Spread the love

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચતા હતા આજે વાંચો અંતિમ પ્રકરણ …

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

ભારતના ભાગલા ભલે થયા પણ ભારત ફરી એકવાર અખંડ બનશે

મહર્ષિ અરવિંદે 15 ઓગસ્ટના દિવસે પોતાના જન્મ દિવસે આપેલા સંદેશમાં દેશની પ્રજાને આહવાન કરતા કહ્યું :
‘વિભાજન સમાપ્ત થવું જોઈએ. એક્તા આવશ્યક છે અને એ મેળવવી જોઈએ કારણ કે ભારતના ભાવિની મહાનતા એના ગર્ભમાં છૂપાયેલી છે.’ ડો. બાબાસાહેબ આંબેડકરે પણ આવું જ અખંડ ભારતના સપનાને જોયું હતું.  ડો. બાબાસાહેબ આંબેડકરે અખંડ ભારતનો ભાવી સંકેત બંધારણ સભાની પહેલી જ બેઠકમાં (17 ડિસેમ્બર 1946) આપતા કહે છે: ‘મને આત્મવિશ્વાસ છે કે યોગ્ય સમયે અને અનુકૂળ સંજોગો મળતા આ દેશને એક થવામાં કોઇપણ તાકાત રોકી શકવાની નથી.’

પરમાત્માએ જેને એક બનાવ્યો છે એવો ભારત દેશ વખત અખંડ બનશે એવી શ્રદ્ધા અને સપનું દરેક ભારતીયનું રહેવાનું. જેમ જેમ વખત વહેતો જશે તેમ તેમ કુદરત એના રંગ દેખાડશે અને આ ત્રણે ભાગો વચ્ચેની કૃત્રિમ દીવાલો તોડી નાખશે.

વખત જતાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના શાસકો અને સામાન્ય જનતાને કડવા અનુભવ થશે ત્યારે કદાચ એમને એ વાતની અનુભૂતિ થશે કે આખરે ભારત પ્રત્યેની ધૃણા એમના માટે લાભકારી બનવાની નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશના કરોડો લોકોના ભારતના પરિવારો સાથે લોહીના સંબંધો છે.હિન્દુસ્થાનનાં એમનાં ભાઈબહેનોને સ્વતંત્રતા, ધાર્મિક સુરક્ષા અને લોકશાહીના કેટલા અધિકારો મળેલા છે એની એમને ખબર છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સરમુખત્યારશાહી, દમન અને રાજકીય વેર ભાવનાની એટલી બધી માનસિકતા વ્યાપેલી છે કે તેઓ પોતાના માજી વડાપ્રધાનો અને રાષ્ટ્રપ્રમુખોને પણ જીતવા છોડતા નથી. આ બધી બાબતો ત્યાંના નાગરિકોને એમની સરખામણી ભારતીય જીવન સાથે કરવા પ્રેરે એ બહુ સ્વાભાવિક છે. ધીરે ધીરે એક ને એક દિવસ તો એમને ભાન થશે જ કે ભાગલાથી એમને તલભાર પણ લાભ થયો નથી. એની ભૌતિક તથા માનસિક સુખશાંતિનો આધાર તેઓ ફરીથી ભારત તથા એમની સાંસ્કૃતિક પરંપરા સાથે ભળી જાય એમાં રહેલો છે.

ભારતના આ ત્રણ ભાગોના પુનઃ મિલનની સંભાવના ત્યારે જ શક્ય બને જ્યારે –

• આપણા લોકો આ સપનુ પૂર્ણ થાય તે માટે અખંડ ભારતની જ્યોતિ સતત જલતી રાખે.

• પોતાના માનસપટલ પર અખંડ ભારતનું દેદીપ્યમાન ચિત્ર અંકિત કરી રાખે.

• પવિત્ર પંચનદ પ્રદેશની સ્મૃતિઓ અંતરમનમાં વહેતી રાખે.

• તક્ષશિલા, નાનકાના સાહિબ, સિંધુ, ચટગાંવ અને ઢાકેશ્વરીના નાદ સાંભળતા રહે.

• પાકિસ્તાનના લોકોમાં પણ એમનું જ લોહી વહી રહ્યું છે એ વાત ક્યારેય ભૂલે.

• ભાગલા તો આખરે અકુદરતી, અસ્થાયી અને હાનિકારક છે એ વાત સતત યાદ રાખે.

• આપણા હૃદય માભોમના અંગ – છેદનથી સતત વેદના અનુભવ્યા કરે.

• ભાગલા એ ઢોંગી સેક્યુલરિઝમ, છળકપટ અને તુષ્ટિકરણનું પરિણામ છે એ બાબત ક્યારેય ભૂલતા નહીં.

• ભાગલા સમયની ભૂલો પર પડદો ન પડવા દેશો.

અખંડ ભારતનું સ્વપ્ન ત્યારે જ સાર્થક થઈ શકે એમ છે.
આપણે યહૂદીઓ પાસેથી શીખવા જેવું છે. એમનો એક પ્રેરક સત્ય પ્રસંગ આપણી સામે છે. એમને એમના જ દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 1800 વર્ષ સુધી તેઓ આમતેમ દુનિયાભરમાં ભટકતા રહ્યા. તેઓ ભારત સિવાય વિશ્વ આખામાં અત્યાચારોના શિકાર બન્યા; પરંતુ અંતે પોતાની પ્રિય માતૃભૂમિ પાછી મેળવવામાં એ સફળ થયા. એમણે પોતાની પ્રાચીન માતૃભૂમિ પર એક સ્વતંત્ર, ભવ્ય, અને તેજસ્વી રાષ્ટ્રની સ્થાપના કરી. માતૃભૂમિ વગર પેઢી-દર પેઢી, સદીઓ વીતતી રહી પરંતુ એમના મનમંદિરમાં આશાનો અખંડ દીપ જલતો રહ્યો કે ઈઝરાયલમાં પોતાના સ્વતંત્ર રાષ્ટ્રની પ્રતિમાને  પુનઃ પ્રતિષ્ઠિત કરીશું ત્યારે જ શાંતિથી બેસીશું. એમણે એક જ સપનું સેવ્યું હતું અમે અમારી પ્રિય માતૃભૂમિ ફરી મેળવીને જ રહીશું. પ્રત્યેક યહૂદી ઘરમાં ટીંગાડેલ ‘વેલિંગ વૉલ’નું ચિત્ર અને રોજ પ્રાર્થનામાં એક જ વાતનું રટણ ચાલતું રહેતું કે–‘આવતા વર્ષે જેરુસલેમમાં….’ પેઢીઓ સુધી કાયમ આ પવિત્ર સંકલ્પની યાદ દેવડાવતાં રહ્યાં. ભલે એ વિશ્વભરમાં વેરવિખેર હતા. પણ સપનું બધાનું એક જ હતું: આવતા વર્ષે અમે અમારી પ્રિય માતૃભૂમિમાં હોઇશું. સપનુ અને સંકલ્પ પેઢીઓ પછી સાકાર થયું. સો પેઢીઓ પસાર થઇ ગઇ તો ય એ સપનું આંખ આગળથી ઓઝલ ન થવા દીધું, ત્યારપછી એમનું સ્વપ્ન સાકાર થયું. વિશ્વે તો એમને પોતાના મનમાંથી કાઢી નાખી ઈતિહાસની કચરાપેટીમાં ફેંકી દીધા હતા. પણ એ રાષ્ટ્ર ફરીથી જીવંત થઈ ગયું–માનો કે રાખમાંથી બેઠું થઈ ગયું. અખંડ ભારતનું સ્વપ્ન આનાથી ય મુશ્કેલ છે? ભારત વર્ષનું પુનઃ એકીકરણનો સંકલ્પ આના કરતાં પણ દુષ્કર છે ?

15 ઓગસ્ટ 1947 નો  દિવસ એ મહાયોગી શ્રી અરવિંદનો પણ જન્મ દિવસ… એ દિવસે એમણે આપેલો સંદેશ ભારતના ભાગલાના સમગ્ર પ્રશ્રને એના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. એમણે આપણી સામે એક રાષ્ટ્રીય લક્ષ્ય પણ રજૂ કર્યું હતું. આ સંદેશ એક આહ્વાન છે, જે પ્રત્યેક ભારતપ્રેમીના મનમાં અંકાઈ જવું જોઈએ.

મહર્ષિ અરવિંદ સંદેશમાં કહે છે : ‘ભારત આજે સ્વતંત્ર થઈ ગયું છે, પરંતુ એણે એક્તા પ્રાપ્ત કરી નથી… હિન્દુ અને મુસલમાનના રૂપે પુરાણું સાંપ્રદાયિક વિભાજન હવે પ્રવાહી રહ્યું નથી, ઊલટું એણે તો દેશના કાયમી રાજકીય વિભાજનનું નક્કર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ બનેલી બાબત કાયમ માટે પથ્થર પરની રેખા ન  બની જાય એવી આશા રાખીએ. ભાગલાને એક કામચલાઉ જરૂરિયાત સમજી લેવું જોઇએ. આ ભાગલા કાયમ રહેશે તો ભારત ગંભીર રૂપે નિર્બળ બની જશે, વિકલાંગ પણ થઈ શકે. એને સદા સર્વદા ગૃહયુદ્ધની શક્યતા રહેવાની. નવાં આક્રમણો થાય અને વિદેશનું આધિપત્ય રહે એમ પણ બને. ભારતનો આંતરિક વિકાસ અને એની સમૃદ્ધિ અટકી જાય એવું પણ બની શકે છે. રાષ્ટ્રો વચ્ચે એની પ્રતિષ્ઠા ઓછી થઈ જાય. એનૂં ભાગ્ય જ ફૂટી જાય. આવું ન થવું જોઈએ. વિભાજન સમાપ્ત થવું જોઈએ. એક્તા આવશ્યક છે અને એ મેળવવી જોઈએ કારણ કે ભારતના ભાવિની મહાનતા એના ગર્ભમાં છૂપાયેલી છે.’ (શ્રી અરવિંદ : કમ્પ્લીટ વર્ક્સ, ખંડ – 26 પૃષ્ઠ: 404-405)

ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ આવા જ અખંડ ભારતના સપનાને જોયું હતું.  ડો. બાબાસાહેબ આંબેડકરે અખંડ ભારતનો ભાવી સંકેત બંધારણ સભાની પહેલી જ બેઠકમાં (17 ડિસેમ્બર 1946) આપતા કહે છે: ‘મને આત્મવિશ્વાસ છે કે યોગ્ય સમયે અને અનુકૂળ સંજોગો મળતા આ દેશને એક થવામાં કોઇપણ તાકાત રોકી શકવાની નથી. આપણી અલગ અલગ જાતિઓ અને સંપ્રદાયો હોવા છતાં હું આત્મવિશ્વાસથી કહી શકું છું. આપણે નિ:શંકપણે એક પ્રજા થઇ જવાના…’

આ મહાપુરુષોએ ભાખેલું ભવિષ્ય એક દિવસ સાકાર થવાનું છે. સિંધુ નદી ભલે પોતાના કરોડો સંતાનો માટે આજ પરાઇ થઇ ગઇ હોય કે વેદોની રચના થઇ હતી એ સ્થાન કટ્ટરપંથીઓના હાથમાં સોંપી દેવામાં આવ્યું હોય પરંતુ એક દિવસ એ અખંડ ભારતમાં સામેલ હશે!


Spread the love