ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 98
કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 98
ડૉ. આંબેડકરે દલિતોને તાત્કાલિક પાકિસ્તાન છોડવા વિનંતી કરી.
ડૉ. આંબેડકર લખે છે: ‘ઇસ્લામનું બંધુત્વ તે માનવીનું સાર્વત્રિક બંધુત્વ નથી તેમાં બંધુત્વ છે, પણ જેના લાભ માત્ર જમાતમાં રહેવા પૂરતા સીમિત છે. કેમ કે જે જમાતની બહાર છે તેમને માટે ઘૃણા અને શત્રુતા સિવાય બીજું કંઇ નથી. ઇસ્લામનો બીજો દોષ એ છે કે તે સામાજિક સ્વશાસન સાથે તે અસંગત છે કેમ કે મુસ્લિમ જે દેશોમાં વસતો હોય તે દેશ પ્રત્યે તેવી વફાદારી રહેલી નથી પણ તેના ધર્મ પ્રત્યે તેની વફાદારી છે, મુસ્લિમો પાસેથી જે દેશમાં વસતો હોય તે દેશ પ્રત્યેની રાષ્ટ્રભક્તિ કલ્પવી પણ અશક્ય છે. ભારત તેની માતૃભૂમિ તરીકે સ્વીકારવાના અને હિંદુઓને તેના બાંધવો તરીકે સ્વીકારવાની છૂટ ઇસ્લામ કોઇ પણ સાચા ‘મુસ્લિમને નહિં આપે.’
ભાગલા પડ્યા પછી ચારે બાજુ હિંસા, આતંક, હત્યાઓ થઇ રહી હતી. બળાત્કારની ચીસો સંભળાતી હતી. લાખો હિન્દુઓ પાકિસ્તાન છોડી ભારત આવી રહ્યા હતા, પણ એમની વેદના સાંભળવા કૉંગ્રેસનો એક નેતા ક્યાંય ફરક્યો નહોતો. પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુ દલિતોની હાલત સૌથી ખરાબ હતી. મુસલમાનો તો એમને કાફર હિન્દુ તરીકે જ જોતા હતા. ડૉ. આંબેડકર આ વાત સારી રીતે જાણતા હતા. ઈસ્લામનું બંધુત્વ માત્ર મુસ્લિમો પૂરતું રહે છે, બાકી બધા એમના માટે કાફર છે.
ડો. બાબાસાહેબ આંબેડકર ઇસ્લામના ચાલ-ચરિત્રને સારી રીતે જાણતા. ભાગલા સંદર્ભે ઈસ્લામના ચરિત્રને ઉજાગર કરતા એમણે કહ્યું:
‘ભારતનો એકે એક મુસલમાન એમ કહે છે કે તે પહેલા મુસ્લિમ છે અને પછી ભારતીય. આ ભાવના પરથી જ તે સ્પષ્ટ થઇ જાય છે કે ભારતના મુસ્લિમે ભારતની પ્રગતિમાં કેમ આટલો નહિવત્ ભાગ લીધો છે અને મુસ્લિમ દેશોનો પક્ષ લઇ તે કેમ થાકી ગયો છે, શા માટે મુસ્લિમ દેશોનું સ્થાન તેના મનમાં પહેલું છે અને ભારતનું સ્થાન બીજુ. ઇસ્લામ એક સંકુચિત જમાત છે અને મુસ્લિમો તથા બિનમુસ્લિમો વચ્ચે તે જે ભેદ પાડે છે તે ખૂબ સાચો છે. ખૂબ નક્કર છે અને ખૂબ ભાગલાવાદી ભેદ છે. પણ ઇસ્લામનું બંધુત્વ તે માનવીનું સાર્વત્રિક બંધુત્વ નથી તેમાં બંધુત્વ છે, પણ જેના લાભ માત્ર જમાતમાં રહેવા પૂરતા સીમિત છે. કેમ કે જે જમાતની બહાર છે તેમને માટે ઘૃણા અને શત્રુતા સિવાય બીજું કંઇ નથી. ઇસ્લામનો બીજો દોષ એ છે કે તે સામાજિક સ્વશાસન સાથે તે અસંગત છે કેમ કે મુસ્લિમ જે દેશોમાં વસતો હોય તે દેશ પ્રત્યે તેવી વફાદારી રહેલી નથી પણ તેના ધર્મ પ્રત્યે તેની વફાદારી છે, મુસ્લિમો પાસેથી જે દેશમાં વસતો હોય તે દેશ પ્રત્યેની રાષ્ટ્રભક્તિ કલ્પવી પણ અશક્ય છે. જ્યાં ઇસ્લામનું શાસન હોય ત્યાં તેનો પોતાનો દેશ છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારત તેની માતૃભૂમિ તરીકે સ્વીકારવાના અને હિંદુઓને તેના બાંધવો તરીકે સ્વીકારવાની છૂટ ઇસ્લામ કોઇ પણ સાચા ‘મુસ્લિમને નહિં આપે. તેથી જ કદાચ, ભારતીય છતાંય મુસ્લિમ મૌલાના મહમદઅલીએ ભારતમાં દફનાવા કરતા યેરૂશેલમમાં દફનાવવાનું વધુ પસંદ કર્યું.’ (ડૉ. બી. આર. આંબેડકર: થોટ્સ ઓન પાકિસ્તાન)
આ ઇસ્લામની આ માનસિકતાના કારણે જ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ દલિતો પર ભયાનક અત્યાચારો શરુ થયા. આવા સમયે ડૉ. આંબેડકરે તરત જ દલિતોને પાકિસ્તાનથી ભારત આવતા રહેવા અપીલ બહાર પાડી. ડૉ. આંબેડકરનું એકમાત્ર અધિકૃત જીવન ચરિત્ર લખનાર ધનંજય કીરે ‘ડો. આંબેડકર-જીવન અને કાર્ય’ પુસ્તકમાં ભાગલા સમયની સ્થિતિ અને ડૉ. આંબેડકરે લીધેલા નિર્ણયનું વર્ણન લખ્યું છે. ડૉ. આંબેડકરે છપાવેલી પત્રિકાનો હવાલો આપીને કીર લખે છે:
‘ભારતના ભાગલાને કારણે બંને તરફ પરિસ્થિતિ વણસી હતી. રમખાણો ફાટી નીકળ્યા હતા. તે સમયે પરિસ્થિતિ અંગે ડૉ. આંબેડકરે તેમના સ્નેહી કમલાકાંત ચિત્રેને પત્ર લખ્યો. તેમણે તેમાં લખ્યું હતુ કે, તે રમખાણ નહીં, પ્રચંડ વિરોધ હતો. ઘાયલો અને મૃતકોની સંખ્યા મોટી છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીનું દૈનિક જીવન સ્થગિત થઈ ગયું છે.
વિભાજન પહેલાં જ ડૉ. બાબાસાહેબે ભારતમાં રહેતા મુસ્લિમોનું પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓનું ભારતમાં સ્થળાંતરનું સૂચન કર્યું હતું, જેથી ગૃહયુદ્ધ અને હત્યાકાંડ જેવી સ્થિતિ ટાળી શકાય. પરંતુ જે કોંગ્રેસ વારંવાર દેશને અખંડ રાખવાનું ઉચ્ચારણ કર્યું હતું, તેણે જ દેશના ભાગલા અને હિંસા બંનેનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે જે રીતે પાકિસ્તાનની રચના પહેલાં અલગ પાકિસ્તાનની માગણીને ગંભીરતાથી નહોતી લીધી એ જ રીતે તેમણે હિંદુ-મુસલમાનોના સ્થળાંતરની વાતની હાંસી ઉડાવી હતી, જેના લીધે દેશની સ્થિતિ કથળી હતી. ડૉ. આંબેડકરની શંકા સાચીપડી.
હત્યાકાંડના કારણે લાખો લોકો બેઘર થયાં. આશરે બે લાખ લોકોની હત્યા થઈ. સ્ત્રીઓના અપહરણ થયા. જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યા. ભાગલા પછીની પરિસ્થિતિ જોઈને વ્યથિત ડૉ. આંબેડકર દુ:ખી થયા. તેમણે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાની સરકારને હત્યાઓ માટે વખોડી કાઢી. ડૉ. આંબેડકરે ફરિયાદ કરી કે, અસ્પૃશ્યોને પાકિસ્તાન સરકાર ભારત આવવા દેતી નથી. તેમને જબરદસ્તી મુસલમાન બનાવવામાં આવી રહ્યાં છે. મુસલમાનોનું સંખ્યાબળ વધારવા માટે હૈદરાબાદમાં દલિતોને ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. ડૉ. આંબેડકરે એક અપીલ બહાર પાડી અસ્પૃશ્યોને સલાહ આપી કે, પાકિસ્તાનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોએ જે મળે તેનો ઉપયોગ કરીને ભારતમાં આવવું જોઈએ. જો તમે પાકિસ્તાન કે હૈદરાબાદના નિઝામ અને મુસ્લિમ લીગ પર વિશ્વાસ મુકશો તો છેતરાશો. દલિતો હિંદુ સમાજનો તિરસ્કાર કરે છે તેથી મુસલમાનો આપણા મિત્રો છે તેવું માનવું એ ભૂલ છે. માત્ર જીવ બચાવવા ઈસ્લામનો સ્વીકાર કરવો જોઈએ નહીં.
પાકિસ્તાનમાં જેમણે જબરજસ્તી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો તેમને ડૉ. આંબેડકરે આશ્વાસન આપ્યું કે, ધર્માંતર પહેલાં તેમની સાથે જેવું વર્તન કરાતું હતું તેવું જ વર્તન ધર્માંતર પછી પણ કરવામાં આવશે. નિઝામ ખુલ્લે આમ ભારતનો વિરોધ કરે છે, ભારતને શત્રુ માને છે. દલિતોએ નિઝામને ટેકો આપવો જોઈએ નહીં. ’ડૉ. આંબેડકરે જવાહરલાલ નહેરુ પાસે માગણી કરી કે પાકિસ્તાનમાં રહેતા દલિતોને ઝડપથી ભારતમાં લાવવામાં આવે. બે વર્ષ પછી નિઝામના હૈદરાબાદ પર ભારતે લશ્કરી કાર્યવાહી કરી. તે કાર્યવાહીકરનાર સરદાર પટેલને ડૉ. આંબેડકરે ટેકો કર્યો.’ (ડો. આંબેડકર: જીવન અને કાર્ય, પૃષ્ઠ: 398-399)
ડો. આંબેડકરના હૈયે હંમેશા અનુસૂચિત સમાજ અને દેશ હિત જ હતું. એ એમના દરેક કાર્ય અને વિચારમાં પડઘાય છે. કાશ્મીરને અલગ દરજ્જો આપતી કલમ 370 સમયે પણ એમની ભૂમિકા એ કલમના વિરોધમાં રહી હતી, કારણ એ કલમ રાષ્ટ્રની એકતામાં બાધક હતી, તો ભાગલા સમયે પણ એમણે એજ ભૂમિકા લીધી કે પાકિસ્તાનમાંથી અનુસૂચિત સમાજે વહેલી તકે ભારત આવતા રહેવું જોઇએ. પાકિસ્તાનના મુસલમાનને ભરોસે ન રહેવાય. ડો. આંબેડકર કેટલા સાચા અને દ્રષ્ટા હતા. આ કલમથી રાષ્ટ્રને તો નુકસાન થયું જ સાથે સાથે પાકિસ્તાનથી આવેલા વાલ્મીકિ બંધુઓને પણ થયું. પાકિસ્તાનથી આવીને જમ્મુમાં રહેતા વાલ્મીકિ બંધુઓને આ કલમના લીધે 70 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરમાં ન સરકારી નોકરી મળી, ન એમને અનામતના લાભ મળ્યો, ન એ ચૂંટણીમાં ઉમેદવારી કરી શક્યો. આ કલમથી વાલ્મીકિ બંધુઓને આટલું પારાવાર નુકસાન થયું પણ આ કલમ રદ થઇ ત્યારે કહેવાતા પેલા દલિત ઠેકેદારોના ટોળાએ કાશ્મીરી મુસલમાનોને રાજી કરવા કલમ રદ થઇ તેનો વિરોધ કર્યો હતો. CAAથી પણ પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા ત્યાંના અનુસૂચિત સમાજનો ભારત આવવાનો માર્ગ 70 વર્ષે મોકળો થયો.
ખેર આ એક અગલ વિષય છે પરંતુ ભાગલા પછીના ભીષણ હિંસા તાંડવમાં એક માત્ર આર.એસ.એસ.જ શરણાર્થીઓની મદદે આવ્યો. કૉંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનથી આવતા શરણાર્થીઓના ધાડેધાડા ભગવાન ભરોસે હતા.
|: ક્રમશ:|
©️kishormakwana