- દારૂનું 6000 બોટલો કબજે કરાઈ
- આરોપી ઇસ્તીયાક સૈયદ, મુસ્તાક શેખ અને વિવેક સંઘણીની ધરપકડ
- મુખ્ય આરોપી વોન્ટેડ અને ફરાર
અમદાવાદમાં લોકડાઉન સમયથી 3 લોકોએ સાથે મળીને દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને ધીમે-ધીમે આરોપીઓ આખા ગોડાઉનમાં દારૂનો સ્ટોક રાખવા લાગ્યા હતા. સતત ગોડાઉન બદલતા રહેતા આરોપીઓ અંતે દાણીલીમડા ખાતે ગોડાઉન રાખ્યં તે સમયે પકડાયા હતા. તેઓ નાના બુટલેગરોને દારૂ આપવા જતા ત્યારે સમગ્ર રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. હવે આરોપીઓની પૂછપરછના કારણે સમગ્ર શહેરમાં ફેલાયેલા તેમના નેટવર્કની વિગતો બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
દારૂના ધંધામાં રહેલા આરોપીઓ પોલીસથી બચવા વિવિધ પ્રકારના પેતરાં વાપરે છે ત્યારે આ બુટલેગરો પણ રીતસર ઈન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મુકતા હતા. તેઓ રિક્ષા, બાઈક કે અન્ય જે-તે સાધન મળે એની પર શહેરમાં બિન્દાસ્ત દારૂની ડિલિવરી કરતા હતા. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે દાણીલીમડામાં અલ કુબ એસ્ટેટના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો મોટાપ્રમાણમાં પડ્યો છે. જેથી પીસીબીની ટીમે રેડ પાડી પણ બાતમી મળી તેના કરતા વધુ પ્રમાણમાં જથ્થો ગોડાઉનમાંથી મળી આવ્યો હતો.
આરોપીઓએ આ ગોડાઉન 1દિવસ પહેલા જ ભાડે રાખ્યું હતું. તેઓ દર 2-3 દિવસે દારૂના જથ્થા માટે ગોડાઉન બદલતા રહેતા હતા. પોલીસને આ ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂની 6000થી વધુ બોટલો મળી આવી હતી. પોલીસે આ રેકેટમાં ઈસતીયાક સૈયદ, વિવેક સંઘાણી અને મુસ્તાક શેખની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં ઈલિયાસ સૈયદ હજુ વોન્ટેડ છે, જેની પાસે અમદાવાદના દારૂના કેરિયર નેટવર્કની તમામ વિગતો રહેલી છે.