Spread the love

  • મહાત્મા ગાંધીનો 151મો જન્મદિવસ.
  • ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત
  • ગાંધીજીના આર્થિક વિચાર

આજે મહાત્મા ગાંધીજીનો 151મો જન્મ દિવસ. ગાંધીજીના તેમને જે તે સમયે લીધેલાં ઘણાં નિર્ણયો સામે મને ખૂબ વાંધો છે અને રહેશે. આજે તે વાત નથી કરવી. ગાંધીજીની આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે એવી એક વાત આજે યાદ કરવી છે અને આજની યુવા પેઢીને સમજાવવી છે. 2014થી દેશમાં વિચારધારાનું યુદ્ધ ચાલી રહ્યું છે એટલે મને આજે ગાંધીજીની આ વાત યાદ આવી છે. ગાંધીજીએ ભારત દેશમાં અર્થતંત્રને મજબૂત કરવા માટે ગુજરાતમાં સદીઓથી ચાલી આવતી મહાજન પરંપરાને મળતો આવે તેવો “ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત” પ્રસ્તુત કર્યો હતો. જો કે ગુજરાતમાં પણ હવે તો આ મહાજન પરંપરા અદ્રશ્ય થઈ ગઈ છે અને કદાચ આજની પેઢીને પૂછીએ તો 100માંથી 05ને પણ મહાજન પરંપરા વિષે ખબર નહીં હોય એવું હું દ્રઢતાથી કહી શકું છું.

2014માં સત્તા પરિવર્તન થયા પછી એક વૈચારિક યુદ્ધ વિચારધારા આધારિત લડાઈ રહ્યું છે. હકીકતમાં વિચારધારાના આ યુદ્ધમાં ઉદ્યોગો અને મુડીવાદ વિરોધી વિચારધારાની દેશવિરોધી આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાને સત્તાધારી પક્ષ ખાળી નથી શક્યો એ કડવી પણ સત્ય હકીકત છે. અહીં હું મારો આગળ મત વ્યક્ત કરું તે પહેલાં સ્પષ્ટતા કરી દેવા માંગુ છું કે હું Philanthropic Capitalismમાં માનું છું. Crony Capitalism કે Leftist Marxist Communismમાં નહીં.
.
હવે ગાંધીજીની જે વાત મારે આજે કરવી છે તેના ઉપર આવીએ. ગાંધીજી ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોકથી ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે પ્રેરિત થયા હોય તેમ લાગે છે.

ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम्

એટલે કે “જડ અને ચેતન તત્વના બનેલા દરેક અણુમાં વસેલો આ જગતનો સ્વામી ઈશ્વર જ છે. આ જગતનો આનંદ ભોગવો પણ ત્યાગના ભાવ સાથે. એવું ન માનશો કે તમારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર બીજા બધાનો પણ એટલો જ અધિકાર છે. બીજાના અધિકારને કદી છીનવવો નહીં.” ત્યાગભાવથી ભોગવવામાં નમ્રતા, અનાસક્તિ અને નિ:સ્વાર્થ ભાવના પેદા થાય છે. ત્યાગભાવથી ભોગવવામાં ભોગવવાનો નશો ચઢતો નથી. આપણે આજે ઈશાવાસ્ય ઉપનિષદ પર વાત નથી કરવી. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે જોન રસ્કિનના Unto the Last પુસ્તકે પણ પ્રેરિત કર્યા હતા. આ બંનેની વિગતમાં આજે નથી જતાં. આ તો ઉલ્લેખ એટલે કર્યો કે ગાંધીજીએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે આ બંનેમાંથી પ્રેરણા લીધી હતી.
.
ગાંધીજી જ્યારે આગાખાન મહેલમાં કેદ હતા ત્યારે તેમને આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિષે વિચાર આવેલો. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓએ આશ્રમના કેટલાક અનુભવી સભ્યો અને મુંબઈ યુનિવર્સિટીના એમ.એલ દાંતવાલા સાથે વિગતે ચર્ચા કરી હતી. ટ્રસ્ટીશીપ માટેનો ખરડો પ્રોફેસર દાંતવાલા, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા અને અન્યો દ્વારા તૈયાર કરવામાં આવેલો. ગાંધીજીએ તેમાં થોડા સુધારા કર્યા બાદ તેને મંજૂરી આપી હતી. તેનો આખરી મુસદ્દો આ પ્રમાણે હતો:

“હાલની મૂડીવાદી સમાજ વ્યવસ્થાને સમતાવાદી સમાજમાં પરિવર્તિત કરવાની તક ટ્રસ્ટીશીપ આપે છે. એ મૂડીવાદને ખતમ નથી કરતો પણ એ અત્યારના માલિક વર્ગને પોતાની જાતને સુધરવાની તક આપે છે. આ સિદ્ધાંત એવા વિશ્વાસના પાયા પર ઊભેલો છે કે માનવસ્વભાવ કદી ઋણમુક્તિથી પર નથી. સમાજના હિત માટે સમાજ મંજૂર કરે તેટલા પ્રમાણમાં ખાનગી મિલ્કતની માલિકી સિવાય વધુ કોઈ પણ અધિકાર માણસને નથી એમ તેમાં અભિપ્રેત છે. તે માલિકી અને સંપત્તિના ઉપભોગ માટે કાયદાકીય નિયમોને પણ બાકાત નથી કરતો. તો આ રીતે રાજ્ય દ્વારા નિયંત્રિત ટ્રસ્ટીશીપમાં કોઈ વ્યક્તિ સ્વાર્થી થઈને આત્મ સંતોષ ખાતર કે સમાજના હિતનો વિચાર કર્યા વિના પોતાની મિલકતની માલિકી રાખવા કે તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર નહીં હોય. જે રીતે લઘુતમ વેતન ધારો નિર્ધારિત થયો છે એ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી આવક અને સંપત્તિ ધરાવી શકે તે પણ નિશ્ચિત થવું જોઈએ. તેની વચ્ચેનો તફાવત દરેકની બુદ્ધિશક્તિ અને ક્ષમતા પર આધારિત હોવો જોઈએ તેમ જ સમયે સમયે તે બદલાતો રહેવો જોઈએ તેવું ધ્યેય હોવું જોઈએ.”
.
ગાંધીજી પણ મિલકતની સમાન વહેંચણીમાં માનતા હતા પણ તે સ્પષ્ટ રીતે કહેતા કે “દરેક સ્ત્રી અને પુરુષની ક્ષમતા અને શક્તિ અલગ અલગ હોય છે અને તેમની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આથી સંપત્તિની સમાન વહેંચણીનો અર્થ દરેકને એક સરખું મળે એવો ન કરી શકાય.”

ગાંધીજીના શબ્દોમાં “સમાન વહેંચણીનો અમલ કરવો એટલે દરેક માણસ પાસે તેની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતાં સાધનો અને તક હોવા જોઈએ. દાખલા તરીકે એક માણસને નબળી હોજરી હોય અને રોટલા માટે પા રતલ લોટ જોઈએ અને બીજાને એક રતલ જોઈએ તો બંને પોતપોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી સ્થિતિમાં હોવા જોઈએ. વળી દરેક માણસ પાસે એક સરખી બુદ્ધિ શક્તિ નથી હોતી, અરે એક ઝાડ ઉપર બે પાન પણ સરખાં નથી હોતાં. ઉપર ઉપરથી ડાળ પાંખડાં કાપી નાખવાથી અસમાનતા દૂર નથી કરી શકાતી.”

ગાંધીજી કોઈની બુદ્ધિ શક્તિ વેડફી દેવા નહોતા માગતા. તેઓ બધાની શક્તિઓનો સમાજના હિત માટે વિનિયોગ કરવા માગતા હતા. ગાંધીજીએ એ પણ કબૂલ કરેલું કે કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત થતા વળતરનો વ્યાજબી હિસ્સો તેના માલિકો સમાજ માટેની તેમની સેવા અને સમાજને ઉપયોગી થવાના બદલામાં વ્યક્તિગત રીતે રાખી જ શકે. તેઓ માનતા કે સંપૂર્ણ ત્યાગ એ એક અમૂર્ત વિચાર છે કે જેનો શબ્દશઃ અમલ ન થઇ શકે. એટલે જ સમાજવાદી અને સામ્યવાદી વિચારો ધરાવનારાઓએ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ખાનગી માલિકીના ઉદ્યોગ-વેપારને નવી જિંદગી બક્ષતી એક હોશિયારીભરી યુક્તિ તરીકે તે સમયે ઓળખાવ્યો હતો. ગાંધીજી એ વાત સાથે સહમત થતા હતા કે વ્યક્તિ શોષણ દ્વારા ધન સંચય કરે છે જેને પરિણામે હિંસા ફાટી નીકળે છે પરંતુ તેઓ રાજ્યની હિંસા કરતાં વ્યક્તિની હિંસા ચલાવી લેવાના મતના હતા કેમ કે એ બંનેમાંથી વ્યક્તિની હિંસા અમુક અંશે ઓછી દુષ્ટ હોઈ શકે છે.

આમ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સમગ્ર વિશ્વને અસર કરે તેવો એક “જરા હટકે” વિચાર છે જે સામાજિક સંપત્તિના સંચયના દુષ્ટ પરિણામો દુર કરવાનો એક નવો માર્ગ બતાવે છે. સવાલ એ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં અર્થસંગત છે કે નહીં ? એ શું માત્ર આદર્શ છે કે અમલમાં લાવી શકાય તેવો છે ?
.
મારી અંગત માન્યતા પ્રમાણે એ માત્ર આદર્શ બિલકુલ નથી. આજના યુગમાં સૌથી સુસંગત વિચાર છે. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો પ્રયોગ બહુ જોખમકારક નથી. આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ છે કે ચોથી લોકસભામાં સમાજવાદના કટ્ટર હિમાયતી રામમનોહર લોહિયાએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું બિલ રજૂ કરીને તે માટેનો માર્ગ મોકળો કરી આપેલો. જો કે લોકસભા બરખાસ્ત થવાથી એ વિચાર પડી ભાંગ્યો.
ટ્રસ્ટીશીપ પર આધારિત સંગઠનોએ કેવું વહીવટી માળખું અપનાવવું જોઈએ? માલિકી કે ભાગીદારીનો સવાલ ઊભો થાય તો માલિક કે ભાગીદારના સહિયારા નિર્ણયથી ઉકેલ લાવી શકાય. કામદારો અને સમાજના પ્રતિનિધિઓ આવા સંગઠનો સાથે સંલગ્ન હોય અને તમામ નિર્ણયો લેવામાં ભાગીદાર હોઈ શકે. એવી જ રીતે લિમિટેડ કંપની પણ ટ્રસ્ટીશીપ પર આધારિત વહીવટી માળખું અપનાવી શકે. દાતાઓ, શેરહોલ્ડર્સ, માલિકો, નોકરિયાતો અને સમાજના સભ્યોનું બનેલ એક જુદુ ટ્રસ્ટ એ કંપનીના હિતને અંકુશમાં રાખવાનું કાર્ય બજાવી શકે. નોકરિયાતોને તથા શેરહોલ્ડર્સને મત આપવાનો અધિકાર હોય અને તેમનું સભ્યપદ કંપનીમાં કામ કરે તેટલા સમય માટે મર્યાદિત હોય.

ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર કે વેપારની અસાધારણ સૂઝ અને વિશેષ શક્તિ ધરાવનાર એવી બહારની કોઈ વ્યક્તિ હોય તો તેમને આ ટ્રસ્ટનું આજીવન કે નિશ્ચિત સમય માટેનું સભ્યપદ લેવા આમંત્રણ આપી શકાય. પબ્લિક લિમિટેડ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં કેટલાક પાયાના ફેરફાર કરવા જરૂરી બને. આવા ટ્રસ્ટના આવકવેરા અને મિલ્કતવેરાના નિયમોમાં જરૂરી સુધારા કરવા પડે. બ્રિટનના Industrial Common Ownership Act, 1976 તથા લોહિયાએ લોકસભામાં મુકેલ ખરડો આપણને આ બાબતમાં માર્ગદર્શક થઇ પડે.

ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત દાનવીરો, કામદારો, ગ્રાહકો અને સમાજને એક સમાન ભાગીદાર તરીકે જુએ છે. મજૂર વર્ગને સારો પગાર, વધુ વેતન અને સગવડો આપવા માત્રથી ટ્રસ્ટીશીપનો અમલ નથી થતો. સમયે સમયે નામી કે અનામી રહીને જુદા જુદા પ્રકલ્પોમાં દાન આપવાને પણ ટ્રસ્ટીશીપ ન કહી શકાય એક ટ્રસ્ટ કોઈ કંપનીમાં સમાન ધોરણે શેર ધરાવે એ પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી ઘણો વેગળો વિચાર છે. ટ્રસ્ટીશીપ તો ઘણો વિશાળ વિચાર બની શકે, એક ચળવળ બની શકે, અરે, એ એક જીવન પદ્ધતિ બની શકે. બધા સત્તાધારીઓ પોતાને ટ્રસ્ટી માને અને તમામ સંસાધનો, સત્તા અને તેની સાથે સંકળાયેલ પ્રભાવક શક્તિનો વિનિયોગ કલ્યાણ અર્થે કરે નહીં કે સ્વઅર્થે.
.
હવે આપણે સામ્યવાદ, મૂડીવાદ અને બજારવાદ વિષે જોઈએ કે જેથી ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને કેવી રીતે અને કયા કયા ક્ષેત્રોમાં અમલમાં લાવી શકે તે અંગે ચર્ચા કરી શકાય.

વ્યવહારમાં સામ્યવાદ બહુ જ ખરાબ સાબિત થયો. તેને વ્યવહારમાં લોકશાહીનો અસ્વીકાર કર્યો. રાષ્ટ્રવાદને સામ્યવાદમાં કોઈ સ્થાન મળ્યું જ નહીં. માનવ સ્વાતંત્ર્યને કચડી નાખ્યું. સોવિયેત રશિયા અને ચીનમાં કરોડો લોકોને મારી નાખવામાં આવ્યા કે જેલમાં પૂરી દેવામાં આવ્યા. સ્ટાલિન અને માઓની ક્રુરતાથી આ દુનિયા અજાણ નથી. એટલે જ અંતે રશિયાએ “Perestroika”ના નામે બજારવાદની નીતિ અપનાવી. માઓનું કલ્ચરલ રિવોલ્યુશન નાકામ થતા અંતે ચીન પણ હારી-થાકીને વૈશ્વિકરણ અને ખાનગીકરણના રૂપાળા નામે બજારવાદની નીતિ તરફ વળ્યું. રશિયા અને ચીન બજારવાદ તરફ વળ્યું એ સામ્યવાદની બહુ મોટી હાર હતી. ત્યારબાદ જ્યાં જ્યાં સામ્યવાદ ચાલતો હતો તે તમામ દેશોમાંથી સામ્યવાદે વિદાય લીધી. કારણ કે મૂડીવાદથી શ્રમિકો વધુ ગરીબ બનશે એ વાત ખોટી સાબિત થઇ. આર્થિક અસમાનતા ઉભી થઇ પરંતુ શ્રમિક વધુ ગરીબ બન્યો તે વાત પુરવાર ન થતાં સામ્યવાદના વળતા પાણી થયા.

આનો મતલબ એ નથી કે મૂડીવાદ અને બજારવાદ અત્યંત સફળ થયો છે. મૂડીવાદ અને બજારવાદ પણ સફળ નથી. ગરીબી દુર કરવાનો સૌને હક્ક છે પરંતુ તે માટે સરકાર સમક્ષ લાચારીપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરીને ગરીબી દુર કરવી એ કોઈ કાયમી ઉપાય નથી. લાચારીનું તત્વ ગરીબો માટે હીણપતભર્યું છે.

પરંતુ વિશ્વમાં એવી આર્થિક ક્રાંતિ ક્યારે આવશે કે જેમાં મૂડીવાદ, બજારવાદ, સામ્યવાદ અને સમાજવાદ – આ ચારે એકસાથે કદમ મિલાવીને ચાલતા હશે ?

આનો જવાબ ગુજરાતની મહાજન પરંપરામાં રહેલો છે. “Philanthropic Capitalism” જેવી ઉત્કૃષ્ટ પરંપરા એટલે જ ગુજરાતની મહાજન પરંપરા. “મહાજન” શબ્દ અને પરંપરા વિશ્વને ગુજરાતની ભેટ છે. ગુજરાતની આ મહાજન પરંપરા ગાંધીજી દ્વારા સૂચિત “ટ્રસ્ટીશીપના સિદ્ધાંત”ને લગભગ મળતી આવે છે એટલે જ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને સમજવા માટે મહાજન પરંપરાની વાત કરવી છે.

ગુજરાત જ અબજોપતિ ઉદ્યોગપતિને અને કરોડપતિ વેપારીને “મહાજન” બનાવી શકે. ગુજરાતની મહાજન પરંપરા એટલે “એવી પરંપરા અને એવો વહીવટ કે જેમાં જુદા જુદા વ્યાપાર-ઉદ્યોગોમાં તેઓના મંડળોના બંધારણથી વ્યાપાર-ઉદ્યોગો ચલાવવા, આ તંત્રને રાજકીય તંત્રથી સ્વતંત્ર રાખવું અને તે રીતે મહાજન પરંપરા અને રાજકીય એવા બે તંત્રો દ્વારા વ્યવહાર ચલાવવો.”

બ્રિટીશ શાસન આવ્યું તે પહેલાં ગુજરાતમાં વેપારી મહાજનો ગુજરાતના વ્યાપાર ઉદ્યોગની મુખ્ય ધરી સમાન હતા. આ મહાજનો જ ચીજ-વસ્તુઓના ભાવ નક્કી કરતા, કામના કલાકો તેમજ મજુરીના દર નક્કી કરતા, માલની ગુણવત્તા નક્કી કરતા. મહાજન સંસ્થાઓ ઘણી ઉંચી શાખ ધરાવતી હતી. મહાજન, નગરશેઠ જેવા વિશેષણો અપાતા. તકલીફના સમયમાં તેઓ શહેર અને રાજ્યની વહારે આવતા. દુકાળ હોય કે અન્ય કુદરતી આફતો આવે તો મહાજનો અને નગરશેઠ તેમનો ખજાનો તમામ માટે ખુલ્લો મુકીને સૌને બચાવી લેતા. ગુજરાતના ઈતિહાસમાં મહાજન અને નગરશેઠ દ્વારા રાજ્ય ઉપર થનાર આક્રમણને ખાળવામાં આવ્યું હોય અને કુદરતી આફતો સમયે ગરીબ અને સામાન્ય પ્રજાજનોને રાહત મળી હોય એવા અનેક ઉદાહરણો મોજુદ છે.

મૂડીવાદ, બજારવાદ સામ્યવાદ અને સમાજવાદ એક સાથે સાથે કદમ મિલાવીને ચાલતા કરવા હશે તો ગુજરાતની પ્રાચીન “Philanthropic Capitalism” જેવી ઉત્કૃષ્ટ મહાજન પરંપરા તરફ વળવું પડશે. મહાજન પરંપરાની પ્રાણવાન ઊંચાઇને અને ગરિમાને પૂનઃપ્રસ્‍થાપિત કરવાનું બીડું ઝડપવાનો સમય હવે આવી ગયો છે. સામાજીક, શૈક્ષણિક અને રાષ્ટ્ર હિતના અનેક કાર્યો મહાજન પરંપરા દ્વારા ફરી એક વખત શરુ થાય એ આજના સમયની માંગ છે. મહાજન પરંપરાનો ઉપયોગ કરીને ઐતિહાસિક ભૌતિકવાદ અને ભૌતિકવાદ મિમાંસાનું પુનઃનિર્માણ કરવું અને વારસમાં મળેલા જૂના અર્થઘટનોની વિવેચના કરવી આજના સમયની અનિવાર્યતા છે.

ભારત સરકારે કંપનીના કાયદામાં ફેરફાર કરીને કંપનીના નફાના 02{9b3a1fcd6a4b0626577c578c46c3ff428a8105cfb94b8e3d879a036a6b42fd0a} Corporate Social Responsibility પાછળ ખર્ચ કરવાનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે તે આડકતરી રીતે “Philanthropic Capitalism” જ છે પરંતુ તેનો સરકાર અને સરકારની સંસ્થાઓ દ્વારા જ દુરુપયોગ થઇ રહ્યો છે. પ્રત્યેક રાજ્યમાં અને રાજ્યના પ્રત્યેક જીલ્લામાં ગુજરાતની પ્રાચીન ઉત્કૃષ્ટ મહાજન પરંપરા આધારિત સંસ્થાઓ ઉભી કરીને CSR દ્વારા પ્રાપ્ત થતા હજારો કરોડ રૂપિયાના ફંડનો વહીવટ કરી શકાય.

ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત આધારિત “Philanthropic Capitalism” જેવી ઉત્કૃષ્ટ મહાજન પરંપરા દ્વારા વિશ્વને પુન: વ્યાખ્યાયિત કરવું અને સામાજિક ક્રાંતિ દ્વારા તેને બદલવું એ આજના સમયની માંગ છે. જો મૂડી અને મૂડીવાદનો રસ્તો “Philanthropic Capitalism”થી કાઢવામાં મોડું થશે તો તે દેશના અર્થતંત્રના આવનારા સો વર્ષ માટે હાનિકારક હશે.

એકબીજા વચ્ચે સંવાદ જાળવી રાખવો એ જ તો ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પાસું છે. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત આધારિત “Philanthropic Capitalism” જેવી ઉત્કૃષ્ટ મહાજન પરંપરા દ્વારા જ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે, આરોગ્ય સેવાઓ અને દર્દીઓ વચ્ચે, કર્મચારી અને ઉદ્યોગો./વ્યવસાય વચ્ચે સંવાદનો સેતુ બનેલો રહી શકશે. ઉચ્ચ પરંપરા ધરાવતો આ દેશ છે. એકસાથે કામ કરતા સહકર્મચારીઓ વચ્ચે આદર્શ વાતાવરણ શ્રેષ્ઠીઓ પૂરું પાડતા એ આપણી મહાજન પરંપરાની ભાગ હતો. આજે હવે નોકરીઓ અને ધંધાનું વ્યવસાયીકરણ થઇ ગયું છે તેને કારણે સંવાદ તુટ્યો છે. બાકી મહાજન પરંપરામાં કોઇપણ કર્મચારી કે તેના પરિવારની વ્યક્તિને કંઈપણ થાય તો તેની તે અંગેની જરૂરિયાત મુજબ તેને વળતર મળી જતું અને તેની સામે કર્મચારી પણ એટલા જ ઉત્સાહ અને ધગશથી કાર્ય કરી આપતો. આ આપણી પ્રાચીન પરંપરા હતી.

શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રથી ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત આધારિત “Philanthropic Capitalism” જેવી ઉત્કૃષ્ટ મહાજન પરંપરા શરૂ કરવામાં આવશે તો તે શ્રેષ્ઠ પરિણામો આપી શકે છે. હજુ આજે પણ ગુજરાતમાં ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી શિક્ષણ સંસ્થાઓ અને આરોગ્ય સેવાઓ ખૂબ જ કિફાયતી દરે ઉત્કૃષ્ટ સેવાઓ આપી જ રહી છે. કોરોનાની મહામારીમાં ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્પિટલોએ નમૂનારૂપ અને ઉદાહરણીય કાર્ય કર્યું છે.

તેમ છતાં બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે વર્તમાનમાં ટ્રસ્ટોની કામગીરીમાં સરકારની વધુ પડતી દખલ, લોકોની બદલાયેલી ભાવના તેમજ સમાજનો ટ્રસ્ટો પ્રત્યેનો હાલનો અભિગમ – આ બધું ખૂબ બદલાયું છે અને એક સામાન્ય નાગરિકની દ્રષ્ટિએ આ બધા ફેરફારો સકારાત્મક લાગતા નથી. અનેક ટ્રસ્ટોની કરોડોની મિલકતો કોઈકના ઉમદા ઉદ્દેશથી અપાયેલા દાનમાંથી ઊભી થયેલી છે અને આજે તેનો વ્યવસાયિક ઉપયોગ તેમજ સિમિત લોકોના લાભાર્થે થતી પ્રવૃત્તિઓ – એ દાન આપનારનું માત્ર અપમાન જ નહી પરંતુ તેમના પ્રત્યે અને સાથે સાથે સમાજ પ્રત્યે પણ ગુનાઈત કૃત્ય હોય તેવું લાગે છે.

જેમ સહકારી પ્રવૃત્તિમાં ભ્રષ્ટાચાર અને તેની મૂળ ભાવનાને હાની થાય તેવી પ્રવૃત્તિઓ આજ-કાલ વધી ગઈ છે તે જ રીતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું સરેઆમ ચિરહરણ થાય ત્યારે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવવો જોઈએ. જો આપણે રાજકારણીઓ ઉપર વિશ્વાસ રાખીને બેસી રહીશું તો આ પ્રવૃત્તિનો ક્રમશઃ અંત આવશે કારણ કે મોટે ભાગે તેને નુકસાન કરવામાં તેઓ જ સૌથી વધારે જવાબદાર છે. એમ પણ આવી પ્રવૃત્તિઓ સમાજમાં પ્રતિષ્ઠિત લોકો, શિક્ષણવિદો, સેવાભાવી લોકો, દાનવીરો વગેરે દ્વારા સંચાલિત થાય અને તેનો ક્રમશઃ સકારાત્મક વિકાસ થાય તે વધુ ઈચ્છનીય છે. સરકાર અને રાજકારણની તેમાં લઘુત્તમ દખલ રહે એ સૌથી સારું છે.

આથી જ હાલમાં ગુણવત્તાના ઉચ્ચ માપદંડોથી ટ્રસ્ટો દ્વારા ચાલી રહેલી આરોગ્ય અને શિક્ષણની સંસ્થાઓને ટકાવી રાખવા માટે તથા નવા ટ્રસ્ટો દરેક તાલુકામાં ઊભા થાય અને તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થાય તે માટે જરૂર પડે યોગ્ય કાનૂની જોગવાઇઓ કરવી હવે અનિવાર્ય થઈ ગઈ છે. કારણ કે આજે ઘણાં ટ્રસ્ટો બહુ મોટું ફંડ એકસાથે મળી જાય એવા લોભથી કોર્પોરેટ ક્ષેત્રને વહીવટ આપી દેવામાં સહેજ પણ ખચકાટ અનુભવતા નથી અને તેને કારણે ટ્રસ્ટની આરોગ્ય અને શિક્ષણની સેવાઓનું પણ વ્યવસાયીકરણ થઈ રહ્યું છે.

આવા કપરા અને વિકટ સંજોગમાં આજે ગાંધી જયંતીએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત આધારિત “Philanthropic Capitalism” જેવી ઉત્કૃષ્ટ મહાજન પરંપરા આધારિત દરેક તાલુકામાં આરોગ્ય અને શિક્ષણની સેવાઓ શરૂ કરવામાં આવે અને તેને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય કાનૂની જોગવાઇઓ કરવામાં આવે એ જ આજના સમયની માંગ છે.


Spread the love

By Lincoln Sokhadia

Young and Bel Esprit Journalist with Bachelor in Science, Postgraduate diploma in Journalism and mass communication. Enthusiast with modern approaches, yet bounded with cultural ethos. Excellent and impartial writing skill. Hands on experience with research based exploring. Proponent of youth involvement in politics, history, literature and spiritual science.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *