– રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ
– સુપ્રીમ કોર્ટે દિલ્હી રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
– રાજ્ય સરકારે તમામ શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી
સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી
દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે સમસ્યા સતત વકરી રહી છે ત્યારે બીજી બાજુ દિલ્હી સરકારે બાળકો માટે શાળાઓ શરૂ કરી દેતા સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી રાજ્ય સરકારની બરાબર ઝાટકણી કાઢી હતી.
કેજરીવાલ સરકારે શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે 29 મી નવેમ્બરથી શાળાઓ શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે જો પુખ્ત વયના લોકોને ઘેર રહીને કામ કરવાની પરવાનગી છે ત્યારે બાળકોને શાળામાં શા માટે બોલાવાઈ રહ્યા છે. દિલ્હી સુપ્રીમ NCR ના પ્રદૂષણ પર કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે પ્રદૂષણ વધી રહ્યું છે અને કોઈ કાર્યવાહી થઈ રહી નથી. બાદમાં દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીની શાળાઓને બીજો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરવાની જાહેરાત કરી હતી. દિલ્હીની કેજરીવાલ સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે પ્રદૂષણના સ્તરને જોતા શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
24 કલાકમાં પ્રદૂષણ રોકવાનો પ્લાન રજૂ કરવા અલ્ટીમેટમ
પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને 24 કલાકમાં પ્રદૂષણ રોકવાનો પ્લાન રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણ વધી રહ્યું છે જેને રોકવાના કોઈ કાર્યવાહી નથી થઈ રહી વાયુની ગુણવત્તા સતત બગડી રહી છે. કેન્દ્ર સરકારે ઉત્તર આપતાં જણાવ્યું હતું કે જે ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણના ધારાધોરણોનું પાલન નથી કરી રહ્યાં તે બંધ કરાવવામાં આવ્યા છે, સરકાર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે ઉદ્યોગો અને વાહનો દ્વારા ફેલાવતા પ્રદૂષણ બાબતે ગંભીર છીએ. તમે અન્યના ખભા ઉપર બંદૂક ચલાવી નહીં શકો તમારે પગલાં લેવા જ પડશે.