્રે વિશે વિશેષ જાણકારી હોવી આવશ્યક છે, અનંતરાવ વિનાયક ચિત્રે પાછળ થી ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં સામયિક ‘જનતા’ નાં વર્ષો સુધી તંત્રીપદે સેવા આપતાં રહ્યા હતાં, 1928 માં ઈન્દોર માં દલિત વિદ્યાર્થીઓને માટે છાત્રાલય ચલાવતાં હતાં તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં રાજકીય પક્ષ સ્વતંત્ર મજૂર પક્ષ નું પ્રતિનિધિત્વ કરતાં 1937 માં ધારાસભ્ય તરીકે પણ ચુંટાયા હતા.
આખરે સત્યાગ્રહ નો દિવસ તારીખ 19/03/1927 આવી ગયો, પ્રથમ દિવસનો સત્યાગ્રહ પુરો થયો. બીજાં દિવસે તારીખ 20/03/1927 બપોરનો સમય હતો, સૂર્ય પોતાનાં કિરણો ને તાપથી ધારદાર બનાવી ધરતી ઉપર ફેંકી રહ્યો હતો. સૂર્ય નાં ગરમ કિરણો ચવદાર તળાવ નાં પારદર્શક પાણીમાંથી પરાવર્તન પામી અનોખું આંદોલિત દ્રશ્ય ખડું કરી રહ્યા હતાં, ત્યારે જ લગભગ સ્ત્રી પુરુષ મળીને પાંચ હજાર જેટલાં ચવદાર તળાવ આંદોલનકારીઓ એ લોકનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં નીડર, સક્ષમ, દૂરદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ચવદાર તળાવ માં પ્રવેશ કરવાની શરૂઆત કરી, ધીમે ધીમે સૌ આંદોલનકારીઓ ચવદાર તળાવ ને કાંઠે આવીને ઊભાં રહ્યાં. ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં તેજસ્વી મુખારવિંદ ઉપર અનેરો આનંદ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. આખરે એ ઐતિહાસિક ક્ષણ આવી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચવદાર તળાવ નાં કિનારે ઊભા રહીને થોડાં ઝુક્યા અને તળાવ નાં નિર્મળ જળ ને પોતાની આંગળી થી સ્પર્શ કર્યો, આ માત્ર મનુષ્ય આંગળી અને પાણી નો સ્પર્શ નહોતો પરંતુ આ અસ્પૃશ્ય સમુદાય નાં જે માનવીય અધિકાર ને વર્ષોથી અમાનવીય અંધાર કોટડી માં તાળાબંધ કરવામાં આવ્યો હતો એ લોખંડી તાળાં ઉપર માનવતા નો જાણે હથોડો વિંઝાયો હતો, ડૉ. આંબેડકર નાં હાથનો અને ચવદાર તળાવ નાં નીર નો સ્પર્શ માત્ર નહોતો પરંતુ બ્રહ્માંડ શ્રેષ્ઠ સનાતન પરંપરા નાં સોનેરી કપાળે લાગેલાં અસ્પૃશ્યતા નાં કલંક ને દૂર કરવા થયેલો વાયુ નો સુસવાટો હતો, વર્ષોથી ચાલી આવતાં અમાનવીય વ્યવહાર, હિન્દુ ને જ હિન્દુ નહીં ગણતાં અરે પશુ થી બદતર ગણતાં માનસિક રોગ નાં નિદાન અને સારવાર ની શરૂઆત થઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં હાથ અને ચવદાર તળાવ નાં જળ નો સ્પર્શ ને માત્ર સ્પર્શ ગણવાની ભૂલ નાં કરવી જોઈએ એ અસ્પૃશ્ય સમુદાય માટે પોતાને થતાં અપમાન ને દૂર કરવા ની ક્રાન્તિ નાં શ્રીગણેશ હતાં.
પરંતુ આ સત્યાગ્રહ ની સફળતા થી ભયભીત અને રઘવાયા બનેલા અસ્પૃશ્યતા ને ધર્મ નાં આવરણ હેઠળ યોગ્ય ગણાવતાં રહેલાં રૂઢિચુસ્ત રૂઢિવાદી ઓ એ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સત્યાગ્રહીઓ ઉપર હુમલો કર્યો જેમાં ઘણાં સત્યાગ્રહીઓ ઈજાગ્રસ્ત થયાં. પોતાના અધિકાર ની માંગણી સાથે સત્યાગ્રહ કરતાં નિશસ્ત્ર અસ્પૃશ્યો ઉપર નાં હુમલા એ ડૉ બાબા સાહેબ આંબેડકર ને હચમચાવી દીધાં અને બાબાસાહેબ આંબેડકરે ફોજદારી ફરિયાદ નોંધાવી જેનો ચુકાદો દસ વર્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકર ની તરફેણ માં આવ્યો.
પરંતુ હિન્દુ પરંપરા નું દુર્ભાગ્ય નહીં તો બીજું શું કહેવાય કે ચવદાર તળાવ માં અસ્પૃશ્ય સમુદાય નાં પ્રવેશ અને પાણી પીવાથી, અસ્પૃશ્યતા નાં કલંક થી પોષિત દ્રષ્ટીએ ચવદાર તળાવ અપવિત્ર થઈ ગયું એવું માનતા વર્ગે ચવદાર તળાવ નાં શુદ્ધિકરણ નું કાર્ય હાથ ધર્યું. પરંતુ જેમ લંકામાં રામભક્ત વિભિષણ હતા એવી જ રીતે આ ચવદાર તળાવ માં અસ્પૃશ્ય સમુદાય નાં પ્રવેશ અને પાણી પીવાથી હર્ષિત થયેલા અને શુદ્ધિકરણનાં અશાસ્ત્રીય કાર્ય થી વ્યથિત થઈ ઉઠેલા પ્રમુખ બ્રાહ્મણ આગેવાન પી.પી. જોષી જે બાપુરાવ નાં હુલામણા નામે ઓળખાતા હતા એમણે ચવદાર તળાવ માં સ્નાન કરી ને બ્રાહ્મણો દ્વારા તળાવ ની શુદ્ધિકરણ નાં અશાસ્ત્રીય ક્રિયા ને પડકારી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર નાં ચવદાર તળાવનો સત્યાગ્રહ સફળ થયો.
છેલ્લે ડૉ. બાબાસાહેબ આંબેડકર નું પ્રસિદ્ધ વાક્ય “We are Indian firstly and lastly” કહી મહામાનવ ને વંદન કરી આ સત્યાગ્રહના પ્રહરીઓને નમન કરીએ.