Spread the love

  • તમામ ભારતીયોના મનમાં સવાલ
  • G20 કોન્ફરન્સથી ભારતને શું મળશે?
  • એક વર્ષથી સતત ચાલતી હતી તૈયારીઓ

આખો દેશ G-20ની સમિટમાં આવેલા દિગ્ગજ વૈશ્વિક નેતાઓને જોઈ રહ્યો છે સાથે સાથે ભારતની વિરાસત અને વારસાને વિશ્વના આ દિગ્ગજ નેતાઓ સમક્ષ જે રુપે રજુ કરવામાં આવી છે તે જોઈને ગૌરવ પણ અનુભવી રહ્યો છે. વિશ્વના આ નેતાઓની સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટીથી જોતાં એવું દેખાઈ આવે છે કે ભારત પણ વિશ્વ સ્તરનો કડક બંદોબસ્ત ગોઠવી શકે છે એની અનુભુતિ થઈ રહી છે. 29 દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ અહીં પહોંચ્યા છે. આ સાથે આ સમગ્ર આયોજન અને G20 કોન્ફરન્સ માટે જે ખર્ચ થયો છે તેની સામે દેશને શું મળશે ? અનેક ભારતીયોના મનમાં આ પ્રશ્ન ઘુમરાય છે કે દિલ્હીમાં યોજાઈ રહેલી G20 સમિટથી ભારતને શું મળશે?

ગયા વર્ષે G-20ની અધ્યક્ષતા મળ્યા બાદ જ ભારત સરકાર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ તૈયારીઓ છેલ્લા એક વર્ષથી સતત ચાલતી હતી. G20 ની તૈયારી માટે દેશના 50 થી વધુ જિલ્લાઓમાં 200 થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

G-20 સમિટથી ભારતને શું મળશે?

G-20માં અમેરિકા, ચીન અને રશિયા સહિત દેશોનો સમાવેશ થાય છે તે દેશો વિશ્વના અર્થતંત્રમાં લગ્ભગ 75 ટકા હિસ્સો ધરાવે છે. ભારત જી-20 બેઠક દ્વારા દેશમાં રોકાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા આવી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મીટીંગમાં નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર પર સમજૂતી થવાની શક્યતા છે. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે GE જેટ એન્જિન ડીલ પર વાતચીત આગળ વધી શકે છે અને એના પર સહમતી સધાવાની શક્યતા જોવાઈ રહી છે. આ ઉપરાંત ફ્રાન્સ અને બ્રિટન સાથે વ્યૂહાત્મક સોદા કરવાનો પ્રયાસ ભારત દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ તો થઈ આર્થિક બાબત ભારતને શુ મળી શકે છે અથવા ભારત શું પ્રાપ્ત કરી શકે છે. હવે ભારતના વૈશ્વિક દરજ્જામાં કેવું પરિવર્તન આવી શકે છે તેની ચર્ચા કરીએ. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં મુખ્યત્વે અમેરિકા, રશિયા અને ચીન પોતાને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરી રહ્યા છે, હવે G-20 સમીટના અયોજન બાદ ભારત પણ આંતરરાષ્ટ્રીય નેતૃત્વ લેવા માટેની ક્ષમતાઓ દર્શાવીને આ રેસમાં સામેલ થઈ ગયું છે.

ભારતે G-20 સમિટમાં આફ્રિકન દેશોને સામેલ કરવાની જાહેરાત કરી છે. ચીન અને યુરોપિયન યુનિયને G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવા માટે ભારતને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ બેઠક બાદ આ દેશોને G-20ની સ્થાયી સભ્યતા મળી જશે. આમ થતા G-20નું માળખુ તો બદલાશે જ સાથે સાથે આફ્રિકન દેશોની દ્રષ્ટીમાં ભારત એક મોટા વડીલ તરીકે ઉભરી આવશે.

આ G-20 સમિટમાં યુક્રેન-રશિયા યુદ્ધનો મુદ્દો પેચિદો બનવાની સંભવાના દેખાઈ રહી છે, યુક્રેન-રશિયા યુદ્ધને પરિણાણે વિશ્વના મોટાભાગના દેશો અત્યારે બે જૂથમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાંતોનું માનવું છે કે G-20 સમિટમાં યુક્રેન યુદ્ધના મુદ્દો એક મોટો પડકાર છે. એમાં પણ રશિયા વિરુદ્ધ વલણ અપનાવી રહેલા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના રાષ્ટ્રાધ્યક્ષો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આ મુદ્દો પડકાર બનવાની શક્યતા છે.

નવેમ્બર 2022 માં બાલીની બેઠકમાં પણ યુક્રેન યુદ્ધનો મુદ્દો મહત્વનો સાબિત થયો હતો અને છેવટે ઘણા દેશોએ એક ઠરાવ પસાર કરીને એવું જાહેર કર્યુ હતુ કે તેઓ યુક્રેન-રશિયા યુદ્ધની વિરુદ્ધમાં છે, જોકે આ બાબતનો રશિયા અને ચીન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતનું વલણ આ સમિટ દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધનો મુદ્દો હાવી ન થાય અને પડકાર ન બને તે માટે પુરતા પ્રયાસ કરી રહ્યું છે. ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)નો મુદ્દો આ પડકારને ધ્યાનમાં રાખીને જ આગળ ધપાવ્યો છે એવું કેટલાક આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોનું માનવું છે. ભારતનું માનવું છે વિકાસશીલ દેશો, વૈશ્વિક દક્ષિણના દેશો અને આફ્રિકન દેશોની હાંસિયામાં ધકેલાઈ ગયેલી આકાંક્ષાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે.

ભારતમાં આયોજિત G-20ની આ સમિટમાં એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યનો ઉકેલ મળી જશે તો વિશ્વમાં ભારતની છબી વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અનેક્ગણી મજબૂત થશે. વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે – ભારતની જનસંખ્યા, લોકશાહી, વિવિધતા અને વિકાસ વિશે કોઈ બીજા પાસેથી સાંભળવું એક વાત છે અને તેનો સીધો અનુભવ કરવો બીજી વાત છે. મને ખાતરી છે કે અમારા G-20 પ્રતિનિધિઓ પોતે જ તેને અનુભવશે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *