– રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
– રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો
– જુની SOP નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે
ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો આવતીકાલથી શરૂ
રાજ્યમાં ધોરણ 1 થી 5 નું ઓફલાઈન શિક્ષણ આવતીકાલથી શરૂ થશે આજે રાજ્ય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લગભગ બે વર્ષથી ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે આજે શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ આવતીકાલથી ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે જોકે વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત જુની SOP નું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. ઓફલાઈન શિક્ષણ સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે.
રાજ્યમાં તબક્કાવાર રીતે ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થામાં તબક્કાવાર બદલાવ લાવવામાં આવ્યો છે અને પુન: ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગોની 50 ટકા સંખ્યા સાથે શરૂઆત કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 ના ઓફલાઈન શિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. ઓફલાઈન શિક્ષણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ, સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવે છે. કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઓફલાઈન શિક્ષણ શરૂ થવાની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે તથા સરકારી તથા ખાનગી શાળાઓએ સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.