– અલગાવવાદી અમૃતપાલ 36 દિવસથી ફરાર હતો
– અમૃતપાલ સમર્થકો સાથે સરન્ડર કરવાના પ્લાન કરતો હતો
– સમર્થકને છોડાવવા પોલીસ મથક પર હુમલો કર્યો હતો
અમૃતપાલની ભીંડરાંવાલાના ગામમાંથી ધરપકડ
પંજાબમાં અલગાવવાદના જન્મદાતા ગણાતા જરનૈલ સિંહ ભિંડરાનવાલાનો જન્મ પંજાબ જે રોડે ગામમાં થયો હતો ત્યાંથી જ અમૃતપાલસિંહને પકડવામાં આવ્યો છે. વારિસ પંજાબ દેના મુખી બનવા માટે અમૃતપાલ સિંહે અહીં જ દસ્તરબંદી વિધિ પણ કરી હતી. પોલીસ સૂત્રોની માનીએ તો અમૃતપાલ સિંહ બૈસાખીના દિવસે એટલે કે 14 એપ્રિલે ભટિંડાના તલવંડી સાબો ખાતે તખ્ત શ્રી દમદમા સાહિબ આવીને સરેન્ડર કરવા માગતો હતો. ઈન્ટેલિજન્સ અને પંજાબ પોલીસને અમૃતપાલ સિંહના પ્લાનની જાણ થઈ જતાં અમૃતપાલને દમદમા સાહિબ પહોંચતો રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. ત્યારબાદ અમૃતપાલ સિંહ રોડે પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેને ઝડપી લીધો હતો.
અમૃતપાલની પત્નીને અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી
20 એપ્રિલના રોજ અમૃતપાલની એનઆરઆઈ પત્ની કિરણદીપ કૌર જ્યારે લંડન જઈ રહી હતી ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓએ અમૃતસર એરપોર્ટ પર રોકી લીધી હતી. શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કિરણદીપની લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી કિરણદીપને છોડી મૂકવામાં આવી હતી.
પોલીસે ટ્વિટ કરી આપી માહિતી
અલગાવવાદી અમૃતપાલની ધરપકડની જાણકારી પંજાબ પોલીસે ટ્વિટ કરીને આપી હતી સાથે સાથે નાગરિકોને શાંતિ જાળવવા પણ અપીલ કરી હતી.