Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 99

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 99

ભાગલાની હિંસક આગ વચ્ચે આર.એસ.એસ.ના સ્વયંસેવકોએ બતાવી અદભૂત વીરતા….સેવા સમર્પણ

– એ. એન. બાલી લખે છે: ‘રા. સ્વ. સંઘના નવયુવાનોએ પીડિત હિન્દુ અને શીખ લોકોને શરૂઆતથી અંત સુધી સાથ આપ્યો. સૌથી પહેલાં તે તેમની પાસે પહોંચ્યા અને સૌથી છેલ્લે તમેણે પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) છોડ્યું. હું પોતે જાણું છું કે પંજાબના જિલ્લાઓના ઘણા નામી કૉંગ્રેસી નેતાઓએ પોતાની તથા પોતાના પરિવારના રક્ષણ માટે ખુલ્લેઆમ રા. સ્વ. સંઘની મદદ લીધી.’

કૉંગ્રેસે દેશની પ્રજાને અખંડ ભારતનો ભરોસો આપ્યો હતો, છતાં છેલ્લી ઘડીએ પ્રજાને અંધારામાં રાખી ભાગલા સ્વીકારી લઇ પ્રજા સાથે છેતરપિંડી તો કરી જ પણ ભાગલા પછી લોકો પર ભયાનક અત્યાચાર, આતંક અને હિંસાની જેહાદી આગ ભડકી રહી હતી. લોકો પોતાનું બધું પાકિસ્તાનમાં છોડી ભારત તરફ ભાગી રહ્યા હતા ત્યારેય કોન્ગ્રેસનો એક નેતા પ્રજાની મદદ કરવા આવ્યો નહીં. જોકે આવી ભીષણ પરિસ્થિતિ વચ્ચે પણ સરહદ પારથી આવેલાં આપણા ભાઈ બહેનોની વેદના સાંભળનાર લોકો પણ હતા. એ. એન. બાલીના શબ્દોમાં :
‘સુચેતા કૃપલાણી, મહાત્મા ગાંધી અને ડૉ. રાજેન્દ્રપ્રસાદ વગેરેએ લોકોને અહિંસાના માર્ગે ચાલવાની સલાહ આપી હતી. તેમણે ભગવાન પર વિશ્વાસ રાખવા કહ્યું હતું, પરંતુ મોટાભાગના પીડિતોને લાગ્યું કે આ દાઝ્યા પર ડામ જેવી સલાહ છે. આવી મુશ્કેલ ઘડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમનું રક્ષણ કર્યું. સંઘ નિઃસ્વાર્થ હિન્દુ યુવાનોનું સંગઠન હતું. તેમણે પ્રાંતના દરેક શહેરની શેરીઓમાં ફસાયેલા હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકોને બહાર કાઢવાનું બીડું ઊઠાવ્યું. તેમણે સંકટગ્રસ્ત વિસ્તારોમાંથી ખસેડી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા. તેમણે તેમના માટે ખાવા-પીવાની, દવા અને કપડાંની વ્યવસ્થા કરી, તેમની દેખભાળ રાખી. રક્ષણ માટે દળની રચના કરી. અનેક શહેરોમાં અગ્નિશામક દળ બનાવ્યાં. ભાગી રહેલા હિન્દુઓ અને શીખો માટે બસ અને લારીઓની વ્યવસ્થા કરી. ટ્રેનોમાં લોકોની સલામતી માટે યુવા દળ મૂક્યા. હિન્દુ તથા શીખ વસ્તીમાં રાત – દિવસનો ચોકી પહેરો મૂક્યો. લોકોને આત્મરક્ષણ માટે તૈયાર કર્યા. ભાગલાની પૂર્વ સંધ્યાએ સ્થિતિ ગંભીર બની ગઈ, સરકારી કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યાં, અથવા એમ કહો કે તેનો ઉપયોગ હિન્દુઓ અને શીખો પર અત્યાચાર કરવા માટે કરવામાં આવ્યો ત્યારે રા. સ્વ. સંઘના અનેક લોકોએ રક્ષા માટે શસ્ત્રો ચલાવવામાં અદ્દભુત ક્ષમતા દેખાડી. આ તો જેવા સાથે તેવાની નીતિ હતી.
આ નવયુવાનોએ પીડિત હિન્દુ અને શીખ લોકોને શરૂઆતથી અંત સુધી સાથ આપ્યો. સૌથી પહેલાં તે તેમની પાસે પહોંચ્યા અને સૌથી છેલ્લે તમેણે પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) છોડ્યું. હું પોતે જાણું છું કે પંજાબના જિલ્લાઓના ઘણા નામી કૉંગ્રેસી નેતાઓએ પોતાની તથા પોતાના પરિવારના રક્ષણ માટે ખુલ્લેઆમ રા. સ્વ. સંઘની મદદ લીધી. જેણેજેણે મદદ માગી તે બધાને સંઘે મદદ કરી. એવું બન્યું કે રા. સ્વ. સંઘના લોકોએ મુસ્લિમ મહિલાઓ અને બાળકોને હિન્દુ મહોલ્લાઓમાંથી કાઢીને સલામત રીતે લાહોરમાં મુસ્લિમ લીગના શરણાર્થી કેન્દ્રો સુધી પહોંચાડ્યાં.’
‘પૂર્વ પંજાબના મારા પ્રવાસ દરમિયાન મેં જોયું કે સામાન્ય લોકો શીખો અને સ્વયંસેવકોના ખૂબ આભારી હતા. લોકો તેમને પ્રજાના રક્ષક માનતા હતા. પૂર્વ પંજાબમાં ઘણા શીખ અને હિન્દુ શરણાર્થીઓને સંઘે રહેવા માટે આશરો કરાવી આપ્યો તેવું માનતા હતા. કમ સે કમ લાખો લોકોને ખાલી ઘરોમાં અને જમીન પર તંબુ બાંધી કામચલાઉ આશરો મળ્યો. શરણાર્થીઓના પુનર્વસન માટે પાછળ જે લાલિયાવાડી થઈ તેને જોઈને મન કંપી ઊઠે છે કે આ શરણાર્થીઓને પણ અન્ય અભાગિયા શરણાર્થીઓની માફક શરણાર્થી શિબિરોમાં અને રસ્તા પર ધક્કા ખાવા પડ્યા હોત તો તેમના પર શું વીતી હોત !’
‘સમગ્ર પ્રાંત (પાકિસ્તાન વિસ્તારના વિસ્તારો) ભડકે બળી રહ્યો હતો એવા સમયે પોતાની (રા. સ્વ. સંઘની) અનુશાસન, શારીરિક ક્ષમતા અને નિઃસ્વાર્થ ભાવનાના બળ પર સંકટ સામે બાથ ભીડીને પણ તેમણે પંજાબના લોકોનું રક્ષણ કર્યું. કૉંગ્રેસી નેતા અસહાય હાલતમાં નવી દિલ્હીમાં બેઠા હતા. તેમણે મુસ્લિમ લીગના વિરોધ આગળ ઘૂંટણ ટેકવી દીધા હતા. ગવર્નર જનરલ હઠાગ્રહ લઈને બેઠો હતો. શાંતિ તથા વ્યવસ્થા માટે આકરાં પગલાં માટેની તેમની વિનંતી સામે ધ્યાન આપતો નહોતો.’
‘હવે પંજાબ બહારની કોઈ વ્યક્તિ પંજાબના શીખો અને હિન્દુઓને કહે કે પોતાના પ્રાણને હથેળીમાં લઈને તેમનું (શીખો – હિન્દુઓ) રક્ષણ કરનાર શીખો અને રા. સ્વ. સંઘના કર્મવીરોને ભૂલી જાય તો કોઈ તેમની આ માગણી પર સહેજ પણ ધ્યાન આપે ખરું ?’ (એ. એન. બાલી : નાઉ ઈટ કેન બી ટોલ્ડ, પૃષ્ઠ: 137-139)
અંતમાં એ. એન. બાલી લખે છે : ‘પશ્ચિમી પાકિસ્તાનથી આવેલા શરણાર્થી ભારતમાં ગમે ત્યાં રહેતા હોય પરંતુ તે એક જ અવાજે એમ જ કહેશે કે તે સાચા માનવ – સંગઠન રા. સ્વ. સંઘના અમે પરમ આભારી છે. બધા તેમનો સાથ છોડી ચૂક્યા હતા ત્યારે તેવા મુશ્કેલ સમયમાં રા. સ્વ. સંઘે તેમને સાથ આપ્યો.’ (એ. એન. બાલી : નાઉ ઈટ કેન બી ટોલ્ડ, પૃષ્ઠ: 147)
તે દિવસોમાં રા.સ્વ સંઘના તત્કાલીન સરસંઘચાલક શ્રી ગુરુજી (મા. સ. ગોળવલકર) જ અખિલ ભારતીય સ્તરના એકમાત્ર એવા નેતા હતા જેઓ પંજાબના તોફાન-પીડિતોના તારણહાર બન્યા હતા. તેમણે તેમનામાં આશાનો સંચાર કર્યો. તેમનાં ઘાયલ મન પર મલમપટ્ટી લગાવી, સાંત્વના આપી. તેમણે એક મહાન આદર્શ સ્થાપિત કર્યો. તે દિવસ – રાત લોકોની ચિંતામાં ડૂબેલા રહ્યા. સંકટોની ચિંતા ન કરતાં તોફાનગ્રસ્ત વિસ્તારોમાં તો ચોવીસ કલાક ભટકતા રહ્યા. તેમને જોઈને હજારો સંઘ – કાર્યકર્તા ખેદાન – મેદાન થયેલી માનવતાના ઉદ્ધારના આ મહાયજ્ઞમાં નિઃસંકોચ-નિસ્વાર્થ ભાવે કૂદી પડ્યા.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love