– બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ જમણેરી પ્રધાનમંત્રી
– મેલોની બ્રધર્સ ઓફ ઈટાલીના નેતા છે
– મુસોલિનીના સમર્થક ગણાય છે જ્યોર્જીયા
ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટ સાથે કામ કરી ચુક્યા છે મેલોની
બીજા વિશ્વ યુદ્ધ બાદ ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થકોએ ઈટાલીમાં એક આંદોલન શરૂ કર્યું હતું જેને ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટ નામ આપવામાં આવ્યું હતું. જ્યોર્જીયા મેલોનીએ માત્ર 15 વર્ષની ઉંમરે યુવા વિંગમાં કામ શરૂ કર્યું હતું. જ્યોર્જિયા મેલોનીનો જન્મ 15 જાન્યુઆરી 1977ના રોજ થયો હતો. મેલોનીના પિતા એક એકાઉન્ટન્ટ હતા. તેઓ ઈટાલિયન જર્નલિસ્ટ રહી ચુક્યા છે અને હવે પોલિટિશિયન છે. રોમમાં જન્મેલાં મેલોની અંગ્રેજી, સ્પેનિશ અને ફ્રેન્ચ બોલે છે. મેલોની એક પુત્રીના માતા છે, જેનો જન્મ 2006માં થયો હતો.
કેટલા મત મળ્યા જ્યોર્જીયા મેલોનીને ?
જ્યોર્જીયા મેલોનીની બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીએ આ વખતની ઈટાલીની ચૂંટણીઓમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે એને 26% મત મળ્યા છે, જે ચાર વર્ષ પહેલા ચુંટણી વખતે માત્ર 4.13% જ મત મળ્યા હતા. ઇમિગ્રન્ટ્સને આશ્રય ન આપવો, હોમોસેક્સ્યૂઅલનો વિરોધ અને અધિકારો ન આપવો એ જ્યોર્જિયા મેલોનીનો ચૂંટણી-એજન્ડા હતો જેને ઈટાલિયન જનતાએ સમર્થન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે જ્યોર્જિયાની પાર્ટી ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીની સમર્થક છે. 45 વર્ષીય જ્યોર્જિયા અને તેમના કેબિનેટ મંત્રીઓ આજે શપથ લેશે. બીજા વિશ્વયુદ્ધ પછી ઈટાલીમાં પ્રથમ વખત બનશે જ્યારે કોઈ જમણેરી વિચારધારાના નેતા વડાપ્રધાન પદ સંભાળશે.
જ્યોર્જીયા મેલોની સામેના પડકાર
જ્યોર્જીયા મેલોની જ્યારે પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર ઈટાલીની નાજુક બનતી જઈ રહેલી અર્થવ્યવસ્થા છે કારણ કે ઈટાલીની વર્તમાન આર્થિક સ્થિતિ ઘણી જ નાજુક છે. ઈટાલી ઉપર 2100 લાખ કરોડ રૂપિયાનું દેવું છે જે તેની GDPના લગભગ 150% જેટલું થવા જાય છે. EU ને ડર છે કે ઈટાલીમાં સ્થિતિ વધુ ખરાબ થશે. યુરોપિયન યુનિયન (EU) ને એવો ડર સતાવી રહ્યો છે કે જ્યોર્જીયા મેલોની અર્થતંત્ર ઉપર ઓછું ધ્યાન આપશે અને ઈટાલીની આર્થિક હાલત વધુ બગડશે. મેલોની સામે બીજો અને મહત્ત્વપૂર્ણ પડકાર છે ઈટાલીને રાજકીય સ્થિરતા આપવાની કારણ કે મેલોની જે બે પાર્ટીઓ સાથે ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યા છે એ વિશ્વાસપાત્ર નથી. બંને પાર્ટીના મુખ્ય નેતાઓ સિલ્વિયો બર્લુસ્કોની અને માટેઓ સાલ્વિનિકનો EU સાથે સારો ઈતિહાસ નથી. સિલ્વિયો બર્લુસ્કોની અને માટેઓ સાલ્વિનિક મહત્ત્વાકાંક્ષી નેતાઓ છે, જેઓ પોતાને વડાપ્રધાન બનતા જોવા માગે છે.