Spread the love

31 જાન્યુઆરી 1979 અનુસૂચિત સમાજનાં હિંદુઓનો સૌથી મોટો હત્યાકાંડ….

પૂર્વ ભૂમિકા ભારતનાં ભાગલા અને પૂર્વ પાકિસ્તાનની :બંગાળ ભારતીય ભૂમિ નું એવું સરનામું છે જ્યાં સ્વતંત્રતા નાં નરબંકાઓ, ધર્મ અને સમાજ સુધારકો ની ઉજ્જવળ પરંપરા રહી છે. બંગાળ નું નામ પડતાં જ સ્વામી વિવેકાનંદ, ગુરુ રામકૃષ્ણ પરમહંસ, રાજા રામમોહન રાય, જગદીશચંદ્ર બોઝ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ઠાકુર જેવા મહાનુભાવો ની છબી નજર સમક્ષ તરવરી ઉઠે. એક તરફ બંગાળની આ ઓળખ છે ત્યારે બીજી તરફ એક બીજી પણ ઓળખ છે અને તે લોહિયાળ છે, ભારત ભૂમિનાં ટુકડા કરવા હઠે ચઢેલા મહંમદઅલી જીન્નાહે આપેલાં ડાયરેક્ટ એક્શન નાં એલાનને જીન્નાહ નો પડ્યો બોલ ઝીલતાં બંગાળી મુસ્લિમોએ આપ્યો હતો અને બંગાળની ધરતી ભારતીયોનાં લોહીથી લથબથ થઈ ગઈ હતી, આ એજ બંગાળ છે અંગ્રેજોએ જેનાં એક વખત ભાગલા કરવાની કોશિશ કરી તો સમગ્ર દેશમાં સ્વતંત્રતાની હેલી ઉઠી હતી અને આ એ જ બંગાળ હતું જે ભારતનાં ભાગલાનો ત્રીજો હિસ્સો બન્યું હતું. ભાગલા બાદ બંગાળ પૂર્વ પાકિસ્તાન બન્યું જેમ પશ્ચિમ પાકિસ્તાનમાં બન્યું એવું જ કદાચ એનાં કરતાં પણ વધુ બિહામણું દ્રશ્ય પૂર્વ પાકિસ્તાન માં સર્જાયું હતું, ધર્મ આધારિત ભાગલાથી વસ્તીનું વિસ્થાપન થયું હતું જે હિંદુ પાકિસ્તાન છોડીને જે હાથમાં આવ્યું તે અથવા પહેરેલે કપડે ભારત આવવા રવાના થઈ ગયા તેમની રસ્તામાં જ કત્લેઆમ કરી નાખવાં આવ્યાં. પૂર્વ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈ ભારતમાં પશ્ચિમ બંગાળ આવવા નીકળી પડેલાં અનેક લોકો કદી ભારત પહોંચી જ શક્યા નહીં, અનેકોની તો લાશ પણ ના મળી. આ વાસ્તવિકતા જોતાં કેટલાય હિંદુઓએ પૂર્વ પાકિસ્તાનથી ભારત આવવાને બદલે ત્યાં જ સંતાઈ જઈને જીવન બચાવવું મુનાસિબ માન્યું અને પૂર્વ પાકિસ્તાનમાં રહી ગયા. ભાગલા બાદ પરિસ્થિતિ સહેજ થાળે પડતાં જ પૂર્વ પાકિસ્તાન માં પોતાનો જીવ બચાવવા રહી ગયેલાં હિંદુઓ જેમાં મોટાભાગના દલિતો હતાં એમણે ધીમે ધીમે ભારતમાં આવવાનું શરૂ કર્યું. જે સંપન્ન હતાં તે જલ્દી આવી ગયાં પરંતુ જેમની આર્થિક સ્થિતિ નબળી હતી તે પૂર્વ પાકિસ્તાન માં રહેવા વિવશ થયાં.આ તરફ સ્થિતિ સાવ જુદી જ બની રહી હતી. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બંને ભૌગોલિક રીતે તથા વસ્તીની દૃષ્ટિએ લગભગ સરખા હતાં પરંતુ પાકિસ્તાનની સત્તા પર પશ્ચિમ પાકિસ્તાનનો કબ્જો જામી ગયો. પશ્ચિમ પાકિસ્તાન સત્તાખોરોએ હવે પૂર્વ પાકિસ્તાન ઉપર દમન, શોષણ, ઉત્પિડન, દાદાગીરી શરૂ કરી. સત્તાનું કેન્દ્ર પશ્ચિમ પાકિસ્તાન હોવાથી પૂર્વ પાકિસ્તાનનું સ્થાન સત્તા, શાસન, સૈન્ય, વહીવટ જેવી બાબતોમાં સાવ નગણ્ય બની ગયું. એક તરફ પશ્ચિમ પાકિસ્તાનનું દમન, શોષણ ચાલુ હતું તો અન્ય બાજુ હિંદુઓનું ભારત તરફ પલાયન ચાલુ હતું. સાઈઠનો દશકો થતાં થતાં લાખો પૂર્વ પાકિસ્તાની વિસ્થાપિતો ભારતમાં આવી ગયાં.સિત્તેરનો દશકો પૂર્વ પાકિસ્તાન માટે નરકની વેદના લઈને જ જાણે આવ્યો. પશ્ચિમ પાકિસ્તાન સત્તાખોરોએ હવે આતંક, દમન, શોષણ, ઉત્પિડન સીમાઓ પાર કરવા માંડી હતી. પશ્ચિમ પાકિસ્તાન નાં સૈનિકો નો પૂર્વ પાકિસ્તાન ની સ્ત્રીઓ ઉપર બળાત્કાર રોજીંદી ઘટનાં બની ગઈ, પશ્ચિમ પાકિસ્તાનનાં દમનનો વિરોધ કરનારા ની હત્યા હવે સામાન્ય બની ગઈ. પશ્ચિમ પાકિસ્તાનનાં સૈન્ય નો આતંકનો કોરડો પૂર્વ પાકિસ્તાન ઉપર પૂરજોશમાં વિંઝાવા લાગ્યો. પશ્ચિમ પાકિસ્તાન નાં સૈન્યનાં દમન, શોષણ, ઉત્પિડન, દાદાગીરી, આતંક થી બચવા માટે ફરીથી પૂર્ણ પાકિસ્તાની ઓની વણઝાર ભારત તરફ આવવાની શરૂઆત થઈ. ઘુસણખોરી સામાન્ય બની ગઈ તો હિંદુઓ શરણાર્થીઓ બનીને આવવા લાગ્યા. પૂર્વ પાકિસ્તાનમાં જેમણે જીન્નાહ નાં પડ્યા બોલ ઝીલ્યા હતાં એવાં મુસ્લિમ બિરાદરો પણ પશ્ચિમ પાકિસ્તાનનાં દમનનો ભોગ બનવા માંડ્યાં અને દમન થી બચવા પૂર્ણ પાકિસ્તાની મુસ્લિમો ભારતમાં શરણ લેવા વિવશ કર્યાં ત્યારે ત્યાં હિંદુઓની સ્થિતિ કેવી હશે એ કલ્પના કંપારી છોડાવી દે તેવી છે. બધાં જ પહેરેલે કપડે ભારત તરફ ભાગ્યા.પશ્ચિમ પાકિસ્તાનનાં મુસ્લિમ સૈન્યનો પૂર્વ પાકિસ્તાન નાં મુસ્લિમો, હિંદુઓ ઉપર શયતાનને શરમાવે એવાં પિશાચી અત્યાચાર ગુજાર્યો હશે એની કલ્પના જ કરવી રહી. પશ્ચિમ પાકિસ્તાનનાં દમન તેની ચરમસીમા વટાવી રહ્યો હતો, ત્યારે શેખ મુજબીર રહેમાનનાં નેતૃત્વ હેઠળ મુક્તિવાહિની એ પશ્ચિમ પાકિસ્તાનનાં સૈન્યનો તથા એનાં પૈશાચી દમનનો વિરોધ શરૂ કર્યો. ભારતમાં કરોડો શરણાર્થીઓ આવી ચુક્યા હતા અને પીડિતો હજુ આવી રહ્યાં હતાં. ભારત માટે આ કરોડો શરણાર્થીઓ નો ભાર વહન કરવો અસહ્ય હતો.1971 માં ભારતે સૈન્ય પગલું ભર્યું અને પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનનાં દમન, શોષણ, ઉત્પિડન, અત્યાચારોમાંથી છોડાવી ને એક અલગ રાષ્ટ્ર બાંગ્લાદેશ નો વિશ્વનાં નકશા ઉપર આવિર્ભાવ કર્યો. લગભગ 93000 જેટલાં પશ્ચિમ પાકિસ્તાનનાં સૈનિકોએ ભારતીય સેના સમક્ષ નાલેશીભરી શરણાગતિ સ્વીકારી.બાંગ્લાદેશ નામનાં નવા રાષ્ટ્રની ધૂરા શેખ મુજબીર રહેમાને સંભાળી. શેખ મુજબીર રહેમાન નાં ત્રણેય દિકરાઓએ મુક્તિવાહીની નાં અદના સૈનિકો તથા સૈન્ય નાં વડા તરીકે બાંગ્લાદેશની મુક્તિ નાં સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આમ જોઈએ તો શેખ મુજબીર નાં સમગ્ર પરિવારે બાંગ્લાદેશની મુક્તિ માટે યુદ્ધ લડ્યુ હતું. બાંગ્લાદેશ ની મુક્તિ માટે દરેક બાંગ્લાદેશી બંગાળી હંમેશા શેખ મુજબીર રહેમાન અને તેમનાં પરિવારજનો નો ઋણી રહેશે. પરંતુ નવનિર્માણ પામેલાં બાંગ્લાદેશનાં શાંતિ, ભયમુક્ત અને અત્યાચાર મુક્ત બાંગ્લાદેશનું સ્વપ્ન માત્ર ચાર જ વર્ષનાં ટુંકા ગાળામાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતી અવામી લિગ અને સેનાએ શેખ મુજબીર રહેમાન અને તેમનાં બંને પુત્રો સહિત સમગ્ર પરિવારની તથા તેમની પાર્ટીના કાર્યકરોની બેરહેમીથી નિર્મમ હત્યા કરી નાખતા વિખરાઈ ગયું. શેખ મુજબીર રહેમાનની બે પુત્રીઓ શેખ હસીના તથા શેખ રેહાના જર્મની નાં પ્રવાસે હતી તેથી તે પોતાનો જીવ બચાવી શક્યાં.પૂર્વ પાકિસ્તાન જે હવે બાંગ્લાદેશ છે અને જે અખંડ ભારતમાં બંગાળ હતું તેનાં વિશે આ જાણકારી આવશ્યક હતી. મુખ્ય વિષય હવે આવી રહ્યો છે.”અનુસૂચિત જાતિના નામશૂદ્ર હિંદુઓની સતામણી, વિસ્થાપન અને ભારતમાં સ્થાપન”1947 માં ધર્મના આધારે ભારત ભૂમિનાં ટુકડા થયાં ત્યારે વસ્તી નું સૌથી મોટું સ્થળાંતર થયું. લાખો લોકો પૂર્વ પાકિસ્તાન (હાલનાં બાંગ્લાદેશ) માંથી ભારતમાં વિસ્થાપિત થઈને આવવાની શરૂઆત થઈ. પૂર્વ પાકિસ્તાનમાં એક મંત્રી શ્રી જોગેન્દ્રનાથ મંડલે સુરક્ષા ની ખાતરી આપતાં ઘણાં લોકો ખાસ કરીને અનુસૂચિત જાતિના નામશૂદ્ર લોકો પાકિસ્તાનમાં રોકાઈ ગયા. પરંતુ આવતાં સુધીમાં ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ ગઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નો અસહ્ય ભાવવધારો, ખુલના અને જેસૌર માં નાનાં પાયે શરૂ થયેલાં કોમી રમખાણો તથા કટ્ટરવાદી હુલ્લડખોરો તરફથી સતત ધાકધમકીઓ મળવાની શરૂ થતા સામાન્ય જીવન દોહ્યલું બનવા માંડ્યું. 1947નાં બિહામણાં કત્લેઆમને સગી આંખે જોયો હતો અને ફરીથી એવો કત્લેઆમ થઈ શકે ભયના ઓથાર હેઠળ પૂર્વ પાકિસ્તાનથી અનુસૂચિત જાતિના નામશૂદ્ર અને પાઉન્ડ્રો ક્ષત્રિયોએ ભારત તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી. શરૂઆતમાં નાનાં જૂથોમાં આવતાં અન્ય વિસ્થાપિતો ની સાથે સાથે નામશૂદ્રોની સંખ્યા વધવા માંડી. પશ્ચિમ બંગાળ ની સરકારે વિસ્થાપિતોને પોતાનાં રાજ્યમાં રાખવાં આનાકાની કરવાની શરૂઆત કરી. 1956 સુધી ભારત સરકારે દંડકારણ્ય પુનર્વસન યોજના વિશે વિચાર કરતાં દંડકારણ્ય વિકાસ ઑથોરીટી ની સ્થાપના કરી. દંડકારણ્ય એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન આવેલાં હતાં. દંડકારણ્ય ભૌગોલિક રીતે ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં ફેલાયેલો વનવિસ્તાર છે જેમાં ભીલ, ગોંડ અને બોંડા જેવાં વનવાસી લોકો પહેલાં થી જ વસેલાં હતાં. ગીચ જંગલો, કાંપવાળી પથ્થરો ધરાવતી જમીન, અસમાન અને પુષ્કળ વરસાદ જેવાં વિસ્તારમાં પૂર્વ પાકિસ્તાનથી ભારત આવેલાં વિસ્થાપિતો જેમાં મોટો ભાગનાં નામશૂદ્ર હિંદુ દલિતો હતાં વસાવવાનો નિર્ણય લેવાયો. નિષ્ણાતોના મતે આ જગ્યાએ વિસ્થાપિતોને વસાવવા એટલે એમને મૃત્યુ તરફ ધકેલવા બરાબર હતું પરંતુ સમજવું, સાંભળવું કે વિચારવું જોઈએ એવું સત્તાધીશો ને જરૂરી લાગ્યું નહીં. અંતે દંડકારણ્ય વિકાસ ઑથોરીટી એ લગભગ 10000 નામશૂદ્ર હિંદુ દલિત પરિવાર દંડકારણ્ય માં વસાવવામાં આવ્યા.1975 સુધી પૂર્વ પાકિસ્તાનથી પ્રતાડિત થઈને ભારતમાં આવેલાં અનુસૂચિત જાતિના લગભગ દોઢેક લાખ હિંદુ વિસ્થાપિતોને તત્કાલીન પશ્ચિમ બંગાળની સામ્યવાદી ડાબેરી વિચારધારા ધરાવતી સરકારે પોતાને ત્યાં આશરો આપવાનું નકારી દેતાં વનવાસીઓ માટે સંરક્ષિત એવાં દંડકારણ્ય કે જ્યાં માણસોને વસાવવા એટલે મોતનાં મુખમાં ધકેલવા બરાબર હતું છતાં ભારત સરકારે વસાવી દીધાં. પૂર્વ પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત સમાજનાં વિસ્થાપિતો સરકાર જ્યાં વસવાટ આપે ત્યાં વસવા વિવશ હતાં એમની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી હતી ઉપર આભ અને નીચે ધરતી.પૂર્વ પાકિસ્તાનમાં પ્રતાડિત થઈ આવેલાં વિસ્થાપિત નામશૂદ્ર અનુસૂચિત જાતિના હિંદુઓની વિટંબણાઓ પાર વિનાની હતી, ભારત સરકારે અતિ ઉત્સાહમાં આવીને વસાવી તો દીધાં પરંતુ પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ઉદાસિન રહી. વિજળીની પૂરતી સુવિધા નહોતી, પીવા લાયક પાણીની સતત અછત વર્તાતી હતી, તબીબી સેવાઓનું કોઈ જ ઠેકાણું નહોતું, જીવન નિર્વાહ કરવા જેટલી સુવિધાઓ નહોતી પરિણામસ્વરૂપ બાળકોનાં મૃત્યુ થવાની ઘટના સામાન્ય બનવા માંડી, રોગચાળો ફેલાયો. પોતાનાં ઘરબાર છોડીને પહેરેલાં કપડે ભારત આવેલાં અનુસૂચિત જાતિના નામશૂદ્ર હિંદુ વિસ્થાપિતો ની તકલીફો પાર વગરની હતી પરંતુ હજુ વિકરાળ સ્થિતિનો સામનો એમણે કરવાનો બાકી હતો.અચાનક જ પશ્ચિમ બંગાળ ની સામ્યવાદી સરકારે પોતાનો વિચાર બદલ્યો અને અનુસૂચિત જાતિના નામશૂદ્ર હિંદુઓને બંગાળમાં વસાવવાની તૈયારી કરી. જુન, 1977મા પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકાર નાં મંત્રી શ્રીરામ ચેટરજીએ જાતે દંડકારણ્યમાં વસવાટ કરતાં શરણાર્થીઓ ની મુલાકાત લીધી અને તેમનાં આગેવાનોને પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં વસવા માટે સમજાવ્યાં.દંડકારણ્યમા વસવાટ કરતાં મોટાભાગના શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ સરકારનાં પ્રસ્તાવ ની વિરુદ્ધ દંડકારણ્યમાં જ રહેવાનું નક્કી કરી ચુક્યા હતાં. સામાન્ય કોઈપણ વ્યક્તિ હંમેશા પોતાની માતૃભાષા પ્રત્યે લાગણી ધરાવતા હોય છે, પૂર્વ પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત સમાજનાં હિંદુઓની માતૃભાષા પણ બંગાળી જ હતી અને પશ્ચિમ બંગાળમાં પોતાની માતૃભાષા બંગાળી સાથે રહેવાનું લગભગ 60000 થી 70000 લોકોએ નક્કી કર્યું. 1978 માર્ચ એપ્રિલ આવતાં સુધીમાં વિસ્થાપિતો એ પોતાની પાસે જે કંઈ બચ્યું હતું, સામાન, સંપત્તિ વેચીને બંગાળ જવા માટે નાણાં ઊભા કર્યા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યાં.હવે આ અનુસૂચિત સમાજ નાં હિંદુઓ ખરાં અર્થમાં હાથેપગે થઈ ગયાં હતાં.અહીં સુધી એવું સમજી શકાય કે બધું બરાબર નહોતું છતાં સાવ ખરાબ પણ નહોતું પરંતુ આ તો સામ્યવાદી, ડાબેરી વિચારધારાની સરકાર, સામ્યવાદીઓ વિચારે એ કહે નહીં અને જે કહે તે કરે નહીં. પશ્ચિમ બંગાળની સામ્યવાદી, ડાબેરીની નીતિઓ અચાનક જ બદલાઈ ગઈ. એકહથ્થુ શાસન પ્રણાલી ને માનતી સામ્યવાદી સરકાર એવું ઈચ્છતી હતી કે દંડકારણ્ય નાં શરણાર્થીઓ જે ઉદવસ્તુ ઉન્નયનશિલ સમિતિ નાં નેજા હેઠળ સંગઠિત થયેલાં છે એ સંગઠન માર્કસવાદી સામ્યવાદી પક્ષનાં શરણાર્થીઓનાં સંગઠન યુનાઈટેડ સેન્ટ્રલ રીફ્યુજી કાઉન્સિલમાં ભળી જાય પરંતુ નામશૂદ્ર હિંદુઓએ આ વાત સ્વીકારી નહીં અને ઠુકરાવી દીધી. પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારની બદલાયેલી નીતિ પાછળ આ પણ એક કારણ હોઈ શકે છે. હવે પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકાર એવું કહેવા લાગી કે શરણાર્થીઓ ની સમસ્યા એ રાષ્ટ્રની સમસ્યા છે જેની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી થવી જોઈએ.પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારની બદલાયેલી નીતિ હેઠળ હવે અનુસૂચિત સમાજ નાં નામશૂદ્ર હિંદુઓને પાછાં દંડકારણ્યમાં જવાનું ફરમાન કરવા લાગી, તેમને પશ્ચિમ બંગાળમાં શરણ આપવાની વાત નકારી દેવામાં આવી, અનેક નામશૂદ્રોને બળજબરીપૂર્વક પશ્ચિમ બંગાળની બહાર ખદેડી મુકવામાં આવ્યાં. પૂર્વ પાકિસ્તાનમાં પોતાનું સર્વસ્વ મુકીને આવેલાં અને દંડકારણ્યથી પશ્ચિમ બંગાળ આવવા માટે બચ્યું હતું એ પણ વેચી નાંખનારા અનુસૂચિત સમાજ નાં નામશૂદ્ર હિંદુઓની સ્થિતિ દયનીય બની ગઈ હતી પરંતુ એમની તરફ જોવાની કોઈ ને ચિંતા હતી નહીં.આ દરમિયાન ઉદવસ્તુ ઉન્નયનશિલ સમિતિ નાં અધ્યક્ષ સતિષ મંડલના નેતૃત્વ હેઠળ સરકાર પાસે મરિચઝાંપી ટાપુ ઉપર વસવાટ કરવાની પરવાનગી એવી બાંહેધરી આપી ને માંગી કે શરણાર્થીઓ કોઈ જ સરકારી સહાય માંગશે નહીં, લગભગ 4000 થી 10000 જેટલાં નામશૂદ્ર પરિવાર સુંદરવનમાં આવેલાં મરિચઝાંપી ટાપુ ઉપર વસવાટ કરવા પહોંચી ગયા. અનુસૂચિત સમાજ નાં નામશૂદ્ર હિંદુઓની કઠણાઈ ની અને અમાનવીય, અત્યાચારી, હત્યારી એવી સામ્યવાદી વિચારધારાની હવે શરૂઆત થઈ હતી.મરિચઝાંપી એ ખરેખર તો ટાપુ નહીં પરંતુ મેન્ગ્રુવ નું વન હતું. સામ્યવાદી સરકારે હવે પાછા નહીં ફરવાનું નક્કી કરી લીધું હતું. પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારની ક્રુરતા હવે સપાટી ઉપર આવી ગઈ અને મરિચઝાંપી ને આરક્ષિત જંગલ વિસ્તાર જાહેર કરી દીધો અને શરણાર્થીઓને જંગલ સુરક્ષા નાં કાયદાનું ઉલ્લંઘન કરનારાં તથા હાલની તથા ભવિષ્યની ધનસંપત્તિ નો નાશ કરીને પર્યાવરણ માં અસંતુલન ઊભું કરનારાં તત્ત્વો જાહેર કરી દીધાં.ડિસેમ્બર મહિનો આવતાં સુધીમાં સામ્યવાદી, ડાબેરીઓ પોતાનાં અસલી લોહી તરસ્યાં રાક્ષસી સ્વરૂપમાં આવી ગયાં અને મરિચઝાંપી ટાપુ કે જ્યાં અનુસૂચિત સમાજ નાં નામશૂદ્ર હિંદુ શરણાર્થીઓ રહેતાં હતાં એને પોલીસ દ્વારા ચારે બાજુ થી ઘેરીને જડબેસલાક નાકાબંધી કરી દીધી. ખાવા, પીવાની ચીજો અને દવાઓ વગર ટાપુના રહેવાસીઓ ટળવળવા માંડ્યા પરંતુ લોહી તરસ્યાં રાક્ષસને વળી દયા ક્યાંથી આવે ?જાન્યુઆરી મહિનો આવતાં સુધીમાં અનુસૂચિત સમાજ નાં નામશૂદ્ર હિંદુઓની સ્થિતિ અત્યંત કથળવા માંડી. પીવાનાં પાણી અને ખાવાની વસ્તુઓ નાં સાંસા પડવા લાગ્યાં. અનેક બાળકો ભૂખથી તરફડી ને મરી ગયાં તો અનેક લોકો બિમારી ને કારણે દવા નાં મળવાથી રામશરણ થયાં. પરંતુ નિષ્ઠુર, અમાનવીય પશ્ચિમ બંગાળની સામ્યવાદી ડાબેરી સરકાર નાં પેટનું પાણી પણ હાલતું નહોતું.સત્તા પર આવે એટલે પ્રદેશ ને લોખંડી પરદા પાછળ ઢાંકી દેવાની માનસિકતા ધરાવતા સામ્યવાદી, ડાબેરી, વામપંથીઓએ મરિચઝાંપી નાં સમાચાર બહાર નાં આવે એનો પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો છતાં કોઈ માનવતા નાં પૂજારી નાં ધ્યાનમાં આ ઘટના આવતાં કલકત્તા (હાલનું કોલકાતા) ઉચ્ચ ન્યાયાલયમાં રાવ નાંખી. કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો કે મરિચઝાંપી ટાપુ ઉપર વસવાટ કરતાં લોકો માટે પીવાના પાણી, ખોરાક અને દવાઓ પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે આપેલાં આદેશને પણ પશ્ચિમ બંગાળની સામ્યવાદી ડાબેરી સરકાર ઘોળીને પી ગઈ.અનુસૂચિત સમાજ નાં કાયદેસર નાં શરણાર્થીઓ એવાં નામશૂદ્ર હિંદુઓની સ્થિતિ મરિચઝાંપી ટાપુ પર બદ થી બદતર થતી જતી હતી. સ્વતંત્ર ભારતના આ કાયદેસર નાં શરણાર્થીઓ પોતાનાં તથા પોતાના આપ્તજનોની અને પોતાના ધર્મની રક્ષા કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતાં. જેમ તેમ કરીને ટકી રહેલાં લોકો ભૂખ અને તરસથી મરવા માંડયા હતા. બાળકો અને વૃદ્ધો ની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી પરંતુ રક્તપિપાસુ વામપંથીઓને પરવા નહોતી.31 જાન્યુઆરી 1979નો સૂરજ અનુસૂચિત સમાજનાં નામશૂદ્ર હિંદુઓ માટે ગોઝારો બનીને ઉગ્યો. આજે સુરજની લાલી માં નામશૂદ્ર હિંદુઓનાં લોહી ની ટશરો સ્પષ્ટ દેખાઈ રહી હતી. શોષિત, પિડીત, દલિતો ની રક્તપિપાસુ સામ્યવાદી વિચારધારા હવે રાક્ષસી સ્વરૂપમાં આવી હતી.31 જાન્યુઆરી 1979 નાં દિવસે વર્તુળાકાર ધરાવતા મરિચઝાંપી ટાપુને હથિયારબંધ પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો અને કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યાં વગર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. પરધર્મી થી પ્રતાડિત થઈ સ્વધર્મ તરફ પરત ફરેલા અને લોહી તરસ્યાં સામ્યવાદી અત્યાચારો સહન કરીને પણ સ્વધર્મ ને બચાવી રાખનારા અનુસૂચિત સમાજનાં અનેક નામશૂદ્ર હિંદુઓ વામપંથી નર્કાગારમાંથી હંમેશ માટે છુટકારો મેળવી રામશરણ થયાં. કેટલાંય લોકો ગંગાસાગરમાં કુદીને છુટકારો મેળવી લીધો.મૃતકોનો સાચો આંકડો તો કદી બહાર નાં આવ્યો પરંતુ ઓછામાં ઓછાં 1700 લોકો મોતને ભેટયા હતાં એવો અંદાજ કેટલાક લોકો એ લગાવ્યો.અંગ્રેજોના જલિયાંવાલા બાગ હત્યાકાંડ ની યાદ અપાવી દે એવો આ સામુહિક નરસંહાર, અમાનવીય અત્યાચાર સહન કરીને પણ સ્વધર્મ અને માતૃભાષાને વળગી રહ્યાં આ નામશૂદ્ર હિંદુઓ. આખરે કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના આદેશથી શાંતિની સ્થાપના થઈ.ઝેરીલા, અમાનવીય, રક્તપિપાસુ સામ્યવાદીઓ ને હજી કળ વળી નહોતી નામશૂદ્ર હિંદુઓ એમને આંખમાં કણાની જેમ ખટક્યા કરતાં હતાં. છેવટે આ રક્તપિપાસુ સામ્યવાદીઓએ ફરીથી પોતાના રાક્ષસી અત્યાચારો શરૂ કર્યાં.આખરે વામપંથી રક્તપિપાસા કાયદેસર નાં શરણાર્થી નામશૂદ્ર હિંદુઓની ઉપર ત્રાટકી અને તારીખ 14 જૂન 1979 નાં દિવસે લોહીતરસ્યુ વામપંથી, ડાબેરી તંત્ર નામશૂદ્રો ઉપર અમાનુષી રીતે તુટી પડ્યું અને તેમને ફરીથી દંડકારણ્ય માં ખદેડી મુકીને જ ઝંપ્યુ.સમગ્ર ઘટનાક્રમમાં મૃતકોની સંખ્યા અેક અંદાજ મુજબ લગભગ 8000 થી 10000 હોઈ શકે છે. જોકે સાચો આંકડો તો સામ્યવાદી લોખંડી પર્દા નીચે દબાઈ ગયો છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.