Spread the love

પ્રાચીનકાળથી લઇને મુઘલકાળ સુધીનો ઈતિહાસ

  • હિમાદ્રી આચાર્ય દવે

ઇ.સ.1527-28 બાબરના સેનાપતિ મીરબાંકીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં મંદિરને તોડી પાડ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં 77 થી વધુ યુદ્ધો અને સેંકડો રમખાણો થયા. રામજન્મભૂમિ, સુપ્રીમ કોર્ટમાં સૌથી લાંબો ચાલેલો વિવાદ અને સૌથી લાંબો ચાલ્યો હોય એવો બીજો કેસ. કોર્ટની કારવાહીમાં લગભગ દસ લાખ પાના આજ સુધી વપરાયા. ચાલીસ દિવસની સુનાવણી, અનેક ઐતિહાસિક તેમજ પુરાતત્વિય સાક્ષ્યોના અંતે અહીં રામજન્મભૂમિ અને મંદિર હોવાનું કાયદેસર સાબિત થયું અને હવે બાવીસમી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ વાતો આપને જાણવી ગમશે

અયોધ્યા: અયોધ્યાનો અર્થ છે, જેને જીતી ન શકાય એ.
ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ અયોધ્યાની પવિત્ર ભૂમિ પર થયો હતો. અયોધ્યા નગરી, જેણે ત્રેતાયુગથી કળિયુગ સુધી પોતાની ઓળખ બનાવી, અથર્વવેદમાં ભગવાનની નગરી તરીકે વર્ણવવામાં આવી છે. આ પવિત્ર શહેરની નજીક સરયુ નદી વહે છે જ્યાં શ્રી રામ પોતાનું માનવ સ્વરૂપ છોડીને વૈકુંઠ વિશ્વ તરફ પ્રયાણ કર્યું હતું.

ભારતીય પૌરાણિક પરંપરામાં સાત પવિત્ર નગરીઓમાં અયોધ્યાની ગણના થાય છે.

अयोध्या-मथुरामायाकाशीकांचीत्वन्तिका, पुरी द्वारावतीचैव सप्तैते मोक्षदायिकाः।

અયોધ્યા, મથુરા, માયા એટલે કે હરિદ્વાર, કાશી, કાંચીપુરમ, અવંતિકા એટલે કે ઉજ્જૈન, દ્વારકાપુરી, આ સાત પવિત્ર પુરી એટલે કે શહેરો મોક્ષ આપનાર છે.

ૠષિ વાલ્મિકી અયોધ્યાનું વર્ણન કરતાં કહે છે કે,
अयोध्या नाम नगरी तत्रासील्लोकविश्रुता ।
मनुना मानवेन्द्रेण या पुरी निर्मिता स्वयम् ।
आयता दश च द्वे च योजनानि महापुरी ।
श्रीमती त्रीणि विस्तीर्णा सुविभक्तमहापथा ।।
राजमार्गेण महता सुविभक्तेन शोभिता ।
मुक्तपुष्पावकीर्णेन जलसिक्तेन नित्यश:

કોસલ નામના દેશમાં, પુરુષોના સ્વામી મનુ દ્વારા બંધાયેલ અયોધ્યા, પ્રખ્યાત રાજધાની છે. આ સુંદર અને સમૃદ્ધ અયોધ્યા શહેર બાર યોજન લાંબુ અને ત્રણ યોજન પહોળું છે, જેમાં સુશોભિત રસ્તાઓ છે.

ત્રેતાયુગના ચોથા તબક્કામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ અયોધ્યાની આ પવિત્ર ભૂમિ પર જન્મ લીધો હતો. શ્રી રામચંદ્રજીના જન્મ સમયે આ સ્થાન સુવર્ણ તેમજ તમામ પ્રકારની સુખ-સુવિધાઓથી ભરપૂર વિશાળ રાજમહેલના રૂપમાં હતું. મહર્ષિ વાલ્મીકિએ પણ રામાયણમાં અયોધ્યા, રામ જન્મસ્થળની આ નગરીની સુંદરતા અને મહત્તાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. વાલ્મીકિની રામાયણમાં ધનધાન્ય અને રત્નોથી સમન્વિત ભરપૂર અયોધ્યા નગરીની અજોડ સુંદરતા અને અયોધ્યા નગરીમાં ગગનચુંબી ઈમારતોની હાજરીનું પણ વર્ણન છે.

ભગવાન શ્રી રામના નિર્વાણ પછી અયોધ્યા પહેલા જેવી ન રહી પરંતુ જન્મભૂમિ સુરક્ષિત રહી. ભગવાન શ્રી રામના પુત્ર કુશે ફરી એકવાર રાજધાની અયોધ્યાનું પુનઃનિર્માણ કર્યું અને રામનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ નગરી તેમજ મંદિરનું અસ્તિત્વ સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી એટલે કે મહારાજા બૃહદ્રથ સુધી તેની ટોચ પર રહ્યું. કૌશલરાજ બૃહદબલ મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના હાથે મૃત્યુ પામ્યા હતા. મહાભારતના યુદ્ધ પછી અયોધ્યાનો વૈભવ ઘટતો ગયો પરંતુ રામની જન્મભૂમિનું અસ્તિત્વ અને વૈભવ ટકી રહ્યો હતો.

●મહારાજા વિક્રમાદિત્ય દ્વારા પુનઃનિર્માણ:

ઇતિહાસ એવું દર્શાવે છે કે ઈ. પૂ. લગભગ છએક દશક પૂર્વે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય શિકાર કરતા અયોધ્યા આવી ચડયા. થાકને કારણે તેઓ અયોધ્યામાં સરયૂ નદીના કિનારે આંબાના વૃક્ષ નીચે આરામ કરતા હતા. તે જ સમયે, દૈવી પ્રેરણાથી, તેઓ તીર્થરાજ પ્રયાગને મળ્યા. તીર્થરાજ પ્રયાગે સમ્રાટ વિક્રમાદિત્યને અયોધ્યા અને સરયુના મહત્વ વિશે જણાવ્યું અને નષ્ટ થઈ ગયેલી રામજન્મભૂમીનો ઉદ્ધાર કરવા કહ્યું. રાજા વિક્રમાદિત્યએ કહ્યું કે, મહારાજ અયોધ્યા તો નષ્ટપ્રાય થઈ ચુકી છે. માત્ર માટીના ટેકરા અને સ્તૂપ જ બચ્યા છે. તો, અયોધ્યા શહેર ક્યાંથી શરૂ થાય છે, તેનું ક્ષેત્રફળ કેટલું અને કઈ જગ્યાએ કયુ તીર્થસ્થાન છે તો એ બધાં વિશે મને કેવી રીતે ખબર પડશે?

વિક્રમાદિત્યની શંકાનું નિવારણ કરતા તીર્થરાજ પ્રયાગે રામજન્મભૂમિ અંગે ચોક્કસ સ્થળ શોધવામાં માર્ગદર્શન કર્યું હતું તે સ્થાન પર મહારાજા વિક્રમાદિત્યએ શ્રી રામ જન્મભૂમિનું ભવ્ય મંદિર બનાવ્યું.

ત્યારબાદ, ઈ.સ.ની અગિયારમી સદીમાં કનૌજના રાજા જયચંદે સમ્રાટ વિક્રમાદિત્યની પ્રશસ્તી સમક્ષ મંદિર પર પોતાનું નામ લખાવ્યું. પાણીપતનાં યુદ્ધ પછી, જયચંદ પણ મૃત્યુ પામ્યો અને ઈસ્લામિક લૂંટારા દ્વારા ભારત પર આક્રમણ શરુ થયા. ઈસ્લામિક આક્રંતા દ્વારા વારંવાર આ મંદિરને લુંટવામાં આવ્યું. પુજારીઓની હત્યા પણ થતી રહી. અલબત્ત, મંદિરની મૂર્તિઓ હટાવવામાં કે મંદિર તોડવામાં તેઓ સફળ નહોતા થયા. વિવિધ આક્રમણોનો સામનો કરતા કરતા શ્રી રામનું જન્મસ્થળ 14મી સદી સુધી આ તોફાનોથી બચી રહ્યું હતુ.

ત્યારબાદ બાબરે, (બાબર જ. 14 ફેબ્રુઆરી 1483, અંદિજાન, ફરઘાના, મધ્ય એશિયા; અ. 26 ડિસેમ્બર 1530, આગ્રા) 1519 થી 1526 વચ્ચે ભારત પર પાંચ વાર આક્રમણ કર્યા. અને અંતે 1526માં, તેણે પાણીપતના મેદાનમાં દિલ્હી સલ્તનતના છેલ્લા સુલતાન ઈબ્રાહિમ લોદીને હરાવીને મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. અને તે પછી તેણે રામજન્મભૂમિ અને અયોધ્યાને તેમજ સનાતન ધર્મના પ્રતીક સ્તંભોને બળજબરીથી સંપૂર્ણપણે ઇસ્લામિક ઢાંચામાં ઢાળવાના, ઈસ્લામિક બંધારણમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કર્યા.

બાબર દિલ્હીનો બાદશાહ બન્યો તે સમયે રામ જન્મસ્થળ મહાત્મા શ્યામાનંદજી મહારાજના અધિકારક્ષેત્ર હેઠળ હતું. મહાત્મા શ્યામાનંદ એક ખૂબ જ પ્રખ્યાત સિદ્ધ મહાત્મા હતા. તેમની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી અને હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતો અનુસાર મહાત્મા શ્યામાનંદે કોઈની સાથે ભેદભાવ નહોતા રાખતા. અહીં એક વાત નોંધવા જેવી છે કે જ્યારે પણ હિંદુ લોકોએ સમભાવ અને ઉદારતા દાખવી છે ત્યારે ભાવિ પેઢીએ તેનું પરિણામ ભોગવવું પડ્યું છે.

મહાત્મા શ્યામાનંદની ખ્યાતિ સાંભળીને ખ્વાજા કજલ અબ્બાસ મુસા આશિકન અયોધ્યા આવ્યા અને મહાત્મા શ્રી મહાત્મા શ્યામાનંદના ભક્ત શિષ્ય બન્યા. ખ્વાજા કજલ અબ્બાસ મુસાએ રામજન્મભૂમિનો ઈતિહાસ અને પ્રભાવ જાણ્યો અને જન્મભૂમિમાં તેમની શ્રદ્ધા ગાઢ બની. મહાત્મા શ્યામાનંદના માર્ગદર્શન હેઠળ ખ્વાજા કજલ અબ્બાસ મુસાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને તેમનું નામ પણ મહાત્મા શ્યામાનંદના પ્રસિદ્ધ શિષ્યોમાં લેવાનું શરૂ થયું. આ સાંભળીને જલાલશાહ નામનો એક ફકીર પણ મહાત્મા શ્યમાનંદના માર્ગદર્શનમાં આવ્યો અને સિદ્ધિ મેળવવા માટે ખ્વાજાની જેમ અનુષ્ઠાન કરવા લાગ્યો.

પણ જલાલ શાહ કટ્ટરવાદી હતો અને તેને એક જ જુસ્સો હતો, સર્વત્ર ઇસ્લામની સર્વોપરિતા સાબિત કરવાનો. રામ જન્મસ્થળનો મહિમા અને પ્રભાવ જોઈને આ સ્થાનને ખુર્દ મક્કા અથવા નાના મક્કા તરીકે સ્થાપિત કરવાની લાલસા તેના મનમાં જાગી. જલાલ શાહે ખ્વાજા કજલ અબ્બાસ મુસા સાથે મળીને વિચાર્યું કે જો આ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવે તો આપણને મહાત્મા શ્યામાનંદનું સ્થાન મળશે અને અયોધ્યાનું જન્મસ્થળ ભારતમાં હિન્દુ આસ્થાનું પ્રતિક હોવાથી જો ત્યાં મસ્જિદ બનાવવામાં આવે તો ઈસ્લામિક પરચમને ભારતમાં માન્યતા મળી જશે. જલાલ શાહ અને ખ્વાજા કજલ અબ્બાસ મૂસાએ ષડયંત્રને અંજામ આપવાની તૈયારી શરૂ કરી.

તે સમયનું રાજનૈતિક વાતવરણ જોઈએ તો, મહારાણા સંગ્રામ સિંહ ચિત્તોડગઢની ગાદી પર રાજ કરી રહ્યા હતા. સંગ્રામસિંહને રાણાસાંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગરા નજીક ફતેહપુર સીકરીમાં બાબર અને રાણાસાંગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં બાબર બહુ ખરાબ રીતે ઘાયલ થયો અને ભાગીને અયોધ્યામાં જલાલશાહમાં આશરો લીધો (આ સમયે જલાલશાહ અને ખ્વાજા કજલ અબ્બાસ મુસાનો પ્રભાવ આજુબાજુના વિસ્તારોમાં મહાત્મા શ્યામાનંદના સિદ્ધ સાધકો તરીકે સ્થાપિત થઈ ચૂક્યો હતો). હવે, આશરે આવેલા બાબરને જલાલ શાહે પ્રભાવિત કર્યો. બાબરને લડવા માટે પ્રોત્સાહિત કરી જીતના આશીર્વાદ આપ્યા. કહેવાય છે કે બાબરે તેના 6 લાખ સૈનિકોની સેના સાથે 30 હજાર સૈનિકોની રાણાસાંગાની સેના પર હુમલો કર્યો અને આ યુદ્ધમાં રાણાસાંગાનો પરાજય થયો.

ત્યારબાદ જલાલશાહે બાબરને ઈસ્લામની સર્વોચ્ચતા સ્થાપવા અંગેની તેની યોજના વિશે જણાવ્યું અને તેમાં ખ્વાજા કજલ અબ્બાસ મુસાના સમર્થનની વાત કરી. બાબરે તેના મંત્રી મીરબાંકી ખાનને આ કામ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. એ બાદ જલાલ શાહે અયોધ્યાને ખુર્દ મક્કા તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોને આગળ ધપાવવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ, પ્રાચીન ઈસ્લામિક શૈલીની લાંબી લાંબી કબરો, દરગાહ બનાવવામાં આવી, મુસ્લિમોના મૃતદેહો દૂર-દૂરથી અયોધ્યા આવવા લાગ્યા. આ સમાચાર ભારતભરમાં ફેલાઈ ગયા અને ભગવાન રામની અયોધ્યાને ખુર્દમક્કા બનાવવા માટે દરગાહોથી ભરી દેવામાં આવી. આજે પણ તેમાંની કેટલીક દરગાહ અયોધ્યા નરેશના મહેલની પાસે કબરો અથવા મજારના રૂપમાં જોવા મળે છે.

જલાલ શાહે મીરબાંકી ખાન દ્વારા મંદિર તોડી પાડવાના ષડયંત્રને અમલમાં મૂક્યું. જેમાં ખ્વાજા કજલ અબ્બાસ મુસાએ પણ ભાગ લીધો. કહેવાય છે કે બાબા શ્યામાનંદજી તેમના મુસ્લિમ શિષ્યોની હરકતો જોઈને ખૂબ જ દુઃખી થયા અને તેમના નિર્ણય પર પસ્તાવો થયો. ભગવાનના મંદિરને તોડી પાડવાની યોજનાના એક દિવસ પહેલા, દુઃખી મનથી બાબા શ્યમાનંદજીએ સરયુમાં રામલલાની મૂર્તિઓ તરતી મૂકી અને પોતે હિમાલય ભણી ચાલ્યા ગયા. મંદિરના પૂજારીઓએ મંદિરમાંથી અન્ય પૂજા સામગ્રી-વસ્તુઓ હટાવી મંદિરના દરવાજે ઉભા રહીને કહ્યું કે અમારા મૃત્યુ પછી જ રામલલાના મંદિરમાં કોઈ પ્રવેશ કરશે. જલાલ શાહના આદેશ મુજબ એ ચારેય પૂજારીઓના માથા કાપી નાખવામાં આવ્યા. તેના કારણે જનાક્રોશ ભડકી ઉઠ્યો અને દેશભરના હિંદુઓ રામજન્મભૂમિની ઢાલ બનીને ઊભા રહ્યા.

આમ, રામ જન્મસ્થળ પર બનેલું મંદિર તોડી પાડવામાં આવ્યું અને મંદિરના પાયા અને મંદિર નિર્માણ માટેની સામગ્રી વડે જ મસ્જિદનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. ઇતિહાસકારો નોંધે છે કે મસ્જિદ બાંધકામમાં કોઈને કોઈ વિઘ્ન આવતાં રહેતા અને કામ પૂર્ણ થતું નહોતું. આખરે બાબરે હિંદુ સાધુ સંતોને વિશ્વાસમાં લઈને સાધુઓના કહેવા પ્રમાણે વચલો રસ્તો કાઢ્યો.

હિંદુ મહાત્માઓએ જન્મસ્થળને બચાવવાનો આખરી પ્રયાસરુપે સુચવ્યું કે આ ભૂમિને પૂર્ણરૂપે મસ્જિદમાં રૂપાંતર કરવાને બદલે અહીં કેટલાક વધુ ફેરફારો કરો. તેને સીતાજી (અરબીમાં સીતા પાક, જેને સીતા રસોઈ કહે છે તે.)ના નામથી બનાવડાવો. હિંદુ મહાત્માઓને સ્તોત્ર-ભજન- કીર્તન -પાઠ વાંચવાની સ્વતંત્રતા આપો. અલબત્ત, જલાલશાહ મસ્જિદ બનાવવાની વાત પર અડગ હતો.

બાબરના મંદિરને તોડી પાડવાના નિર્ણયની પ્રતિક્રિયાના પુરાવા ઈતિહાસમાં કોઈ એક જગ્યાએ સંકલિત જોવા મળતા નથી. તેનું કારણ એ કે ત્યાર પછીનો મોટા ભાગનો ઈતિહાસ મુઘલો અનુસાર લખાયો હતો. મુઘલ કાળના ગેઝેટ અને દસ્તાવેજો અને અન્ય સ્રોત દ્વારા બહાર આવેલી કેટલીક બાબતો નીચે મુજબ છે.

● જલાલશાહના આદેશથી થયેલાં આક્રમણોમાં હુમલાખોરોની ઘોર બર્બરતાનો ઉલ્લેખ સંત તુલસીદાસજીએ તેમના ‘તુલસી દોહા શતક’માં કર્યો છે.
तुलसी अवधहिं जड़ जवन अनरथ किए अनखानि।
राम जनम महि मन्दिरहिं तोरि मसीत बनाय॥

● ઇતિહાસકાર કનિંઘમ તેના લખનૌ ગેઝેટિયરના 66મા અંકના પાનાં નંબર 3 પર લખે છે કે એક લાખ ચોત્તેર હજાર હિંદુઓના મૃતદેહો પડયા બાદ મીરબાંકી મંદિરને તોડવામાં સફળ થયો અને ત્યાર બાદ જન્મસ્થળની ચારે બાજુ તોપો ગોઠવીને મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.

● રામ મંદિરના રક્ષણ માટે મુઘલો સાથે પહેલો સંઘર્ષ ભીટીના મહારાજા મહતાબ સિંહે કર્યો હતો. મહારાજા મહતાબ સિંહે તેમની 80 હજારની સેના સાથે મીર બાંકીની 2.25 લાખની સેના સામે યુદ્ધ કર્યું હતું. તેનો ઉલ્લેખ ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરમાં પણ જોવા મળે છે. ભીટી રજવાડું ઉત્તરપ્રદેશમાં, આજના આંબેડકર નગર જિલ્લામાં ગોસાઈગંજ પાસે આવેલું છે. ભીટીના નામે એક પોલીસ સ્ટેશન અને તહસીલ પણ છે.

● જ્યારે મંદિરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે, વ્યાપક હિંદુ પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને, બાબરે, બહારના રાજ્યોના હિંદુઓને અયોધ્યા આવવા પર પ્રતિબંધ મૂક્યો. સરકારના આદેશનો પ્રચાર કરવામાં આવ્યો હતો કે જો કોઈ હિંદુ વ્યક્તિ અયોધ્યા જવાની હિલચાલ કરે છે એવી શંકા હોય તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે. 1924માં, મોડર્ન રિવ્યુ નામના પેપરમાં “રામ કી અયોધ્યા નામ” નામનો લેખ પ્રકાશિત થયો હતો, જેના લેખક શ્રી સ્વામી સત્યદેવ પરિબ્રાજક હતા, જેઓ ખૂબ જ અધિકૃત લેખક હતા. સ્વામીજી દિલ્હીમાં તેમના કેટલાક સંશોધન કાર્ય માટે જૂના મુઘલ કાળના દસ્તાવેજો શોધી રહ્યા હતા. તે જ સમયે, પ્રાચીન મુઘલ કાળના સરકારી દસ્તાવેજો સાથે, તેમને બાબરનું શાહી હુકમનામું મળ્યું જે ફારસી લિપિમાં પ્રકાશિત થયું હતું, જેમાં અયોધ્યામાં સ્થિત શ્રી રામ મંદિરને તોડીને મસ્જિદ બનાવવા અંગે શાહી અધિકારીઓને આ ફરમાન જારી કરવામાં આવ્યું હતું. આ પત્ર 6 જુલાઈ 1924 ના રોજ મોર્ડન રિવ્યુની લેખમાળા “શ્રી રામ કી અયોધ્યા” માં પણ પ્રકાશિત થયો હતો. તે ક્રમનો ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે.

“શહેનશાહ હિંદ માલિકુલ જહાં બાબરના હુકમ પર હઝરત જલાલશાહ (એવું જાણીતું છે કે આ એ જ જલાલશાહ છે જેણે અગાઉ અયોધ્યાના મહંત મહાત્મા શ્યામાનંદજી મહારાજના શિષ્ય બનીને અયોધ્યામાં આશ્રય લીધો હતો) અયોધ્યાના રામના જન્મસ્થળને પાડીને પરંતુ તે જ સામગ્રીનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવવાની મંજૂરી આપવામાં આવેલ છે. આ આદેશના પરિણામે, તમને ચેતવણી આપવામાં આવે છે કે ભારતના અન્ય કોઈપણ રાજ્યમાંથી કોઈ પણ હિંદુને અયોધ્યા જવાની મંજૂરી નથી. કોઈપણ વ્યક્તિ કે જેના વિશે એવી કોઈ શંકા હોય કે તે અયોધ્યા જવા માંગે છે, તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેને જેલમાં રહેવાની સજા કરવામાં આવે. આ આદેશનું પાલન ફરજ સમજીને કરવામાં આવે ”…(અંતમાં બાબરની શાહી મહોર)

બાબરના ઉપરોક્ત આદેશથી સ્પષ્ટ થાય છે કે તે સમયની મુઘલ સરકાર પણ સમજી ગઈ હતી કે શ્રી રામના જન્મસ્થળને તોડીને તે જગ્યાએ મસ્જિદ બનાવવી એ સરળ કામ નથી. જેની અસર સમગ્ર ભારતમાં થશે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાથી વિદેશોમાં હિન્દુઓની એકતા થશે, તે સ્થિતિમાં દિલ્હીની ગાદી બચાવવી મુશ્કેલ બનશે. તેથી અયોધ્યાને અન્ય પ્રાંતોથી અલગ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

● એ જ રીતે, હેમિલ્ટન નામના અંગ્રેજ બારાબંકી ગેઝેટિયરમાં લખે છે કે “જલાલ શાહે મસ્જિદ બનાવવા માટે હિંદુઓના લોહીમાંથી બનેલી ઈંટોનો પાયો આપ્યો હતો.”

ઉપરોક્ત વાતો તો બીજાના ઈતિહાસમાની ઘટનાઓ છે.હવે બાબરનામાનાં એક તથ્ય વાંચીને એ વાત પ્રસ્થાપિત થાય છે કે બાબરના આદેશ પર જન્મભૂમિ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો.(સંદર્ભ: બાબર દ્વારા લખાયેલ બાબરનામા પૃષ્ઠ 173)

● આ યુદ્ધની પ્રામાણિકતા ‘બાબરનામા’ દ્વારા સાબિત થાય છે…બાબરના શબ્દોમાં….

“જન્મભૂમિ કો શાહી અખ્તિયારોથી બાહર કરવા માટે જે ચાર હુમલા થયા એમાં સૌથી મોટો હુમલો દેવીદીન પાંડેને હતો.આ શખ્સે એક જ વારમાં ફક્ત ત્રણ કલાકની અંદર તોપમારા વચ્ચે, શાહી ફૌજના સાતસો સૈનિકોની કત્લ કરી નાંખી. સિપાહીની ઈંટથી ખોપરી ચકનાચૂર થઈ જવા છતાં, તે તેને પાઘડીથી બાંધીને લડ્યો જાણે કે કોઈએ બારુદની થેલીમાં પલિતો ચાંપી દીધો હોય! અંતે મીરબાંકીના હાથે એનું મૃત્યુ થયું.”(બાબરનામાં, તુઝુક એ બાબરી પૃષ્ઠ 540)

● બાબરના સમય પછી બરાબર 80 વર્ષે વિલિયમ પિંચ નામના ઈંગ્લીશ વ્યાપારીએ તેની પ્રવાસ ડાયરીમાં સ્પષ્ટ લખ્યું છે કે, અહીં અયોધ્યામાં પહેલાં એક મોટો કિલ્લો હતો. હિંદુઓના ભગવાન રામનું મંદિર હતું અને અહીં પૂજા પાઠ થતા હોવાની વાત પણ લખી છે. અલબત્ત, તેણે અહીં નમાઝ પઢવામાં આવતી હતી એવું ક્યાંય લખ્યું નથી

● ‘દરબાર -એ- અકબરી’ આ યુદ્ધનું આ રીતે વર્ણન કરે છે:

“સુલતાન હિંદુ સમ્રાટ હુમાયુના શાસન દરમિયાન, સન્યાસી સ્વામી મહેશ્વરાનંદ અને રાણી જયરાજ કુમારી બંનેએ અયોધ્યાની આસપાસ હિંદુઓને એકઠા કર્યા અને સતત 10 હુમલાઓ કર્યા. રાણી જયરાજ કુમારીએ આખરે ત્રણ હજાર મહિલાઓની સેના સાથે બાબરી મસ્જિદ પર હુમલો કરીને સફળતા મેળવી. આ યુદ્ધમાં જયરાજ કુમારી ખૂંખાર લડત આપતાં આપતાં માર્યા ગયા અને સ્વામી મહેશ્વરાનંદ પણ તેમના તમામ સાથીઓ સાથે લડતા લડતા મૃત્યુ પામ્યા.”

અબ્દુલ ફઝલ અલામી જે અકબરનો શાહી ઇતિહાસકાર હતા તેણે ‘આઇને અકબરી’માં લખ્યું છે કે અયોધ્યાનગરી ભારતના પવિત્ર તીર્થમાની એક છે . અહીં નિયમિત રામપૂજન થાય છે અને ચૈત્ર મહિનાની નોમના દિવસે મોટો મેળો ભરાય છે અને આ સ્થાન રામ જન્મભૂમિ હોવાનું કહેવાય છે.

●1819 સ્કોટિશ જ્હોન લીન્ડન પૂર્વીય એશિયાની સાંસ્કૃતિક અભ્યાસ બાબરનાં દસ્તાવેજોનો અને બાબર લિખિત ડાયરીનો અનુવાદ કર્યો. જેમાં લખ્યું છે કે 28 માર્ચ 1528ના રોજ બાબરે અયોધ્યાની બહાર કેમ્પ લગાવ્યો હતો. બે એપ્રિલ 1528ના રોજ તેણે અયોધ્યામાં રોકાણ કર્યું હતું. અહીં રામજન્મભૂમી હોવાનો ઉલ્લેખ બાબરે ડાયરીમાં કર્યો છે.

 ● ઔરંગઝેબ ‘આલમગીરનામા’માં હિંદુઓ તરફથી આ હારનું વર્ણન આ રીતે કરે છે:
“કાફિરોએ બાબરી મસ્જિદ પર વીસ હુમલા કર્યા, પરંતુ બેદરકારીના કારણે તે બધામાં શાહી સેનાનો પરાજય થયો. ગુરુ ગોવિંદસિંહની અને બાબા વૈષ્ણવદાસ સાથે મળીને કરેલા હુમલાએ શાહી સેનાને સૌથી વધુ નુકસાન પહોચાડ્યું . આ યુદ્ધમાં રાજકુમાર મનસબદાર સરદાર હસન અલી ખાં પણ માર્યા ગયા. (સંદર્ભ: આલમગીર પૃષ્ઠ 623)

● વધુ આગળ ઔરંગઝેબે આ રીતે વર્ણન કર્યું છે.
“સતત ચાર વર્ષ સુધી મૌન રહ્યા પછી, રમઝાનની 27 મી તારીખે, શાહી સેનાએ ફરીથી અયોધ્યાની રામજન્મભૂમિ પર હુમલો કર્યો. આ અચાનક થયેલા હુમલામાં દસ હજાર હિંદુઓ માર્યા ગયા. તેના ચબૂતરા અને મંદિરને ખોદીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં. અત્યારે આ જગ્યા શાહી દેખરેખ હેઠળ છે.” (સંદર્ભ: આલમગીરનામા પૃષ્ઠ 630)

અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળની રક્ષા માટે સાધુ-સંતો અને હિંદુ રાજાઓએ અનેકોવાર સંઘર્ષમાં ઉતર્યા છે તેની તવારીખ કંઈક આ મુજબ છે.

જ્યારે મંદિર તોડવામાં આવી રહ્યું હતું તે સમયે અયોધ્યાથી 6 માઈલ દૂર સનેથુ નામના ગામના પંડિત દેવીદિન પાંડેએ નજીકના ગામ સરાઈ, સિસિંડા, રાજેપુર વગેરેના સૂર્યવંશી ક્ષત્રિયોને ભેગા કર્યા અને ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. પંડિત દેવીદિન પાંડે સહિત હજારો હિંદુઓ શહીદ થયા અને બાબરની સેના જીતી ગઈ.(આ યુદ્ધના ઐતિહાસિક પ્રમાણનો ઉલ્લેખ લેખમાં ઉપર વિગતવાર છે)

લગભગ આ સમય આસપાસ જ, ભીટીના રાજા મહતાબ સિંહ બદ્રીનારાયણે મંદિરને બચાવવા બાબરની સેના સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું અને અંતે હજારો બહાદુર સૈનિકો શહીદ થયા. (આપણે ઉપર પણ આ યુદ્ધ વિશે, તેના ઐતિહાસિક પ્રમાણ સંદર્ભે ઉલ્લેખ કરી ચુક્યા છીએ.)

દેવીદાન પાંડેજીના મૃત્યુના 15 દિવસ પછી, હંસવરના મહારાજ રણવિજય સિંહે હજારો સૈનિકો સાથે રામલલાને મીરબાકીની વિશાળ અને સુસજ્જ સેનામાંથી મુક્ત કરવા માટે હુમલો કર્યો, પરંતુ મહારાજ સહિત દરેક જન્મસ્થળના નામે શહીદી પામ્યા.

સ્વ.મહારાજ રણવિજય સિંહના પત્ની રાણી જયરાજ કુમારીએ તેમના પતિની શહીદી પછી, જન્મસ્થળની રક્ષાનું કાર્ય આગળ ધપાવવા માટે પોતે પહેલ કરતાં 3,000 મહિલાઓની સેના સાથે તેમણે જન્મસ્થળ પર હુમલો કર્યો અને આ ગેરિલા યુદ્ધ હુમાયુના સમય સુધી ચાલુ રહ્યું. આ બાજુ, સ્વામી મહેશ્વરાનંદજીએ સંન્યાસીઓની ફોજ બનાવી રાણીની સેના સાથે જોડાયા. આ યુદ્ધ રાણી જયરાજ કુમારી નેતૃત્વમાં ચાલુ રહ્યું. પરંતુ હુમાયુની શાહી સેના સામેના આ યુદ્ધમાં સ્વામી મહેશ્વરાનંદ અને રાણી જયરાજ કુમારી તેમની બાકીની સેના સાથે શહીદ થયા અને મુઘલોએ ફરી એકવાર તેમના જન્મસ્થળ પર કબજો જમાવી લીધો.

સ્વામી બલરામચારી દ્વારા હુમલો: રાણી જયરાજ કુમારી અને સ્વામી મહેશ્વરાનંદ પછી, સ્વામી બલરામચારીએ યુદ્ધનું નેતૃત્વ સંભાળ્યું. સ્વામી બલરામચારી ગામડે ગામડે ફરીને રામભક્ત હિન્દુ યુવાનો અને તપસ્વીઓની મજબૂત સેના તૈયાર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે જન્મભૂમિના ઉદ્ધાર માટે 20 વખત હુમલો કર્યો. આ 20 હુમલાઓમાં સ્વામી બલરામચારીએ 15 વખત જન્મસ્થળ પર કબજો જમાવ્યો, પરંતુ આ સત્તા થોડા સમય માટે જ રહેતી. થોડા સમયમાં સેંકડો સૈનિકો વાળી શાહી સેના હુમલો બોલી દેતી જન્મસ્થળ ફરીથી મુઘલોના નિયંત્રણમાં આવી જતું. અલબત્ત, સ્વામી બલરામચારીનો 20મો હુમલો ખૂબ જ જોરદાર હતો અને શાહી સેનાને ભારે નુકસાન થયું હતું. તે સમયનો મુઘલ શાસક અકબર હતો. તે સ્વામી બલરામચારીની બહાદુરીથી પ્રભાવિત થયો હતો અને બીજી બાજુ આ યુદ્ધોને કારણે શાહી સૈન્ય દિવસેને દિવસે ક્ષીણ થતું જતું હતું. ધીરે ધીરે દેશની સ્થિતિ મુઘલોની વિરુદ્ધ થઈ રહી હતી. વળી, સતત યુદ્ધને કારણે સ્વામી બલરામચારીની તબિયત બગડવા લાગી અને પ્રયાગ કુંભના પ્રસંગે સ્વામી બલરામચારીનું ત્રિવેણી કિનારે અવસાન થયું. સ્વામી બલરામચારીના અવસાનને કારણે હિંદુ જનતામાં ભભૂકેલાં આક્રોશને ખાળવા અકબરે દરબારી ટોડરમલ અને બીરબલને કશો ઉકેલ શોધવા કહ્યું. હવે, જ્યારે જન્મસ્થળ થોડા દિવસો માટે તેમના અધિકારમાં હતું તે સમયે સ્વામી બલરામચારીએ વિવાદિત માળખાની સામે એક ચબૂતરો બનાવ્યો હતો. ટોડરમલ અને બીરબલે અકબરને સુઝાવ આપ્યો કે ચબૂતરા પર રામ મંદિર બનાવો. આથી અકબરે આ વિવાદિત માળખા સામે આ નાનું મંદિર બંધાવ્યું.

અકબરની આ મુત્સદ્દીગીરીના કારણે જન્મભૂમિમાં થોડા દિવસો સુધી કોઈ રક્તપ્રપાત ન થયો. શાહજહાંના સમય સુધી આ જ ક્રમ ચાલુ રહ્યો.

ઔરંગઝેબના સમયમાં તે દિવસોમાં, અયોધ્યાના અહિલ્યા ઘાટ પરના પરશુરામ મઠના સમર્થ ગુરુ શ્રી રામદાસ મહારાજના શિષ્ય શ્રી વૈષ્ણવદાસ દેશને વિધર્મીઓથી મુક્ત કરવાના પ્રયાસમાં દક્ષિણ ભારતમાંથી અહીં આવ્યા હતા. બાબા વૈષ્ણવદાસે જન્મસ્થળને બચાવવા ત્રીસ આક્રમણ કર્યા. આ આક્રમણમાં, અયોધ્યાની આસપાસના ગામોના સૂર્યવંશી ક્ષત્રિયોએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, જેમાંથી સરાઈના ઠાકુર સરદાર ગજરાજ સિંહ, રાજેપુરના કુંવર ગોપાલસિંહ અને સિસિંડાના ઠાકુર જગદંબાસિંહ અગ્રણી હતા. શાહી સૈન્યની તુલનામાં તેમની સેના અને શસ્ત્રો કંઈ નથી એ જાણતા હોવા છતાં, આ તમામ તેમના જીવનના અંત સુધી શાહી સેના સામે લડતા રહ્યા અને અંતે શહીદી પામ્યા. રાજાના આદેશથી ઠાકુર ગજરાજ સિંહનું ઘર પણ ખોદી નાંખવામાં આવ્યું. ઠાકુર ગજરાજસિંહના વંશજો આજે પણ યુપીના સરાયમાં રહે છે આજે પણ અહીંના સુર્યવંશી ક્ષત્રિયો માથા પર પાઘડી બાંધતા નથી, ચંપલ પહેરતા નથી, છત્રી લેતા નથી. તેઓએ તેમના પૂર્વજો સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી શ્રી રામજન્મભૂમી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ ચંપલ નહીં પહેરે, છત્રીનો ઉપયોગ નહીં કરે, પાઘડી બાંધશે નહીં. આ ભીષ્મ પ્રતિજ્ઞાનું વર્ણન તત્કાલીન કવિ જયરાજના એક ગીતમાં નીચે મુજબ છે.

જેમ કે અગાઉ કહેવામાં આવ્યું છે કે ઔરંગઝેબે સિંહાસન પર બેસતાની સાથે જ મંદિરને તોડી પાડવા માટે ઝાંબાંઝ ખાનના નેતૃત્વમાં એક શક્તિશાળી સૈન્ય મોકલ્યું હતું. બાબા વૈષ્ણવ દાસને આનો ખ્યાલ આવ્યો અને સાધુઓની સેના બાબા વૈષ્ણવ દાસની સાથે ગઈ. તેઓ જોહર વિદ્યામાં નિષ્ણાત હતા. અને તેમને ચિંપીયાધારી સાધુઓની સેના પણ કહેવામાં આવતી હતી. જ્યારે ઝાંબાઝખાને જન્મસ્થળ પર હુમલો કર્યો, ત્યારે સાધુઓની સેના હિંદુઓ સાથે જોડાઈ અને ઉર્વશી કુંડ નામના સ્થળે સાત દિવસ સુધી ઝાંબાઝખાનની સેના સાથે ભીષણ યુદ્ધ લડ્યું. મુઘલ સૈન્ય ચીમળતા સાધુઓના આક્રમણથી પરાસ્ત થઈ ભાગી ગયું. આ રીતે ચબૂતરા પર આવેલું મંદિર સુરક્ષિત રહ્યું..

ઝાંબાઝખાનની પરાજિત સેનાને જોઈને ઔરંગઝેબ ખૂબ ગુસ્સે થયો અને તેણે ઝાંબાઝખાનનીને હટાવીને બીજા સેનાપતિ સૈયદ હસન અલીને 50 હજાર સૈનિકોની સેના સાથે અયોધ્યા તરફ મોકલ્યો અને આદેશ પણ આપ્યો કે આ વખતે જન્મસ્થળનો નાશ કરીને પાછા ફરો. આ સમય હતો વર્ષ 1680.
બાબા વૈષ્ણવદાસે સંદેશવાહકો દ્વારા શીખોના ગુરુ, ગુરુ ગોવિંદસિંહને યુદ્ધમાં સહયોગ માટે પત્ર મોકલ્યો. ગુરુ ગોવિંદ સિંહ તેમની સેના સાથે અયોધ્યા આવ્યા અને બ્રહ્મકુંડમાં પડાવ નાંખ્યો. બાબા વૈષ્ણવદાસે અને ગુરુ ગોવિંદ સિંહની સુનિયોજિત રણનીતિને કારણે મુઘલ સેનાનો પરાજય થયો સૈયદ હસન અલી પણ યુદ્ધમાં માર્યો ગયો હિંદુઓની આ પ્રતિક્રિયાથી ઔરંગઝેબ ચોંકી ગયો. આ કારમી હાર પછી ઔરંગઝેબે અયોધ્યા પર હુમલાની યોજના થોડા સમય માટે મુલતવી રાખી.

આ યુદ્ધ પછી ઔરંગઝેબે ચાર વર્ષ સુધી અયોધ્યા પર હુમલો કરવાની હિંમત ન કરી. આ ચાર વર્ષ દરમિયાન હિંદુઓ થોડા બેદરકાર બની ગયા. તેનો લાભ લઈને ઔરંગઝેબે 1664માં ફરી એકવાર શ્રી રામજન્મભૂમિ પર હુમલો કર્યો. આ ચાર વર્ષમાં, એકઠા થયેલા તમામ હિંદુઓ પોતપોતાના વિસ્તારમાં ચાલ્યા ગયા હતા. આથી, તે એકતરફી યુદ્ધ બની રહ્યું. જો કે કેટલાક પૂજારીઓ અને હિંદુઓએ રામજન્મભૂમિની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિઃશસ્ત્ર હિંદુઓ શાહી સૈન્ય સામે જીતવાની સ્થિતિમાં ન હતા. પૂજારીઓએ રામલલાની પ્રતિમા છુપાવી દીધી. આ હુમલામાં શાહી સેનાએ લગભગ 10 હજાર હિંદુઓને મારી નાખ્યા. મંદિરની અંદર નવકોણમાં આવેલ કંદર્પ કુપ નામના કૂવામાં, મુઘલોએ માર્યા ગયેલા તમામ હિંદુઓના મૃતદેહ ફેંકી દીધા અને ચારેબાજુ બાઉન્ડ્રી વોલ ચણી લીધી. આજે પણ, કંદર્પકૂપ “ગજ શહીદા”ના નામથી પ્રસિદ્ધ છે, અને મંદિરના પૂર્વ દરવાજા પર આવેલું છે.

નવાબ સહાદત અલીના સમયમાં (ઈ.સ 1763 આસપાસ,)
જન્મભૂમિ અમેઠીના રક્ષણ માટે રાજા ગુરુદત્ત સિંઘ અને પિપરપુરના રાજકુમાર સિંહના નેતૃત્વમાં ફરી બાબરીના માળખા પર આક્રમણો કરવામાં આવ્યા જેમાં દર વખતે હિંદુઓ માર્યા ગયા. લખનૌ ગેઝેટિયરમાં કર્નલ હન્ટ લખે છે કે
“હિન્દુઓના સતત હુમલાઓથી કંટાળીને નવાબે
હિંદુ- મુસ્લિમોને સાથે મળીને ભજન- નમાઝ કરવાની છૂટ તો આપી દીધી પરંતુ સાચા મુસ્લિમ હોવાને નાતે તેણે જમીન હિંદુઓને ન સોંપી. *લખનૌ ગેઝેટિયર પેજ 62)

નાસિરુદ્દીન હૈદરના સમય પર મકરહી રાજાના નેતૃત્વમાં જન્મભૂમિને પુનઃપ્રાપ્તી માટે હિન્દુઓ દ્વારા 3 હુમલાઓ થયા છે. આ સંઘર્ષમાં, સુવિધા, હંસવાર, મકરાહી, ખજુરહાટ, દિયારા, અમેઠીના રાજા ગુરુદત્ત સિંહ વગેરે સામેલ હતા. આ સંગ્રામમાં હિંદુ સેનાને હારતી જોઈ તેની સાથે વીર ચિપીયાધારી સાધુઓની સેના આવી. આ યુદ્ધમાં શાહી સેનાની હાર થઈ અને જન્મભૂમિ પર ફરી હિંદુઓનો કબજો થયો. પરંતુ કેટલાક દિવસો પછી વિશાળ શાહી સેનાએ હજારો રામભક્તોની કતલ કરી પુનઃ જન્મભૂમિ પર અધિકાર ગ્રહણ કર્યો.

નવાબ વાજિદ અલી શાહના શાસન દરમિયાન, હિંદુઓએ તેમના જન્મસ્થળની મુક્તિ માટે ફરીથી હુમલો કર્યો. કનિંગહામે ‘ફૈઝાબાદ ગેઝેટિયર’માં લખ્યું છે – ‘આ યુદ્ધમાં ખૂબ જ રક્તપાત થયો હતો. 2 દિવસ અને રાત સુધી ચાલેલા આ ભીષણ યુદ્ધમાં સેંકડો હિન્દુઓ માર્યા ગયા હોવા છતાં, હિન્દુઓએ શ્રી રામના જન્મસ્થળ પર કબજો કર્યો. ઈતિહાસકાર કનિંગહામ લખે છે કે આ અયોધ્યાનો સૌથી મોટો હિંદુ-મુસ્લિમ બળવો હતો. હિંદુઓએ તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું અને ઔરંગઝેબ દ્વારા નાશ પામેલ ચબૂતરો ફરી બનાવ્યો અને તેના પર 3 ફૂટ ઊંચું ખસના ટાટ વડે નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં રામલલાની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ પાછળથી મુઘલ રાજાઓએ તેના પર ફરીથી નિયંત્રણ મેળવ્યું.

બહાદુર શાહ ઝફરના સમયમાં, 1857ની ક્રાંતિ દરમ્યાન બાબા રામચરણ દાસે મૌલવી આમિર અલી સાથે રામ જન્મભૂમિ પુન: પ્રાપ્તી માટે પ્રયત્ન કર્યો પણ 18મી માર્ચ 1858માં, કુબેર ટીલા સ્થિત આમલીના ઝાડ પર આ બંનેને અંગ્રેજોએ એકસાથે ફાંસી આપી દીધી. જ્યારે અંગ્રેજોએ જોયું કે આ વૃક્ષ પણ દેશભક્તો તેમજ રામભક્તો માટે ભક્તિના સ્મૃતિ રુપે વિકસિત થઈ રહ્યું છે ત્યારે તેઓએ આ ઝાડ પણ કપાવી નાખ્યું.
(ક્રમશ:)

હિમાદ્રી આચાર્ય દવે

Spread the love