- 10,000 ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી ટનલ
- પહેલા રોહતંગ ટનલ નામ હતું જે પાછળથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં એમના નામે નામકરણ કરવામાં આવ્યું.
- અટલ ટનલને કારણે મનાલી – લેહનું અંતર 46 કિલોમીટર ઘટી જશે..
આજે અટલ ટનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે
અનેક ભૌગોલિક, કુદરતી કઠણાઈઓને હરાવીને દસ વર્ષે તૈયાર થઈ ગયેલી 10,000 ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
10 વર્ષ પહેલાં વાજપેયી સરકારે લીધો હતો નિર્ણય
આજે અટલ ટનલને નામે જે ટનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે તેનું શરૂઆતમાં નામ રોહતાંગ ટનલ હતું. આ ટનલ બનાવવાનો નિર્ણય જુન 2009 માં તત્કાલીન વાજપેયી સરકારે લીધો હતો જે નરેન્દ્ર મોદી સરકારે નામ બદલીને અટલ ટનલ એવું રાખ્યું છે.
મનાલી-લહુલ સ્પીતી ખીણનો સંપર્ક બારેમાસ જળવાઈ રહેશે
અટલ ટનલ બનતા મનાલી – લહુલ સ્પીતી ખીણનો સંપર્ક બારેમાસ જળવાઈ રહેશે. આ પહેલા સ્પીતી ખીણનો વિસ્તાર ભારે બરફવર્ષાને કારણે લગભગ 6 મહિના સુધી સંપર્કવિહોણો થઈ જતો હતો તે અટલ ટનલ બનતા બારેમાસ જળવાઈ રહેશે.
મનાલી-લેહ વચ્ચેનું અંતર ઘટી જશે
અટલ ટનલ બનતા મનાલીથી લેહના પ્રવાસનો સમય આશરે ચાર કલાક ઓછો થઈ જશે તથા અંતરમાં ગણીએ તો 9.02 કિલોમીટર લાંબી આ ટનલ બનતા જ મનાલી-લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે.
આશરે 10,000 ફીટ ઊંચાઈ પર આવેલી વિશ્વની સૌથી લાંબી ટનલ
હિમાલયના પીર પંજાલમા આવેલી અટલ ટનલ દરિયાઈ સપાટીથી આશરે 3000 મીટર ઊંચાઈ પર આવેલી છે. ટનલનો દક્ષિણ છેડો મનાલીથી 25 કિલોમીટર 3060 મીટરની ઊંચાઈએ આવેલો છે તો ઉત્તર છેડો લહુલ સ્પીતી ખીણના સીસ્સુના તેલિંગ ગામમાં આશરે 3071 મીટરની ઊંચાઈએ આવેલો છે.
અલ્ટ્રા મોર્ડન સ્પેસિફિકેશનથી બની અટલ ટનલ
9.02 કિલોમીટર લાંબી અટલ ટનલ બનાવવામાં અલ્ટ્રા મોર્ડન સ્પેસિફિકેશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટનલના બંને દ્વારો ઉપર અવરોધ લાગેલા છે. કટોકટીના સમયમાં સંપર્ક કરવા માટે દર 150 મીટરના અંતરે ટેલીફોન તથા દર 60 મીટરના અંતરે અગ્નિશમન યંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. ટનલમાં બનતી ઘટનાઓ પર નજર રાખવા માટે દર 250 મીટરના અંતરે સીસીટીવી કેમેરા લાગેલા છે. આ ઉપરાંત ટનલની અંદર હવાની ગુણવત્તાનું ધ્યાન રાખવા પ્રત્યેક એક કિલોમીટરના અંતરે વાયુ ગુણવત્તા ચકાસણી પ્રણાલી ફીટ કરાઈ છે. ટનલમાં દર 25 મીટરે કટોકટીના સમયમાં બહાર નીકળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને આખી ટનલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ જડવામાં આવેલી છે.
અટલ ટનલની ટ્રાફિક ક્ષમતા
અટલ ટનલમાંથી દરરોજ આશરે 5000 વાહનોની અવરજવર થવાનો અંદાજ છે. ટનલની ટ્રાફિક ક્ષમતા મુજબ દરરોજ 3000 કાર તથા 1500 ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવરજવર કરી શકશે.
અટલ ટનલની વિશેષતાઓ
- – એસ્કેપ ટનલ : એસ્કેપ ટનલ એ મુખ્ય અટલ ટનલની નીચે બનેલી એસ્કેપ ટનલ છે જેનો ઉપયોગ કટોકટીના સમયમાં બહાર નીકળવા થઈ શકશે.
- – સ્નો ગેલરી : હવાની અવર-જવર માટે મનાલીથી ટનલના એક્સેસ રોડ ઉપર સ્નો ગેલરીઓ બનાવવામાં આવી છે.
- – વૈકલ્પિક માર્ગ : હિમાલયની પીર પંજાલની પર્વતમાળામાં આવેલી અટલ ટનલ 13050 ફૂટ ઉપર આવેલા રોહતાંગ પાસ સુધી પહોંચવા માટેનો વૈકલ્પિક માર્ગ બનશે. મનાલીથી લાહુલ-સ્પીતી ખીણ જવા આશરે 4-5 કલાકનો સમય લાગે છે તે ઘટશે તથા લગભગ 46 કિલોમીટર જેટલું અંતર પણ ઓછું થશે.
- – સરહદે સૈન્ય આપૂર્તિ માટે આવશ્યક : અટલ ટનલ બનતા પાકિસ્તાન તથા ચીન સરહદે સૈન્ય આપૂર્તિ ઝડપી બનશે. આ ઉપરાંત આ ટનલ મનાલીથી લાહુલ સ્પીતી ખીણને બારેમાસ સંપર્ક કરી શકાશે.