Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 80

• અંગ્રેજોના પ્રોત્સાહનથી મુસ્લિમ લીગ સરકારમાં સામેલ થઇ અને વિનાશલીલાની બ્યૂપ્રિન્ટ બનાવી

  • હુલ્લડથી વિનાશ પામેલા કલકત્તાની યાત્રા પછી વાઇસરોય વેવલે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારના વિનાશનું પુનરાવર્તન રોકવું હશે તો મુસ્લિમ લીગને કોઈને કોઈ પ્રકારે વચગાળાની સરકારમાં જોડવી પડશે.’ વેવલે આ રીતે એણે કલકત્તાનામુસ્લિમ લીગના ભયાનક-બર્બર અત્યાચારો પર પડદો પાડી દીધો અને જણાવી દીધું કે મુસ્લિમ લીગને સરકારમાં ભાગીદારી આપવામાં નહીં આવે તો એને આવા હત્યાકાંડો કરવાનો અધિકાર મળી જશે.
  • મુસ્લિમ લીગે સરકારમાં જ અરાજકતાની સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કર્યો અને બહારથી એણે ‘ડાયરેક્ટ એક્શન’ ની વિનાશલીલાને પ્રોત્સાહન આપ્યું. સરકારમાં બેઠેલા મુસ્લિમ લીગના મંત્રીઓ જાહેરમાં મુસલમાનોને ઉશ્કેરી રહ્યા હતા. એક જણે તો પૂર્વબંગાળની ઘટનાઓ તો ‘પાકિસ્તાન માટેની રાષ્ટ્રીય સ્તરના સંઘર્ષની પ્રસ્તાવના માત્ર છે. હવે શું થાય છે એ આગળ ઉપર જોતા રહો,’ એવી જાહેરમાં ધમકીઓ આપી.

વચગાળાની સરકારનું નિમંત્રણ કોન્ગ્રેસ પ્રમુખ પં. નહેરુને મળતા જ મહંમદઅલી ઝીણા ભયાનક હદે અકળાયા. આ નવી ઘટનાથી પોતાની ભાવિ યોજના ધૂળમાં મળી જશે એમ લાગતા જ 13 ઓક્ટોબર 1946 ના દિવસે મહંમદઅલી ઝીણાએ વાઈસરૉય વેવલને પત્ર લખ્યો :
‘અનેક કારણોસર મારી સમિતિ (મુસ્લિમ લીગ) એ તારણ પર આવી છે કે કૉંગ્રેસને કેન્દ્રીય સરકારનો સંપૂર્ણ વહીવટ સોંપવામાં આવશે તો એ (વાત) મુસલમાનો તથા અન્ય સમુદાયોનાં હિતો માટે ઘાતક બનશે. આ સિવાય પણ આપને આપની વચગાળાની સરકારમાં જે મુસ્લિમો ભારત માટે આદર્શ અને વિશ્વાસ પાત્ર નહિ હોય એવા મુસલમાનોને લેવા પડશે. એનાં ભયંકર પરિણામો આવશે. બીજા અનેક મજબૂત આધારો અને કારણો છે, એનો ઉલ્લેખ અહીં કરવો જરૂરી નથી. અમે મુસ્લિમ લીગ તરફથી પાંચ સભ્યો પસંદ કરવાનો નિશ્ચય કર્યો છે.’(એન. માનસેર્ગ એન્ડ પી. મૂન (સં.) ધ ટ્રાન્સફર પાવર –ખંડ 9, 1942-47)
કૉંગ્રેસે એક ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ’ ને પસંદ કર્યો. એના જવાબમાં મહંમદઅલી ઝીણાએ મુસ્લિમ લીગના નક્કી થયેલા પાંચ સભ્યોમાં એક જોગેન્દ્રનાથ મંડલ નામના એક હિન્દુનેે સામેલ કર્યા.મુસ્લિમ લીગની આ ચાલથી નહેરુ અને ગાંધીજી બન્ને ખિન્ન થયા. એમણે શંકા વ્યક્ત કરી કે
મુસ્લિમ લીગ સરકારમાં સારા ભાવે જોડાતી નથી. સહયોગને બદલે એણે સીધા સંઘર્ષ અને તોફાનોના સંકેતો આપ્યા છે. આ ઉપરાંત મુસ્લિમ લીગે સંવિધાન નિર્માણની લાંબી પ્રક્રિયામાં ભાગ લેશે એવું કોઈ વચન પણ આપ્યું નહીં. વચગાળા સરકારમાં સામેલ થતા પહેલાં મુસ્લિમ લીગ ‘ડાયરેક્ટ એક્શન’ (આ કાર્યક્રમ મુસ્લિમ લીગે હિન્દુઓની હત્યા કરવા અને લૂંટફાટ કરવા આપેલો) નો કાર્યક્રમ પાછો ખેંચી લે એવી કૉંગ્રેસની માગણી તરફ પણ મુસ્લિમ લીગે કોઈ ધ્યાન આપ્યું નથી. વાઈસરૉય વેવલ મુસ્લિમ લીગની આવી બદમાશી જોયા છતાં ન આંખ આડા કાન કર્યાં. વાસ્તવમાં એણે પાછલા બારણે ઝીણાને ઉશ્કેરી મુસ્લિમ લીગને મંત્રીમંડળમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. હુલ્લડથી વિનાશ પામેલા કલકત્તાની યાત્રા પછી વાઇસરોય વેવલે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારના વિનાશનું પુનરાવર્તન રોકવું હશે તો મુસ્લિમ લીગને કોઈને કોઈ પ્રકારે વચગાળાની સરકારમાં જોડવી પડશે.’ વેવલે આ રીતે એણે કલકત્તાનામુસ્લિમ લીગના ભયાનક-બર્બર અત્યાચારો પર પડદો પાડી દીધો અને જણાવી દીધું કે મુસ્લિમ લીગને સરકારમાં ભાગીદારી આપવામાં નહીં આવે તો એને આવા હત્યાકાંડો કરવાનો અધિકાર મળી જશે.
સરકારમાં સામેલ થવાનો મુસ્લિમ લીગનો એક વિશેષ હેતુ પણ હતો. મુસ્લિમ લીગી નેતાઓએ જ આની સ્પષ્ટતા કરતા કહ્યું:
‘મુસ્લિમ લીગ તરફથી વચગાળાની સરકારમાં સામેલ થનાર ગજનફર અલીખાને ૧૬ ઓક્ટોબરે લાહોરની ઈસ્લામિયા કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું : ‘આપણે વચગાળાની સરકારમાં સામેલ થઈ રહ્યા છીએ કારણ કે આપણા પાકિસ્તાનના હંમેશના લક્ષ્યને માટે સંઘર્ષ કરવા આપણા પગ મજબૂત રહે. હું આપને વિશ્વાસ આપું છું કે આપણે પાકિસ્તાન લઈને જ રહીશું… કેન્દ્રમાં કૉંગ્રેસી સરકાર બેસાડ્યા પછી દેશના અનેક ભાગોમાં હુલ્લડો થયાં છે. દસ કરોડ ભારતીય મુસલમાનો એમના સાચા પ્રતિનિધિઓ સામેલ ન હોય એવી કોઈ સરકાર આગળ નમશે નહીં એ વાત 100 ટકા સાબિત કરાવી દીધી છે. વચગાળાની સરકારમાં આપણી બધી જ પ્રવૃત્તિઓ બે વાતો પર આધારિત હશે. એક, અમે કૉંગ્રેસને વિશ્વાસ અપાવવા પ્રયત્ન કરીશું કે મુસ્લિમ લીગના સહયોગ વિના ભારતમાં કોઈપણ સરકાર સારી રીતે ચાલી શકશે નહિ. બે, આ વચગાળાની સરકાર ‘ડાયરેક્ટ એક્શન’ ના અભિયાનનું સૌથી આગળની હરોળનું ક્ષેત્ર છે. જ્યાં સુધી પાકિસ્તાન બાબતે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે કોઈ સમજૂતી ન થાય ત્યાં સુધી અમે ભારતમાં કોઈપણ પ્રગતિ માટે સન્માનીય ઝીણાના આદેશોનું અત્યંત નિષ્ઠાપૂર્વક પાલન કરીશું.’
મુસ્લિમ લીગની રાષ્ટ્રઘાતી મનોવૃત્તિની જલદી બહાર આવી ગઈ. લિયાકત અલીખાનના હાથમાં નાણાંખાંતું હતું. એમણે અંદાજપત્ર એવી રીતે તૈયાર કર્યું કે કૉંગ્રેસના ભામાશાહો તથા કૉંગ્રેસ માટે પોતાની સંપત્તિ લૂંટાવી દેનાર હિન્દુ વેપારીઓને જ મુશ્કેલીમાં મૂકાય. લિયાકત અલીની પ્રત્યેક નીતિ – નિર્ણય દુષ્ટતાથી ભરેલા રહેતા. સરકારની અંદર રહીને જ કૉંગ્રેસના રસ્તામાં અડચણો ઊભી કરવાનો બદઇરાદો હતો. ખરેખર તો જ્યારે કૉંગ્રેસે ગૃહખાતું લેવાનો આગ્રહ રાખ્યો અને મુસ્લિમ લીગે એનો વિરોધ કર્યો ત્યારે ચૌધરી મોહમ્મદ અલીએ મુસ્લિમ
લીગ નેતાઓને નાણાંખાતું અતિ મહત્વનું હોવાથી તેનો સ્વીકાર કરી લેવા સલાહ આપી હતી. ચૌધરી મોહમ્મદ અલી એ સમયે કેન્દ્રીય સચિવાલયમાં હતા અને પાછળથી પાકિસ્તાનના વડાપ્રધાન થયા હતા.
મૌલાના અબુલ કલામ આઝાદે લખ્યું છે : ‘લિયાકત અલી નાણાંપ્રધાન બન્યા. એમણે તો સરકારની ચાવી જ ઝૂંટવી લીધી. દરેક વિભાગના દરેક પ્રસ્તાવની ચકાસણી એમનો વિભાગ કરતો. આ વિના પણ એમના ખિસ્સામાં દરેક બાબતનો ‘નકાર’ હતો. એમના વિભાગની મંજૂરી વિના કોઈપણ વિભાગમાં એક ચપરાસીની પણ નિયુક્તિ કરી શકાતી નહોતી’​(મૌલાના આઝાદ : ઈન્ડિયા વિન્સી ફ્રીડમ, પૃષ્ઠ: 167)
લિયાકત અલી અલગ રીતે મુસ્લિમ લીગી સભ્યોની બેઠકો અલગથી યોજતા હતા. પં. નહેરુએ કૉંગ્રેસની વિષય સમિતિને સૂચના આપી હતી કે મુસ્લિમ લીગ અને વરિષ્ઠ બ્રિટિશ અધિકારીઓ વચ્ચે માનસિક જોડાણ છે. નહેરુએ આરોપ મૂક્યો હતો : ‘વાઈસરૉય ધીમે ધીમે ગાડીના પૈડાંને અલગ કરતા જાય છે, પરિણામે સ્થિતિ મુશ્કેલ બનતી જાય છે.’
મુસ્લિમ લીગે સરકારમાં જ અરાજકતાની સ્થિતિ પેદા કરવાનો પ્રયાસ કર્યો અને બહારથી એણે ‘ડાયરેક્ટ એક્શન’ ની વિનાશલીલાને પ્રોત્સાહન આપ્યું. સરકારના મુસ્લિમ લીગના મંત્રીઓ જાહેરમાં મુસલમાનોને ઉશ્કેરી રહ્યા હતા. એક જણે તો પૂર્વ બંગાળની ઘટનાઓ તો ‘પાકિસ્તાન માટેની અખિલ ભારતીય સંઘર્ષની પ્રસ્તાવના માત્ર છે. હવે શું થાય છે એ આગળ ઉપર જોતા રહો,’ એવી જાહેરમાં ધમકીઓ આપી, પરિણામે મુસ્લિમોના જેહાદી આક્રોશના આ દાવાનળે સમગ્ર ઉત્તર ભારતને ભરખી લીધું. ક્યાંક ક્યાંક હિન્દુઓએ પણ ‘જેવા સાથે તેવા’ નો જવાબ વાળ્યો, પણ એ જવાબ છૂટોછવાયો હતો પરિણામે ભયાનક માર સહન કરવો પડ્યો.

|: ક્રમશ:|
©️kishormakwana


Spread the love