- ચમોલી જીલ્લામાં ગ્લેશિયર તુટી
- એવલાંચ માં બંધ તુટવાની ખબર
- 50થી વધુ મજૂર લાપતા
હિમશિલા તુટી જબરદસ્ત પૂર
ઉતતરાખંડના ચમોલી જીલ્લાના રેણી માં આજે સવારે અચાનક હિમશિલા તુટતા સ્થિતિ ગંભીર બની હતી. હિમશિલા તુટવાથી નદીમાં જબરદસ્ત પૂર આવવાને કારણે ખતરો વધ્યો છે. એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમશિલા તુટવાથી ચમોલીથી છેક હરિદ્વાર સુધી અસર થવાની સંભાવના બતાવવામાં આવી છે. આ ઉપરાંત દેવ પ્રયાગ, રૂદ્ર પ્રયાગ, શ્રીનગર, ઋષિકેશ સુધી અસર થવાની શક્યતા જોતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું . NDRF, SDRF, ITBPએ બચાવ તથા રાહત કાર્ય શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે. આ દુર્ઘટના માટે હેલ્પલાઇન માટે 1070 નંબર જાહેર કરાયો છે.
ઋષિગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને અસર
ઉત્તરાખંડમાં ચમોલી જીલ્લામાં ઋષિગંગા નદી ઉપર રેણી ગામ નજીક બની રહેલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો બેરેજ તુટી જતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અહીં 24 મેગાવૉટનો વિદ્યુત પ્રોજેક્ટનુ નિર્માણ ચાલુ હતું ત્યારે જ હિમશિલા તુટવાથી આ દુર્ઘટના બનતા કાર્ય કરી રહેલા મજૂરો તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઋષિગંગા નદી ઉપરના બેરેજને તોડીને પાણીનો ભયાનક પ્રવાહ બેરેજના કાટમાળ સહિત ધોળી ગંગા નદી તરફ આગળ વધ્યો હતો જેના પરિણામ સ્વરૂપે રેણી ગામથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા તપોવનમાં ધોળી ગંગા નદી ઉપર બની રહેલા 520 મેગાવૉટના પાવર પ્રોજેક્ટના બેરેજને પણ પારાવાર નુકશાન થયું હતું અને એક ભાગ તુટી ગયો હતો. વર્તમાનમાં પરિસ્થિતિ ગંભીર છે. સત્તાવાળાઓએ જુના વિડિયો શેર ન કરીને અફવા ન ફેલાવવાની અપીલ કરી છે. ચમોલી જિલ્લામાં નદી કિનારે વસતા લોકોને પોલીસ લાઉડ સ્પીકરથી એલર્ટ કરી રહી છે. કર્ણપ્રયાગમાં અલકનંદા નદીના કિનારે વસતા લોકોને ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. જિલ્લા અધિકારી અને પોલીસ કમિશનર ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે.