ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025 (Global Peace Index 2025) એટલે કે વિશ્વ શાંતિ સૂચકાંકની થોડીક ઝાંખી જોઇએ, વહેતા સમય સાથે વિશ્વ વધુ અશાંત બની રહ્યુ છે. આ સતત તેરમું વર્ષ છે જ્યારે દુનિયામાં અશાંતિ વધી છે. આ વર્ષે, 74 દેશોમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે જ્યારે 87 દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધો વચ્ચે, એ સમજવું ખૂબ જ રસપ્રદ છે કે વિશ્વના દેશો પાછલા વર્ષોની સરખામણીમાં કેટલા સુરક્ષિત કે અસુરક્ષિત બન્યા છે. શું સમય જતા ત્યાં શાંતિ આવી છે કે તેઓ વધુ અશાંતિપૂર્ણ બન્યા છે. એવા સમયે ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025 (Global Peace Index 2025) રિપોર્ટ કેટલીક ખૂબ જ રસપ્રદ માહિતી સાથે જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ વૈશ્વિક શાંતિમાં લગભગ સરેરાશ 0.36 ટકાનો ઘટાડો થયો છે. બીજા અર્થમાં સમય જતા વિશ્વ વધુ અશાંત બની રહ્યું છે. આ સતત તેરમું વર્ષ છે જ્યારે વિશ્વમાં અશાંતિ વધી છે. આ વર્ષે, 74 દેશોમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે જ્યારે 87 દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.

સૌથી સુરક્ષિત અને સૌથી અસુરક્ષિત દેશો કયા?
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2025 (Global Peace Index 2025) ના રેન્કિંગ મુજબ, વિશ્વના સૌથી સુરક્ષિત પાંચ દેશો આઇસલેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ છે. જ્યારે સૌથી અસુરક્ષિત દેશો અફઘાનિસ્તાન, યમન, સીરિયા, દક્ષિણ સુદાન અને ઇરાક છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ગણાતો ઇઝરાયલ જેવો દેશ, આ યાદીમાં 155મા ક્રમે છે, જે દક્ષિણ સુદાન અને સીરિયાથી ઉપર છે. જેનો અર્થ એ છે કે આ રહેવા માટે ખૂબ જ અસુરક્ષિત દેશ છે. જ્યારે આ યાદીમાં ઈરાન 142 મા સ્થાને છે જે સ્થિતિ ઈઝરાયલ કરતાં સારી લાગે છે. પાકિસ્તાન 144મા ક્રમ ધરાવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોનો ક્રમ આગળ?
ભારત-પાકિસ્તાન સંઘર્ષ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં આવેલું તુર્કીયે 146 મા ક્રમ સાથે રહેવા માટે ખૂબ જ અસુરક્ષિત છે. ભારત તુલનાત્મક રીતે સારી સ્થિતિમાં છે. ભારતનું રેન્કિંગ અમેરિકા કરતા પણ સારું છે. આ યાદીમાં, પાકિસ્તાન 144મા ક્રમે જ્યારે ભારત 115મા ક્રમે છે. બીજી રીતે કહીએ તો પાકિસ્તાન ખૂબ જ અશાંત સ્થિતિમાં છે. બીજી તરફ, અમેરિકા આફ્રિકન દેશો – મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને કેન્યાથી પણ નીચે 128મા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (Global Peace Index) રિપોર્ટ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (Global Peace Index) 2020, 2023 અને અત્યારે…..
આઈસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, આયર્લેન્ડ જેવા દેશો તેમની મજબૂત સંસ્થાઓને કારણે સારી સ્થિતિમાં છે. ઉપરાંત, ખૂબ જ ઓછો ભ્રષ્ટાચાર અને સારી માળખાગત સુવિધા આ દેશોને ખૂબ સારા પ્રવાસન સ્થળો બનાવે છે. યુકે -યુનાઈટેડ કિંગડમ એટલે કે બ્રિટનનું સ્થાન ગયા વર્ષની સરખામણીમાં થોડું સુધર્યું છે. આ વખતે તેનું રેન્કિંગ 30મું છે. 2020 માં, આઇસલેન્ડ પ્રથમ સ્થાને હતું જ્યારે તેના સિવાય, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, ઑસ્ટ્રિયા અને ડેનમાર્ક ટોચના 5 માં હતા. પરંતુ આ વખતે યાદીમાં થોડો ફેરફાર થયો છે. આ 5 દેશો ઉપરાંત, ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2020 (Global Peace Index 2020) માં, કેનેડા, સિંગાપોર, ચેક રિપબ્લિક, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશો હતા. જ્યારે, આ વર્ષે, આઇસલેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશો ટોચના 5 માં હોવા ઉપરાંત, ટોચના 10 દેશોમાં સિંગાપોર, પોર્ટુગલ, ડેનમાર્ક, સ્લોવેનિયા અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
🆕 Global Peace Index 2025 – Report Out Now!
— Global Peace Index (@GlobPeaceIndex) June 18, 2025
‘The Great Fragmentation’ Driving Conflict: World Peace Plummets
🔗Read the full report: https://t.co/PNfFUlJbCq pic.twitter.com/QXyuWaidLQ
દુનિયા શાંતિપૂર્ણ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે શાંતિની અનુસ્થિતિમાં આર્થિક અસમાનતા વધે છે સાથે સાથે દુનિયાના વૈશ્વિક GDPમાં પણ ભારે ઘટાડો નોંધાય છે. જો લોકો પોતાના જીવનની સલામતીની ચિંતા અને લડાઈમાં વ્યસ્ત રહે તો તેઓ કલા કે વ્યવસાય, ઘરકામ કે અન્ય ઉત્પાદક કાર્ય કેવી રીતે કરી શકશે?
2020 ની વાત કરીએ તો, તે વર્ષના ગ્લોબલ પીસ ઇન્ડેક્સ રિપોર્ટ (Global Peace Index) પર કોવિડ 19 ની આર્થિક અસર અને તેના કારણે સર્જાયેલી રાજકીય અસ્થિરતા, આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર, હિંસા અને અન્ય સામાજિક-આર્થિક વિકાસનો પ્રભાવ પડ્યો હતો. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે.
આ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ (Global Peace Index) રિપોર્ટમાં એક ખાસ વાત જોવા મળી કે રશિયા અને યુક્રેન લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલ યુદ્ધ અને ગમે ત્યારે હુમલો થવાની શક્યતાને કારણે 163 દેશોની યાદીમાં સૌથી નીચે હતા.
ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, 2023 માં જણાવ્યું હતું કે વિશ્વમાં સંઘર્ષો 15 વર્ષની ટોચે પહોંચી ગયા છે. યુકે, અન્ય ઘણા દેશોની જેમ, અસુરક્ષિત બની રહ્યું છે. તેના 15 ટકા વિસ્તારને મુસાફરી માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે દુનિયા દિવસેને દિવસે પોતાની લશ્કરી શક્તિ વધારવા તરફ આગળ વધી રહી છે. જૂના લશ્કરી કે રાજદ્વારી જોડાણો તૂટી રહ્યા છે અને લોકો ગમે ત્યાં મુસાફરી કરવામાં પોતાને અસુરક્ષિત માની રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો