– ધોળાવીરા લગભગ પાંચ હજાર વર્ષ પ્રાચીન સંસ્કૃતિ
– વિશ્વની શ્રેષ્ઠ નગરરચના ધરાવતું સૌથી પ્રાચીન નગર
– દુનિયા સાથે વેપાર કરતું કિલ્લેબંધ બંદર નગર
યુનેસ્કોએ ગુજરાતના કચ્છમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું
યુનેસ્કોની 44મી બેઠકમાં આજે ગુજરાતના કચ્છમાં ખડિરબેટ નજીક આવેલા પ્રાચીન સ્માર્ટ સિટી ગણાતા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેની યાદીમાં સમાવેશ કરતી જાહેરાત કરી છે. ભારત સરકાર તરફથી આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું. ગુજરાત સરકારે સાઇટનો વિકાસ કરવા માટે જુદી જુદી સમિતિઓ બનાવી હતી. ત્યારબાદ બાદ ધોળાવીરા સાઈટનો વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ કરવામાં આવે તે માટે સતત રજૂઆતો કરવામાં આવતી રહી હતી. આખરે આજે ધોળવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે યુનેસ્કોએ જાહેર કર્યું છે.
🔴 BREAKING!
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) July 27, 2021
Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO #WorldHeritage List. Congratulations! 👏
ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/bF1GUB2Aga
સિંધુ સરસ્વતી સભ્યતાનું સૌથી મહત્વપૂર્ણ નગર : ધોળાવીરા
સિંધુ સરસ્વતી સભ્યતા આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં વિસ્તરેલી હતી. સિંધુ સરસ્વતી સભ્યતા આશરે 8000 વર્ષ જુની, વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. ઘણાં પુરાતત્ત્વ નિષ્ણાતોના મતે આ સંસ્કૃતિ લગભગ પંદરેક લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિકાસ પામી હતી. વર્તમાન ભારતના હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સંસ્કૃતિના અવશેષો મળી આવે છે. જોકે આ સંસ્કૃતિનો નાશ કેવી રીતે થયો તે વિશે જુદા જુદા પુરાત્તવવિ્દો જુદા જુદા અભિપ્રાય ધરાવે છે.
ધોળાવીરાનું અદ્વિતીય જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન
ધોળાવીરા આજના કચ્છના રણ પ્રદેશમાં આવેલું છે. રણ પ્રદેશમાં સૌથી મહત્વની બાબત એટલે પાણીની ઉપલબ્ધતા ત્યારે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પ્રાચીન સંસ્કૃતિના આ લોકોએ જ્યારે આજના જેવા આધુનિક રાક્ષસી યંત્રો નહોતા એ વખતે પોતાના નગરમાં કેવી રીતે જળ ઉપલબ્ધ કર્યું હશે તે ખરેખર ખૂબ મોટો પ્રશ્ન છે. ધોળાવીરા નગરના અવશેષો જોતાં એવું સ્પષ્ટ દેખાય છે કે ધોળાવીરાવાસીઓએ પાંચ હજાર વર્ષો પહેલાં પોતાના નગરની પાણીની જરૂરિયાત પૂરી કરવા બંધ, નહેરો, ટાંકાઓ, જળાશયો, તળાવો, વાવ, કૂવાના અદભૂત નેટવર્કની રચના કરી હતી. ધોળાવીરાની બે દિશાઓમાં મનહર અને મનસર નદીની શાખાઓ વહેતી હતી. નગરના અન્ય ભાગોમાં જળ સંરક્ષણ, સંચય અને વિતરણ માટે પાણીના ટાંકાઓ હતા. આજે પણ જમીનમાં બનેલા એ પાણીના ટાંકાઓના અવશેષો ધોળાવીરાની સાઈટ ફરતે જોઈ શકાય છે. એમાં પણ પૂર્વ દિશામાં આવેલો મોટો હોજ જે 89 મીટર લાંબો, 12 મીટર પહોળો અને લગભગ સવા સાત મીટર ઊંડાઈ ધરાવે છે. વર્તમાન સમયના આધુનિક સાધનો દ્વારા તપાસતા જણાયું કે આ હોજમાં લગભગ 75 લાખ લીટર કરતાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે. તત્કાલીન સમયના ધોળાવીરાના જળ વ્યવસ્થાપકોએ એવી વ્યવસ્થા ગોઠવી હતી કે મનહર અને મનસર નદીનું પાણી નહેર દ્વારા આ ટાંકાઓમાં આવતું અને ટાંકાઓમાંથી તે પાણી નગરમાં બનાવાયેલા તળાવ, જળાશયોમાં નહેરો વાટે પહોંચાડવામાં આવતું. ધોળાવીરા નગરના આજે જે પણ અવશેષો મળી આવ્યા છે તેમાં અડધો અડધ જળ વ્યવસ્થાપન માટેના જ છે.
ધોળાવીરાની ત્રીસ્તરીય નગર રચના
ધોળાવીરાનું જળ વ્યવસ્થાપન જેટલું અદભૂત છે એવી જ એની ત્રીસ્તરીય નગર રચના છે. ધોળાવીરા નગરનો મુખ્ય ત્રણ ભાગમાં ફેલાયેલું હતું. શાસકનો રાજમહેલ જે નગરની સૌથી ઊંચી જગ્યાએ બનાવવામાં આવ્યો હતો તથા તેની ચોતરફ સંરક્ષણ અર્થે મજબૂત કિલ્લેબંધી કરવામાં આવી, બીજું સ્તર એટલે અન્ય મહત્વના અધિકારીઓના નિવાસસ્થાન. નગરના પદાસિન અધિકારીઓના નિવાસસ્થાન પણ ચોતરફથી કિલ્લાથી સુરક્ષિત કરવામાં આવેલા છે. અધિકારીઓના નિવાસ ચાર પાંચ ઓરડા ધરાવતા હતા એવા અવશેષો મળી આવ્યા છે. નગર રચનાના અંતિમ સ્તરમાં સામાન્ય નગરજનોના નિવાસ બનાવવામાં આવેલા છે. હડપ્પા અને મોહેંજો દડો માં મળી આવેલા મકાનો અધકચરી ઈંટોથી બનાવાયેલા છે જ્યારે તેની સરખામણીમાં ધોળાવીરાના મકાનો ચોક્કસ આકારના ચોરસ, લંબચોરસ પથ્થરોથી આયોજનબદ્ધ રીતે બનાવાયા છે. આ ઉપરાંત ધોળાવીરામાં સૌથી વિશિષ્ટ એવું 10 અક્ષર ધરાવતુ સાઇન બોર્ડ મળી અાવ્યું છે. સાઈન બોર્ડ જે લિપિમાં લખાયેલું છે તે લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે. સાઈન બોર્ડના અક્ષર જિપ્સમથી બનાવવામાં અાવ્યા છે. જ્યારે નગરને ખાલી કરવાની નોબત આવી હશે ત્યારે લોકોઅે પ્રવેશદ્વાર પરથી અા સાઇનબોર્ડ અગમ્ય કારણોસર અેક રૂમમાં રાખી દીધું હશે જેથી તે સુરક્ષિત મળી શક્યું છે.
કેવી રીતે આ નગરનો નાશ થયો હશે ?
ધોળાવીરા નગરનો નાશ કેવી રીતે થયો હશે, કયા કારણોસર થયો હશે તે બાબતે જુદા જુદા મત છે. એક થિયરી એવી છે કે સતત ચોમાસું નબળું પડતાં લોકોએ પલાયન કર્યું હશે તો અન્ય એક થિયરી એવી છે કે ત્સુનામીએ આ વિકસિત નગરનો વિનાશ કર્યો હશે. બંને થિયરી ધરાવતા સંશોધકો પોતાની થિયરી સાબિત કરતી દલિલો કરે છે. આઈઆઈટી ખડગપુરના સંશોધકો એવું માને છે કે સતત નબળા ચોમાસાની વિપરીત અસરો આ નગરના લોકો નગર છોડીને ચાલ્યા ગયા હશે. આ થિયરી મુજબ આશરે 4350 વર્ષ પહેલાં ચોમાસું નબળું પડવાની શરૂઆત થઈ હશે અને તે પછી સતત 900 વર્ષ સુધી ચોમાસું નબળું રહ્યું હશે જેથી ધોળાવીરાના નગરજનો અન્યત્ર પલાયન કરી ગયા હશે. બીજી થિયરી એવી છે કે ધોળાવીરા નગરને નષ્ટ કરી ગઈ હશે. આ થિયરી ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના સંશોધકો કરે છે. તેમણે કરેલા સંશોધનો જણાવે છે કે ધોળાવીરા એક સમયે વેપારથી ધમધમાટ કરતું બંદર હતું. આશરે 3500 વર્ષ પહેલાં આવેલા ભયાનક ત્સુનામીના મોજાંઓ આ નગરનો નાશ કરી ગયા હશે. સંશોધકોને ધોળાવીરા નગરના પેટાળમાં અઢી ત્રણ મીટર નીચે દરિઆઈ રેતીના અવશેષો મળ્યા છે. આ અવશેષો એવા છે જે દરિયાના ઊંડા પાણીમાં મળી આવતા હોય છે.
પાંચ હજાર વર્ષ પહેલાં વિકસેલા આ અદ્વિતીય જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન તથા નગર રચના ધરાવતું નગર આખરે નાશ પામ્યું હતું. આ નગર ગુજરાતના કચ્છમાં આવેલું છે જેને આજે યુનેસ્કોએ આજે વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા આપી છે.
ખરેખર આપના લેખ ખૂબ જ જ્ઞાનસભર અને જાણવા લાયક હોય છે. આપની સિરિયલ બાબાસાહેબ અણનમ યોદ્ધા વિશે આપના પ્રત્યે ગર્વની લાગણી અનુભવું છું. આપ સદાય આગળ વધી બાબાસાહેબની મુવમેન્ટને આગળ વધારો એજ મંગલકામના….
જયભીમ….
જય ભારત….
જય સંવિધાન…….