- મહારાણા પ્રતાપની સાથે રહ્યા મુઘલો સામે યુદ્ધ વખતે.
- ગેરિલા યુદ્ધના મહારથી
- હલ્દીઘાટીનું યુદ્ધ મહારાણા પ્રતાપની તરફે લાવવામાં ભૂમિકા
મહાન શૌર્યવાન મહારાણા પૂંજા
મહાન યોદ્ધા રાણા પૂંજાનું નામ કાને પડતાં જ નજર સમક્ષ એક અદ્વિતીય પરાક્રમ, શૌર્ય, જન્મભૂમિ પ્રત્યે વફાદારી, ઈમાનદારી અને અજોડ યોદ્ધાનું ચિત્ર ઊભું થઈ જાય. આંખો તરત જ મહારાણા પ્રતાપ, મેવાડ,હલ્દીઘાટી નું દ્રશ્ય તાદ્દશ કરી દે. મસ્તક આપોઆપ જ કૃતજ્ઞતા થી નમી જાય.રાણા પૂંજા એક એવાં યોદ્ધાનું સ્મરણ છે જેમનું નામ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તો પણ ઓછું ગણાશે.
મહારાણા પ્રતાપની સંગાથે હલ્દીઘાટીના યુદ્ધમાં
રાણા પૂંજા એ યોદ્ધા છે જેમણે મહારાણા પ્રતાપ ને હલ્દીઘાટી મુઘલો વિરૂદ્ધના યુદ્ધમાં સાથ આપ્યો હતો. આ મહાન યોદ્ધાની ગેરિલા પદ્ધતિથી યુદ્ધ કરવાની રણનીતિ અને શૈલીએ જ હલ્દીઘાટીના યુદ્ધને અનિર્ણિત રાખ્યું હતું એવું કહેવું વધારે પડતું નહીં જ ગણાય. મહારાણા પ્રતાપ ની શૌર્યવાન સેનાના સૈનિકો મુઘલ સામ્રાજ્યની સામે જ્યારે ટક્કર લઈ રહ્યા હતા ત્યારે રાણા પૂંજાનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
મહારાણા પ્રતાપનું પ્રચંડ નેતૃત્વ
એવું માનવામાં આવે છે કે ગેરીલા પદ્ધતિથી જ મુઘલો ને રોકી શકાય છે. રાણા પૂંજાના નેતૃત્વ હેઠળ ભીલોની સેનાએ ગેરિલા પદ્ધતિ અને રણ મેદાનમાં શૌર્યથી તો મહારાણા પ્રતાપના પ્રચંડ શક્તિશાળી નેતૃત્વની આગેવાનીમા મેવાડની સેનાએ રણમેદાનમાં પોતાનાં અદભુત પરાક્રમથી મુઘલ સેનાનો સામનો કર્યો હતો.
મુઘલ સૈનિકો થરથર કાંપતા
ગેરિલા પદ્ધતિ થી મુઘલ સેનાનાં છક્કા છૂટી ગયાં હતાં. કોઈ પણ મુઘલ સૈનિક મેવાડની ધરતી પર પગ મુકતાં જ ડરતો હતો કે કયા ખુણામાંથી, કઈ ચોટી ઉપરથી, કયા ઝાડ ઉપરથી, કયા તીર વછૂટશે અને એ વીંધાઈ જશે આ કલ્પના માત્ર થી મુઘલ સૈનિક કાંપતો હતો.
શૌર્ય પરાક્રમનું સાક્ષાત સ્વરૂપ
રાણા પૂંજાનું શૌર્ય, પરાક્રમ, માતૃભૂમિ પ્રેમ, ઈમાનદારી, નેકીને જોતાં સ્વયં મહારાણા પ્રતાપે ભીલા રાણાની ઉપાધિ આપીને સન્માનિત કર્યાં હતાં.
રાણા પૂંજાનું જીવન
રાણા પૂંજાનો જન્મ મેરપુર (કોટડા) નાં મુખિયા દુદા સોલંકીનાં ઘેર થયો હતો. તેમનાં માતાનું નામ કેહરીબાઈ હતું. એમના દાદા રાણા હરપાલસિંહ હતા. જ્યારે રાણા પૂંજાની ઉંમર માત્ર 15 વર્ષની હતી ત્યારે જ પિતાનું અકાળે અવસાન થતાં પાનરવાના મુખિયા બનાવી દેવામાં આવ્યાં હતાં. આ રાણા પૂંજાની પ્રથમ પરિક્ષા હતી અને આ પરિક્ષામાં રાણા પૂંજા ઉત્તિર્ણ થયાં અને ભોમટના રાજા બની ગયા. તેમનાં પ્રજા પ્રેમના ગુણે એમને લોકપ્રિય રાજા બનાવી દીધા. તેમની સંગઠન શક્તિ, લોક સંગ્રહ તથા પ્રજાકીય કાર્યો કરવાને કારણે એમની ખ્યાતિ સમગ્ર મેવાડમાં ફેલાઈ ગઈ હતી.
મેવાડ પર મુઘલોનુ સંકટ
ઈ.સ. 1576 માં મેવાડમાં મુઘલોનું સંકટ ઊભું થયું. મહારાણા પ્રતાપે રાણા પૂંજાનો સહયોગ માગ્યો. આવા કપરાં સંજોગો જોતાં રાણા પૂંજાએ માતૃભૂમિના રક્ષણ માટે મહારાણા પ્રતાપની સાથે પોતાના સૈનિકો સાથે જોડાજોડ રહ્યા. રાણા પૂંજાએ મહારાણા પ્રતાપને વચન આપ્યું કે મેવાડના બધા જ ભીલ રાજાઓ મહારાણા પ્રતાપની સાથે મુઘલો વિરૂદ્ધ ઊભા રહેશે.
મહારાણા પ્રતાપે રાણા પૂંજાનુ અભિવાદન કર્યું
મહારાણા પ્રતાપે રાણા પૂંજાનું અભિવાદન કરીને શૌર્યવાન એવાં રાણા પૂંજાને પોતાના ભાઈ ગણીને હ્ર્દય સરસા ચાંપી દીધાં અને રાણા પૂંજાનું ભીલારાણા એવું સન્માન આપ્યું. રાણા પૂંજાના શૌર્ય, પરાક્રમથી અભિભૂત એવા મહારાણા પ્રતાપ તથા અન્ય સેનાના મોટા હોદ્દા ધરાવતા હોય એવાં સરદારોએ રાજચિહ્નમાં એક તરફ રાજપૂત તથા અન્ય તરફ શૂરવીર રાણા પૂંજાના પ્રતિકનું ચિત્ર લગાવ્યું છે. આ જ રાજચિહ્ન જે પાઘડી મહારાણા પ્રતાપ માથે પહેરતાં હતાં એ પાઘડી ઉપર લગાવવામાં આવ્યું.
હલ્દીઘાટીનું યુદ્ધ
ઈ.સ. 1576ના હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પૂંજાએ અદભૂત શૌર્ય, શક્તિ, ચતુરાઈ પૂર્વક ગેરિલા પદ્ધતિનું યુદ્ધ કર્યું કે હલ્દીઘાટીનું યુદ્ધ અનિર્ણિત જ રહ્યું.
જન્મજયંતીએ વંદના
આજે રાણા પૂંજાની જન્મજયંતી નિમિત્તે વંદન કરતાં એટલું ચોક્કસ કહેવું છે કે, ” હે રાણા પૂંજા, ભીલા રાણા તમારી માતૃભૂમિ પરત્વે ની ભાવના, શૌર્ય, સમર્પણ, ત્યાગ, રણનીતિ અને બલિદાન થી માત્ર મેવાડ જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર ની ધરા પવિત્ર થઈ છે.