– ડૉક્ટર મહિલાના શરીરમાં કોરોનાના આલ્ફા તથા ડેલ્ટા બંને વેરિયન્ટ મળ્યા.
– ડૉક્ટર મહિલાને કોરોનાના હળવા લક્ષણો
– ડૉક્ટર મહિલાની હાલત ઠીક, હોસ્પિટલમાં દાખલ નથી કરાયા
એક જ વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસના બે વેરિયન્ટ મળ્યા
આસામના ગૌહત્તીમાં એક મહિલા ડૉક્ટરના પતિ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મહિલા ડૉક્ટરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મહિલા ડૉક્ટરની તપાસમાં એ જાણવા મળ્યું કે મહિલા ડૉક્ટરના શરીરમાં કોરોના વાયરસના વેરિયન્ટ આલ્ફા તથા ડેલ્ટા એવા બે વેરિયન્ટ મળ્યા છે. એક જ વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસના બે વેરિયન્ટ હોય તેવો ભારતનો સૌથી પહેલો કેસ જોવા મળ્યો છે.
આ પ્રકારનો ભારતનો પ્રથમ કેસ
આ પ્રકારે એક જ વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસના બે વેરિયન્ટ બ્રાઝિલ, બ્રિટન અને પોર્ટુગલમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. બેલ્જિયમની એક 90 વર્ષની મહિલાના શરીરમાં કોરોના વાયરસના આલ્ફા તથા બીટા એવા બે વેરિયન્ટ મળી આવ્યા હતા. બેલ્જિયમની આ મહિલાએ કોરોનાની વેક્સિન લીધેલી નહોતી અને મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ભારતનો પ્રથમ કેસ આસામમાં નોંધાયો છે. દિબ્રુગઢ જીલ્લાના ICMR – RMRC નોડર અધિકારી ડૉ. વિશ્વજ્યોતિ બોરકાકોટીએ એક મિડિયા ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલા ડૉક્ટરમાં કોરોના વાયરસનાં બે વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના ગણી શકાય તેમ છે.
પતિ કોરોના વાયરસનાં એક તથા પત્ની બે વેરિયન્ટથી સંક્રમિત
ડૉ. વિશ્વજ્યોતિ બોરકાકોટીએ જણાવ્યું કે મહિલા ડૉક્ટરના પતિને કોરોના સંક્રમણ થયું હતું. પતિના સંક્રમિત થયા બાદ પત્નીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે પણ પોઝિટિવ આવ્યો હતો. મહિલાના રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે પત્ની કોરોનાના બે વેરિયન્ટ આલ્ફા તથા ડેલ્ટાથી સંક્રમિત છે જ્યારે પતિ કોરોનાના એક જ વેરિયન્ટ આલ્ફાથી સંક્રમિત છે. મહિલામાં બે વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે ફરીથી તપાસ કરવામાં આવી છે. હમણાં સુધી એવું જાણવા મળ્યું છે કે મહિલાને કોરોનાના સાવ હળવા લક્ષણો છે તથા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે મહિલા ડૉક્ટરે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાના લગભગ એક મહિના બાદ સંક્રમિત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમિત 38 હજાર 164 નવા કેસ નોંધાયા છે જ્યારે 38 હજાર 660 લોકો સાજા થઈને ઘેર પહોંચ્યા છે.