Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
  • પાકિસ્તાન નિર્માણ પછી પણ દેશમાં ભાગલાવાદી માનસિકતા ઓછી થઇ ખરી ?
    ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે આલેખાયેલ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
    સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.
    વાંચો લેખમાળાનું પ્રકરણ – 83

• અંતે કોન્ગ્રેસ લોર્ડ માઉન્ટબેટનની જાળમાં સપડાઇ ગઇ અને ભારતના ભાગલા માટે તૈયાર થઇ

  • 22 માર્ચ 1947ના દિવસે માઉન્ટબેટન ભારતના વાઇસરોય તરીકે ભારત આવી પહોંચ્યા. બ્રિટનના રાજવંશી પરિવાર સાથે સંકળાયેલા નૌસેનાપતિ માઉન્ટબેટનનું પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ હતું. પં. નહેરુ સાથે એમણે અંગત મિત્રતા કરી લીધી હતી. આગામી નિર્ણાયક દિવસોમાં એ એમને માટે ખૂબ લાભકારી સિદ્ધ થવાની હતી.
  • વાઈસરૉય તરીકે ઔપચારિક રીતે શપથ લેતા પહેલાં લોર્ડ માઉન્ટબેટને ગાંધીજી અને મહંમદઅલી ઝીણાને દિલ્હી બોલાવી એમની સાથે વાટાઘાટો કરી. આ પછી એમણે પં. નહેરુ અને સરદાર સાથે ચર્ચા કરી. વાટાઘાટનો પહેલો દોર ભારતીય નેતાઓનાં મન સમજવા માટેનો હતો. વાઈસરૉયે આ અંગે પોતાના વિચારોની ગંધ પણ કોઈને આવવા દીધી નહિ.

બ્રિટીશ વડાપ્રધાન એટલીએ બ્રિટનની સંસદમાં
કરેલા પ્રવચનમાં અંગ્રેજો ભારત છોડશે એવું આશ્વાસન તો હતું જ તો સાથે સાથે એમાં એવા સ્પષ્ટ સંકેતો હતા કે દેશનું બે કે તેથી વધુ ભાગોમાં વિભાજન થશે.
પં. નહેરુએ વક્તવ્યનું સ્વાગત કરતાં કહ્યું :
‘સત્તાનું અંતિમ હસ્તાંતર જૂન 1948 સુધી અથવા તો એના પહેલાં થઈ જશે એવી સ્પષ્ટ નિશ્ચિત ઘોષણા કરવામાં આવી છે. એનાથી બધી શંકાઓ અને તમામ મિથ્યા ધારણાઓ દૂર થઈ ગઈ છે; એટલું જ નહીં સાથે સાથે ભારતની હાલની સ્થિતિને વાસ્તવિકતા અને કાંઈક અંશે ગતિશીલતા પ્રદાન કરે છે. આ નિર્ણયનાં દૂરગામી પરિણામો આવશે એમાં કોઈ શંકા નથી. એણે બધા સંબંધિત પક્ષો પર જવાબદારી અને બોજ નાખ્યો છે. આપણા બધા માટે આ પડકાર છે. આપણે એનો ઉકેલ નીડર બની પડકારના ભાવનાથી કરવાનો પ્રયત્ન કરીશું.’ પં. નહેરુ આગળ કહે છે: ‘મને વિશ્વાસ છે કે આપણે પરંપરાગત માર્ગેથી અલગ માર્ગે જવાનો પ્રયત્ન કરીશું. આપણે આપણા આંતરિક મતભેદો ભૂલી જઇશું. જે મતભેદોને કારણે આપણા પ્રયાસો નિષ્ફળ રહ્યા, એવા આંતરિક મતભેદો ભુલાવી દઈશું. આપણે આ જવાબદારીને નીભાવીશું. આપણું લક્ષ્ય હશે દેશની સ્વાધીનતા અને એની પ્રગતિ.’ (ડોર્થ નોર્મલ : નહેરુ – ધ ફર્સ્ટ ફીફ્ટી ઈયર્સ, પૃષ્ઠ: 304)
બીજી તરફ પોતાના સ્વભાવ પ્રમાણે મહંમદ ઝીણાએ કેવળ એટલું જ કહ્યું કે મુસ્લિમ લીગ પોતાની પાકિસ્તાનની માગણી પર અડગ રહેશે.
8 માર્ચ 1947 ને દિવસે કૉંગ્રેસ કારોબારી બેઠક મળી. એમાં બ્રિટિશ સરકારના વક્તવ્યને વધાવી લેવામાં આવ્યું અને બેઠકમાં માગણી મૂકવામાં આવી કે સાંપ્રદાયિક્તાને આધારે પંજાબ અને બંગાળના ભાગલા પાડવા જોઇએ. એણે પરસ્પર વાટાઘાટો માટે મુસ્લિમ લીગને પણ આમંત્રણ આપ્યું કે જેથી ‘સર્વજન હિતાય’ સત્તાના શાંતિપૂર્વક તેમજ ઝડપી હસ્તાંતર માટે ઉપાયો શોધી શકાય.’ કોંગ્રેસે બે પ્રાંતના સાંપ્રદાયિકતાના આધારે ભાગલા પાડવાની વાત કરીને જાણે એ વાતનો સંકેત આપી દીધો હતો કે એણે મહંમદઅલી ઝીણા અને મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી એક રીતે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે અને એ એના આધારે મુસ્લિમ લીગ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે; પરંતુ મહંમદઅલી ઝીણા કોન્ગ્રેસની આ વાત સામે રહસ્યમય રીતે મુંગા રહ્યા. તેઓ જાણતા હતા કે કૉંગ્રેસ સાથે સીધી વાતચીત કરવાને બદલે એ સોદાબાજી માટે અંગ્રેજો પર નિર્ભર રહેશે તો એ એમના માટે લાભદાયક રહેશે.
સરદાર પટેલે કારોબારીના એક સભ્યને એક પત્ર લખ્યો હતો, એમાં કૉંગ્રેસના દ્રષ્ટિકોણનો સંકેત મળે છે : ‘લીગ પાકિસ્તાનનો આગ્રહ રાખે તો એકમાત્ર વિકલ્પ રહે છે પંજાબ અને બંગાળનું વિભાજન …મારા મતે બ્રિટિશ સરકાર ભાગલા માટે સહમત નહીં થાય અને અંતે સરકારની લગામ સૌથી શક્તિશાળી પક્ષના હાથમાં આપવામાં આવે એ એમના માટે યોગ્ય ગણાશે. એ એવું ન કરે તો પણ કાંઈ નહિ. પૂર્વ બંગાળ, આંશિક પંજાબ, સિંધ અને બલૂચિસ્તાનને બાદ કરી સંપૂર્ણ ભારતવાળું સશક્ત કેન્દ્ર, જેને કેન્દ્રને આધીન રહી પૂરેપૂરી સ્વાયત્તતા મળશે, એ એટલું શક્તિશાળી હશે કે બાકીનો ભાગ આખરે એમાં સમાઈ જશે.’ (લેઅનોર્ડ મોસ્લે : ધ લાસ્ટ ડેજ ઓફ બ્રિટિશરાજ, પૃષ્ઠ: 107) પત્ર પરથી એવું લાગે કે સરદાર પટેલને ભરોસો હતો કે અંગ્રેજો ભાગલા માટે તૈયાર નહીં થાય! અને થશે તો સાવ નાનકડો ટૂકડો ઝીણાના હાથમાં આવશે.
પં. નહેરુ અને સરદાર પટેલનું અનુમાન હતું કે આ જવાબી રણનીતિથી મહંમદઅલી ઝીણાને ‘જેવા સાથે તેવા’ નો જવાબ મળી જશે. એમનેય ખબર પડશે કે એમના જ તર્કથી એમનું મોં બંધ કરી દેવામાં આવ્યું છે. આખરે એમના હાથમાં રહી જશે ‘ભાગેલું-તૂટેલું-વેર વિખેર-ઊધઈ લાગેલ પાકિસ્તાન.’ થોડા વર્ષ પહેલાં એમણે નાક- મોં મચકોડી આને ઠોકરે માર્યું હતું. 22 માર્ચ 1947ના દિવસે માઉન્ટબેટન ભારતના વાઇસરોય તરીકે ભારત આવી પહોંચ્યા. બ્રિટનના રાજવંશી પરિવાર સાથે સંકળાયેલા નૌસેનાપતિ માઉન્ટબેટનનું પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ હતું. પં. નહેરુ સાથે એમણે અંગત મિત્રતા કરી લીધી હતી. આગામી નિર્ણાયક દિવસોમાં એ એમને માટે ખૂબ લાભકારી સિદ્ધ થવાની હતી. વાત પુરાણી છે. યુદ્ધ સમાપ્ત થયું એના થોડા જ દિવસ અગાઉ પં. નહેરુ વિમાન દ્વારા મલાયા ગયા હતા. એમને ત્યાં ભારતીય સેનાના એક સ્મારકનું અનાવરણ કરવાનું હતું. માઉન્ટબેટન ત્યાં બ્રિટિશ સેનાપતિ હતા. વેવેલનો ગુપ્ત સંદેશો મળતાં એમણે પં. નહેરુ માટે સિંગાપુરમાં એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું. રંગબેરંગી શોભાયાત્રામાં માઉન્ટબેટન પોતે પં. નહેરુની સાથે રહ્યા. માઉન્ટબેટનને ખબર હતી કે ભારતની વચગાળાની સરકારની અધ્યક્ષતા માટે પં. નહેરુને તરત જ આમંત્રણ અપાવાનું હતું. ભારતમાં માઉન્ટબેટન એક ચોક્કસ લક્ષ્ય લઈ આવ્યા હતા. એમણે ભારતના ભાગલા પાડવાના હતા તેમજ મુસલમાનો માટે એક નવા દેશનું નિર્માણ કરવાનું હતું. દેશ પર પોતાના સામ્રાજ્યવાદી શાસનના અંતિમ તબક્કામાં પણ ‘ભાગલા પાડો, રાજ્ય કરો’ ની બ્રિટિશ નીતિ પૂંછડિયા ધૂમકેતુની જેમ દેખાઈ રહી હતી. એમને ખબર હતી કે વિશાળ વસ્તીવાળો, વિશાળ પ્રદેશોવાળો અને અગાધ કુદરતી સંશાધનો ધરાવતો સ્વતંત્ર અને અખંડ ભારત દેશ પોતાના સ્વાભાવિક બળે એક આંતરરાષ્ટ્રીય શક્તિ બની જશે એ નિશ્ચિત હતું. એ દશામાં એ વિરાટ રાષ્ટ્ર સામે બ્રિટન વામણું દેખાશે તેમજ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને પોતાના ઇશારે નચાવી શકાશે નહીં. એમને એ પણ ખબર હતી કે ભારતના અંગમાંથી જ એની સરહદે બ્રિટનના ઉપકારથી એક નવા રાજ્યના નિર્માણ થવાનું છે. એનું લોહી તરસ્યુ ડાચુ હંમેશા ભારત સામે તકાયેલું રહેવાનું છે.
અંગ્રેજો એ પણ ઇચ્છતા હતા કે ભવિષ્યમાં ભારતને સૈનિક અને આર્થિક દ્રષ્ટિએ દબાવી રાખવું જોઇએ એટલું જ નહીં, એને બ્રિટનની હાજી હા કરતું રહે તેવું આજ્ઞાકારી બનાવી દેવું જોઇએ.
માઉન્ટબેટને પોતાનો રાજકીય પદ સંભાળવામાં એક સેનાનાયક જેવો સૂઝબૂઝનો પરિચય આપ્યો. વાઈસરૉય તરીકે ઔપચારિક રીતે શપથ લેતા પહેલાં એમણે ગાંધીજી અને મહંમદઅલી ઝીણાને દિલ્હી બોલાવી એમની સાથે વાટાઘાટો કરી. આ પછી એમણે પં. નહેરુ અને સરદાર સાથે ચર્ચા કરી. વાટાઘાટનો પહેલો દોર ભારતીય નેતાઓનાં મન સમજવા માટેનો હતો. વાઈસરૉયે આ અંગે પોતાના વિચારોની ગંધ પણ કોઈને આવવા દીધી નહીં.

|: ક્રમશ:|
©️kishormakwana


Spread the love