Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 81

• લંડનની ધરતી પર બની પાકિસ્તાન નિર્માણની યોજના

  • પં. નહેરુ અને બળદેવસિંહ તો લંડનમાં વડાપ્રધાન એટલી સાથેની મીટીંગ પછી તરત જ ભારત પાછા આવતા રહ્યા, પરંતુ મહંમદી ઝીણા અને લિયાકત અલીખાન થોડો સમય ઈંગ્લેન્ડમાં જ રોકાઈ રહ્યા અને પાકિસ્તાન નિર્માણ માટે અંગ્રેજો સાથે ખાનગીમાં ખેલ ખેલતા રહ્યા.
  • 1981માં પાકિસ્તાનના એટર્ની જનરલ શરીફુદ્દીન પીરજાદાએ મહંમદઅલી ઝીણા લંડનમાં રોકાયા હતા એ સમયે મહંમદઅલી ઝીણા અને ચર્ચિલ વચ્ચેના ગુપ્ત વાર્તાલાપ પર વધુ પ્રકાશ પાડ્યો છે. એ સમયે ચર્ચિલે સૂચન કર્યું હતું કે બન્નેએ ડમી નામથી પત્ર-વ્યવહાર કરવો જોઈએ. આમ પણ ચર્ચિલને ભારત પ્રત્યે ભારોભાર નફરત હતી.
  • લંડન-પ્રવાસમાં મહંમદઅલી ઝીણા બકિંધમ મહેલના મધ્યાહ્ન-ભોજનમાં સામેલ થયા હતા. એમને ખબર પડી કે સમ્રાટ પાકિસ્તાન બને તેની તરફેણમાં છે અને રાણી તો એમનાથી પણ બે કદમ આગળ છે. સોએ સો ટકા પાકિસ્તાન બનવું જોઇએ એની તરફેણમાં !

એક તરફ અંગ્રેજોએ કોન્ગ્રેસ અને મુસ્લિમ લીગને ભેગા કરી વચગાળાની સરકારની રચના કરી અને બીજી તરફ વાઈસરૉય વેવલે બંધારણ ઘડવાની પ્રક્રિયાને આગળ વધારી. તેમણે બંધારણસભાની બેઠક માટે સંબંધિત પક્ષોને આમંત્રિત કર્યો; પરંતુ મુસ્લિમ લીગે કહ્યું કે પ્રાંતોના પ્રશ્નો અંગે એની જાહેર કરેલ નીતિ સ્વીકારવામાં આવશે એ પછી જ એ બંધારણ સભામાં સામેલ થશે. મુસ્લિમ લીગનો તર્ક હતો : પ્રાંતીય અને સમૂહ બંધારણ રચવાનો અધિકાર તો સમૂહોને છે. કૉંગ્રેસ પણ એની પાછલી નીતિ પર મક્કમ રહી કે સમગ્ર દ્રષ્ટિએ જોતાં યોજનાએ પ્રાંતોને પોતાના સમૂહ તથા બંધારણ –નિર્માણની સ્વતંત્રતા આપેલી છે.
સમાન આધારવાળું બધાને સ્વીકાર્ય યોજના શોધી કાઢી શકાય એ દ્રષ્ટિએ બ્રિટનના વડાપ્રધાન એટલીના વ્યક્તિગત આમંત્રણથી પં. નહેરુ, બલદેવસિંહ, મહંમદઅલી ઝીણા અને લિયાકત અલીખાન વિમાન દ્વારા લંડન પહોંચ્યા, સાથે વાઇસરોય વેવેલ પણ હતા. એટલીએ 6 ડિસેમ્બર 1946ના રોજ બેઠક બોલાવી હતી. આ એક છેલ્લો પ્રયત્ન હતો. અંગ્રેજો હવે ઝડપથી ભારત છોડવા માંગતા હતા.
જોકે અંગ્રેજો ડબલ રમત રમી રહ્યા હતા. અહીં એક તરફ મુસ્લિમ લીગના દ્રષ્ટિકોણને યોગ્ય ઠેરવ્યો તો બીજી તરફ કૉંગ્રેસની એ માગણી પણ સ્વીકારી લેવામાં આવી કે બંધારણ સભા ઈચ્છે તો વિવાદને સંધીય ન્યાયાલયમાં સોંપી દેવામાં આવે.
મહંમદ અલી ઝીણાની અંદર અસંતોષ ધધકતો એ જગજાહેર હતું. ન્યાયાલયનો નિર્ણય એમના વિવરણની વિરુદ્ધ આવે તો સરકારની નીતિ કેવી હશે એ સરકાર સ્પષ્ટ કરે એમ મહંમદઅલી ઝીણા ઈચ્છતા હતા. સેક્રેટરી ઓફ સ્ટેટે એમને કહ્યું કે એ પરિસ્થિતિમાં એમણે સમગ્ર સ્થિતિ પર નવેસરથી વિચાર કરવો પડે. આ વાત એમણે નહેરુની હાજરીમાં કહી. નહેરુ પણ લંડનની આ ઉછળકૂદથી ખિન્ન થઈ ગયા હતા. એમણે કહ્યું કે કૉંગ્રેસે પણ સમગ્ર સ્થિતિ પર નવેસરથી વિચાર કરવો પડશે. બળદેવસિંહે કહ્યું કે શીખોની સ્થિતિ તો અત્યંત નિમ્ન કક્ષાની કરી મૂકવામાં આવી છે. સંધીય ન્યાયાલયનો નિર્ણય બ્રિટિશ સરકારના વિવરણ જેવો જ આવે તો એ પરિસ્થિતિમાં તેઓ પણ બંધારણ સભાથી અલગ થઈ જશે.
આવી ખેંચતાણ ચાલી રહી હતી, એ દરમિયાન એક રહસ્યની ખબર પડી. અંગ્રેજ રાષ્ટ્રવાદી છાવણીને ધ્વસ્ત કરવાના પ્રયત્નો માં લાગ્યા હતા. તેઓ શીખોને કૉંગ્રેસથી અલગ થઈ જવા ઉશ્કેરી રહ્યા હતા. આ બાબતે દેવેન્દ્રસિંહ દુગ્ગલ લખે છે: ‘નહેરુએ ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો તો બ્રિટિશ મંત્રીમંડળના કેટલાક પ્રભાવશાળી સભ્યોએ સરદાર બળદેવસિંહને સૂચના આપી કે જો તેઓ રોકાઈ જાય તો ‘રાજકીય ક્ષેત્રે શીખો પોતાના પગ પર ઊભા રહી શકે અને વિશ્વ ઈતિહાસના પ્રવાહમાં જોડાઈ શકે એવી વ્યવસ્થા થઈ શકે તેમ છે.’
‘સરદાર બળદેવસિંહે આ ગુપ્ત પ્રસ્તાવની વાત તરત જ નહેરુને કહી દીધી અને નહેરુની ઈચ્છાને માન આપી એમણે લંડનમાં રોકાવાનો ઈન્કાર કરી દીધો. તેઓ નહેરુ સાથે ભારત પાછા આવ્યા. એમણે સમાચારપત્રો માટે સંદેશ આપ્યો : ‘શીખોની કેવળ એક જ માગણી છે કે અંગ્રેજો ભારતમાંથી ચાલ્યા જાય. શીખોની જે કાંઈ રાજકીય આકાંક્ષાઓ અને અધિકારો છે એ તો કૉંગ્રેસ અને બહુમતી સમુદાયના સદ્દભાવથી મેળવી શકાશે.’ (​ઈન્ડિયન એક્ષપ્રેસ, 24-5-1982)
પં. નહેરુ અને બળદેવસિંહ તો લંડનમાં વડાપ્રધાન એટલી સાથેની મીટીંગ પછી તરત જ ભારત પાછા આવતા રહ્યા, પરંતુ મહંમદી ઝીણા અને લિયાકત અલીખાન થોડો સમય ઈંગ્લેન્ડમાં જ રોકાઈ રહ્યા અને પાકિસ્તાન નિર્માણ માટે અંગ્રેજો સાથે ખાનગીમાં ખેલ ખેલતા રહ્યા. એમણે પાકિસ્તાન અંગેની માગણી માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા સાર્વજનિક ભાષણો દ્વારા ઝેરીલો પ્રચાર કર્યો. મહંમદ ઝીણાએ તો માગણી પૂરી ન થાય તો ગૃહયુદ્ધની ધમકી આપી દીધી.
1981માં પાકિસ્તાનના એટર્ની જનરલ શરીફુદ્દીન પીરજાદાએ મહંમદઅલી ઝીણા લંડનમાં રોકાયા હતા એ સમયે મહંમદઅલી ઝીણા અને ચર્ચિલ વચ્ચેના ગુપ્ત વાર્તાલાપ પર વધુ પ્રકાશ પાડ્યો છે. એ સમયે ચર્ચિલે સૂચન કર્યું હતું કે બન્નેએ ડમી નામથી પત્ર-વ્યવહાર કરવો જોઈએ. આમ પણ ચર્ચિલને ભારત પ્રત્યે ભારોભાર નફરત હતી.
મહંમદઅલી ઝીણાના જન્મદિવસની ઉજવણીમાં અધ્યક્ષપદેથી બોલતાં પીરજાદાએ કહ્યું કે મહંમદઅલી ઝીણાના પત્રો સાથે એમને એક પરબીડિયું મળ્યું હતું. એમાં એક ‘ચિઠ્ઠી’ હતી. એમાં એક અંગ્રેજ મહિલાનું નામ અને લંડનનું એનું સરનામું હતું. પાછળથી ખબર પડી કે એ મહિલા બીજી કોઈ નહિ, પણ સર વિન્સ્ટન ચર્ચિલની સચિવ હતી. સર વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે તેઓ મહંમદઅલી ઝીણાને આ મહિલાને નામે તાર કરશે. પીરજાદાએ મહંમદઅલી ઝીણાના નામે સર વિન્સ્ટનના પત્રની નકલો પણ રજૂ કરી-
‘પ્રિય મિસ્ટર ઝીણા,
12 ડિસેમ્બરના બપોરના ભોજન માટેના આપના આગ્રહપૂર્ણ નિમંત્રણને સ્વીકારવાની મારી ઘણી ઈચ્છા છે, પણ આવી (સંવેદનશીલ) ઘડીઓમાં આપણે જાહેરમાં પરસ્પર ન મળીએ એ જ કદાચ યોગ્ય રહેશે એમ હું માનું છું.
કાલે આપણી વચ્ચે જે વાતચીત થઈ, એ અંગે કહેવા માગું છું કે એ (વાતચીત) અત્યંત મહત્વપૂર્ણ હતી. હું મારું સરનામું આપું છું. એ સરનામે આપ જે તાર કરવા માગતા હો એ કરી શકો છો. ભારતમાં કોઈને ખબર નહિ પડે. મારા હસ્તાક્ષર હંમેશાં હશે –‘જિલિયુટ’ કૃપા કરી મને જણાવશો કે હું આપને ક્યા સરનામે તાર મોકલું અને આપ ક્યા નામે સહી કરશો. મારા પર વિશ્વાસ રાખજો.
આપનો
(હ.) વિન્સ્ટન ચર્ચિલ..’​(ડેકન હેરોલ્ડ દૈનિક, બેંગ્લોર, 27-4-1982)
આવા રહસ્યમય ખેલથી ખબર પડે છે કે સત્તા ફેરબદલીનો સમય પાસે આવતો ગયો તેમ તેમ બ્રિટિશ સામ્રાજ્યવાદી પડદા પાછળ રહીને દેશ તોડવાનો દોરીસંચાર કરતા રહ્યા.
ખલીકુજ્જમાને લખ્યું છે : ‘લંડન પ્રવાસ દરમિયાન મહંમદઅલી ઝીણાને અત્યંત જવાબદાર જગ્યાએથી એ વાતની ખબર પડી ગઈ હતી કે કૉંગ્રેસે દસ્તાવેજ પર પોતાનું અર્થઘટન રજૂ કર્યા વિના પૂર્ણપણે કૅબિનેટ મિશન યોજનાનો સ્વીકાર નહીં કરે તો બ્રિટિશ સરકાર અનિચ્છાએ દેશવિભાજન માટે તૈયાર થઈ જશે.’ (ચૌધરી ​ખલીકુજ્જમાન : પાથવે પૃષ્ઠ: 372)
લંડન-પ્રવાસમાં મહંમદઅલી ઝીણા બકિંધમ મહેલના મધ્યાહ્ન-ભોજનમાં સામેલ થયા હતા. એમને ખબર પડી કે સમ્રાટ પાકિસ્તાન બને તેની તરફેણમાં છે અને રાણી તો એમનાથી પણ બે કદમ આગળ છે. સોએ સો ટકા પાકિસ્તાન બનવું જોઇએ એની તરફેણમાં !

|: ક્રમશ:|
©️kishormakwana


Spread the love